Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

એસબીઆઇના ગોલ્ડ વેલ્યુઅર ધવલ ચોકસીનું વધુ એક કોૈભાંડ ઉઘાડુ પડ્યું: રૂ.૧.૯૩ કરોડની ઠગાઇઃ વધુ ૨૪ સામે ફરિયાદ

નકલી સોનાને આધારે ડમી ગ્રાહકો પાસે લોન લેવડાવી ધવલ આણી ટોળકીએ કરોડો ચાંઉ કર્યા : વિરાણી ચોકની આર. કે. નગર બ્રાંચ અને એસ્ટ્રોન ચોકની જાગનાથ બ્રાંચ સાથે નકલી સોનાને આધારે ૧.૮૩ કરોડના કોૈભાંડમાં જેલમાં ગયેલા ધવલનો હવે ભકિતનગર પોલીસ કબ્જો મેળવશે

રાજકોટ તા. ૨૦: વિરાણી ચોકમાં આવેલી એસબીઆઇની આર. કે. નગર બ્રાંચ અને એસ્ટ્રોન ચોકની જાગનાથ બ્રાંચમાં નકલી સોનાના દાગીના મુકાવી રૂ. ૧ કરોડ ૮૩ લાખની લોનના કોૈભાંડમાં ઝડપાયેલા મુખ્ય સુત્રધાર બેંકના વેલ્યુઅર ધવલ રાજેશભાઇ ચોકસી (રહે. પ્રહલાદ પ્લોટ મેઇન રોડ, શુકન સાનિધ્ય)ની એ-ડિવીઝનમાં ધરપકડ થયા બાદ રિમાન્ડ મળતાં વિશેષ પુછતાછ થઇ હતી. રિમાન્ડ પુરા થતાંધવલ સહિત ત્રણેય જેલહવાલે થયા હતાં. દરમિયાન ધવલ સહિત ૨૪ સામે વધુ એક ઠગાઇનો ગુનો ભકિતનગર પોલીસમાં દાખલ થયો છે. ઢેબર રોડ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ પાસે આવેલી એસબીઆઇની ઢેબર રોડ બ્રાંચ સાથે પણ ધવલે ખોટા સોનાના દાગીનાને આધારે લોન લેવડાવી રૂ. ૧ કરોડ ૯૩ લાખ ૩૬ હજાર ૭૦૦ની છેતરપીંડી કર્યાનો ગુનો દાખલ થતાં ધવલનો જેલમાંથી કબ્જો લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ બારામાં ભકિતનગર પોલીસે નાના મવા રોડ પર કોઝી કોર્ટયાર્ડ ખાતે રહેતાં મુળ જમ્મુ કાશ્મીરના વતની અને હાલ રાજકોટ એસબીઆઇ બેંકમાં રીઝનલ મેનેજર તરીકે ફરજ બજાવતાં રોમેશ મુન્શીરામ કુમારની ફરિયાદ પરથી ધવલ ચોકસી, અઝીમ વલીમામદ ભમરા, કનુ ચમનભાઇ વાઘેલા, રાહુલ અનિલભાઇ વાઘેાલ, કપીલ અનિલભાઇ વાઘેલા, ભાવીકા ઘનશ્યામભાઇ પઢીયાર, સોનાલી રાહુલભાઇ વાઘેલા, પિયુષ રવિભાઇ રવાની, ચંદ્રકાંત રતિલાલ સોલંકી, ડાયા ભવાનભાઇ વાઘેલા, દિલીપ ભાનુભાઇ પરમાર, જગદીશ વિનુભાઇ વાઘેલા, મનિષા કનુભાઇ વાઘેલા, ભાવીન દિનેશભાઇ જાદવાણી, જયેશ નારણભાઇ ભદ્રકીયા, પિયુષ દિનેશભાઇ વેગડા, અનિલ મોહનભાઇ વાઘેલા, ફારૂક આમદભાઇ ગોહિલ, ઉર્વશી મનોજભાઇ સરવૈયા, અમિન ગુલાબભાઇ રાઠોડ, લક્ષ્મી દિનેશભાઇ મૈયડ, નિલેષ જગદીશભાઇ પીલોજપરા, અફઝલ ઇમદાદભાઇ વાલેરા અને નારણ ભાણજીભાઇ બદ્રકીયા તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪૧૮, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદમાં જણાવાયું છે કે ધવલ ચોકસીને બેંક દ્વારા ગોલ્ડ વેલ્યુઅર તરીકે નિમવામાં આવ્યો હોઇ તેણે અન્ય ૨ થી ૨૪ આરોપીઓ સાથે મળી પોતાના આર્થિક લાભ માટે કાવત્રુ ઘડી એસબીઆઇ બેંકમાં ખોટા સોનાના દાગીના રજુ કરાવી તે ૨૨ કેરેટના સાચા હોવાનું ખોટુ પ્રમાણપત્ર આપી આ ખોટા સોનાનો ખરા તરીકે ઉપયોગ કરી બેંકમાંથી ૨૩ જણાને રૂ. ૧,૯૩,૩૬,૭૦૦ની લોન અપાવી બેંક સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો છે.

વેલ્યુઅર તરીકે ધવલ ચોકસીએ બે અલગ અલગ બ્રાંચમાં અપાવેલી લોનોમાં કોૈભાંડ ખુલ્લુ પડ્યું હોઇ ઢેબર રોડ બ્રાંચમાં પણ તેણે વેલ્યુઅર તરીકે કામ કર્યુ હોઇ અને લોનો અપાવી હોઇ આ બ્રાંચમાં ધવલ મારફત વેલ્યુઅર તરીકે અપાયેલા સર્ટીફિકેટના આ સોનાના દાગીના ચેક કરાવી તપાસ કરાવવાની સ્પેશીયલ જવાબદારી એસ.બી.આઇ. જેતપુર આર.એ.સી.સી. શાખાના ચીફ મેનેજર પ્રકાશભાઇ પટેલને સોપવામાં આવતાં તેમણે ઢેબર રોડ શાખાના તમામ સોનાના દાગીના બીજા વેલ્યુઅર સોની કમલભાઇ ચંદુલાલ વડનગરા, ભરતભાઇ વસંતલાલ સોની, અશોકભાઇ બારભાયા, જયંતીલાલ મોતીચંદની પાસે ચેક કરાવતા જેમાં કુલ ૨૩ ગ્રાહકોના અલગ અલગ કુલ ૪૭ (સુડતાલીસ) એકાઉન્ટના તમામ ઘરેણાની જીરો માર્કેટ વેલ્યુ આવેલ હતી એટલે કે ધવલ ચોકસીએ અગાઉ આપેલ સર્ટીફીકેટ બનાવટી હોવાનું તેમજ ખરેખર તે સોનુ હતુ જ નહી તેવુ બેંકના માન્ય વેલ્યુઅરે ચેક કરતા જણાઇ  આવતા વધુ ધવલનું વધુ એક કોૈભાંડ છત્તુ થયું છે.

ઉલ્લેખનિય છે કે દિવાળીના તહેવાર વખતેએ-ડિવીઝન પોલીસમાં પણ ધવલ ચોકસી અને અન્ય એક વેલ્યુઅર સહિત ૨૫ સામે ૧ કરોડ ૮૩ લાખની ઠગાઇ આ જ રીતે એસબીઆઇની જાગનાથ બ્રાંચ અને આર. કે.નગર બ્રાંચ સાથે કરી હતી. જેમાં ધવલ સહિતનાની ધરપકડ થઇ હતી અને રિમાન્ડ મળ્યા હતાં. એ ગુનામાં તે જેલહવાલે થયો હોઇ હવે નવા ગુનામાં કબ્જો મેળવી ધરપકડ કરી પુછતાછ કરાશે. પીઆઇ જે. ડી. ઝાલા અને ટીમ વધુ તપાસ કરે છે.

(1:02 pm IST)