Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

રાજકોટવાસીઓ ચેતજો : એન્ટીજન કીટની અછત

એક તરફ કોરોના વકરી રહ્યો છે બીજી તરફ કીટ નહી ફાળવવામાં આવતા વોર્ડ પ્રભારીઓ મુશ્કેલીમાં : ટેસ્ટીંગનું પ્રમાણ ઘટતા કોરોના સંક્રમણ વધવા લાગ્યુ

રાજકોટ તા. ૨૦ : શહેરમાં કોરોનાની બીજી લહેર ઝડપથી પ્રસરી રહી છે. છેલ્લા અઠવાડિયાથી રોજના ૮૦ - ૯૦ કેસ આવી રહ્યા છે ત્યારે મેયર બીનાબેન આચાર્યએ ટેસ્ટીંગ વધારવાની સૂચના આપી છે પરંતુ એન્ટીજન કીટની અછત હોય વોર્ડ પ્રભારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

આ અંગે વિશ્વસનિય સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા અઠવાડિયાથી કોરોના સંક્રમણ વધતા હવે શહેરમાં ટેસ્ટીંગ કેમ્પ, ટેસ્ટીંગ બુથ અને સર્વેલન્સની કામગીરી જોરશોરથી શરૂ કરાઇ છે પરંતુ 'ખાટલે મોટી ખોટ' એ ઉકિત મુજબ ટેસ્ટીંગ માટેની એન્ટીજન કીટની અછત ઉભી થઇ છે. અગાઉ રોજની ૬૦૦૦ કીટ અપાતી હતી પરંતુ હવે રોજની માત્ર ૩૦૦૦ એન્ટીજન કીટ અપાઇ રહી છે. આમ, કીટની અછત હોવાથી પૂરતા પ્રમાણમાં ટેસ્ટીંગ થઇ શકતુ નથી. પરિણામે વોર્ડના પ્રભારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ ટેસ્ટીંગ નહી થતાં કોરોના સંક્રમણ વધવાની શકયતાઓ છે ત્યારે હવે લોકોએ સ્વૈચ્છીક રીતે જ સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક અને હેન્ડવોશ તથા સેનીટાઇઝેશન જેવી બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે.

મ.ન.પા.ના સ્ટાફની  રજાઓ કેન્સલ

રાજકોટ : કોરોના સંક્રમણ વધતા મ.ન.પા.ના તંત્ર દ્વારા કોરોના કાબુમાં લેવા માટે ઝુંબેશાત્મક કામગીરી શરૂ કરાઇ છે. આ માટે તમામ સ્ટાફની રજા રદ્દ કરવામાં આવી છે. જ્યારે મ્યુ. કમિશનર હાલ રજા પર છે.

(3:06 pm IST)