Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોરોના સામે સાવચેતી : સોશિયલ ડિસ્ટન્સના ભંગ : ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાના ભંગ અંગે વ્યાપક ઝુંબેશ શરૂ

રાજકોટ તા. ૨૦ : સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાયની છૂટ આપવામાં આવેલ છે ત્યારે લોકોએ સામાજિક અંતર રાખવું,માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ છતાં શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો વધુ સતર્ક બને, સમજદારીથી પોતાની નાગરિક ફરજ બજાવે તેવા ઉમદા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. શહેરમાં કોરોના વધુ ના વકરે એ માટે આ નિયમોના પાલન માટે તંત્ર વધુ સતર્ક રહી નિયમોનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરશે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવાસીલકરવાની કાર્યવાહી કરવામાં આવશે. આજે તા. ૨૦ને શુક્રવારે મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું જોવા મળતા કુલ ચાર હોટલ અને બે પાન શોપ આગામી ૭ દિવસ માટે સીલ કરેલ છે. માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પોતાના અને અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખતરો ઉભો કરે છે એ બાબતને નજર સમક્ષ રાખી આવા સામે પણ રૂ. ૧,૦૦૦નો દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે.

દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોને એવી અપીલ કરે છે કે, લોકો ફરજીયાત માસ્ક પહેરે એ જરૂરી છે. કેટલાક લોકોએ માસ્ક પહેર્યું હોય છે પરંતુ તેમના નાક અને મ્હો ઉઘાડા હોય છે. આવા નાગરિકો સામે પણ દંડની વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. લોકો માસ્ક એવી રીતે પહેરે જેથી મ્હો અને નાક બરોબર ઢંકાયેલ રહે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પરંતુ તેઓ સાવચેતી રાખે અને પોતાના તથા અન્ય લોકોના સ્વાસ્થ્યના હિતમાં વ્યવસ્થિત માસ્ક પહેરે તે જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા લોકોને ખાસ અપીલ કરે છે કે,ઘરની બહાર નીકળવાનું ટાળો,અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મ્હો અને નાક ઢંકાઈ તે રીતે માસ્ક પહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા,સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું,પોતે કોરોનાથી બચશે તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે. તેમ મ.ન.પા.ની યાદીમાં અપીલ કરાઇ છે.

(3:32 pm IST)