Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ભયથી મુકત થશો તો કોરોનાથી આપમેળે મુકત થયોઃ મનોજભાઇ

રાજકોટ સિવિલમાં સચોટ સારવારથી સાજા થયા ગોંડલના દર્દી

રાજકોટ તા. ૨૦ : 'જો કોરોનાના ભયથી મુકત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુકત બની જશો' આ શબ્દો છે તાજેતરમાં કોરોનાને મ્હાત આપનાર મનોજભાઇ ભેસદડીયાના. જેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મળેલ સુદ્રઢ સારવાર થકી કોરોના મુકત થયા છે અને તેનો શ્રેય મનોજભાઇ રાજય સરકારને આપે છે.

મનોજભાઇ મૂળ ગોંડલના રહેવાસી છે, તેમને શરીરમાં તાવ અને કળતર થવા લાગી, ભોજનનો સ્વાદ અને સુગંધ પણ જતા રહ્યા, તેથી તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિદાન અર્થે ગયા ત્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો એ વિશે વાત કરતા મનોજભાઇ જણાવે છે કે, 'ગોંડલના કોરોનાનાં ખાનગી દવાખાનામાં દાખલ થવું અમારા માટે શકય નહોતું, કેમકે ત્યાંની ફી અમને પરવડે તેવી નહોતી, એ વખતે ગોંડલના પી.એચ.સી.ના ડોકટરે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનું સૂચન આપ્યું, એટલે હું તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો, ત્યાં મારી તપાસ કર્યા બાદ ફરજ પરના ડોકટરના સુચનથી મને સિવિલમાં દાખલ કરવામાં આવ્યો. આવો ગંભીર રોગ લાગુ પડે તો તેની સારવાર પણ કેટલી મોંઘી હોય પણ સરકારને દાદ દેવી પડે, સિવિલમાં મારી પાસેથી એક પણ રૂપિયો લીધા વગર ખાનગી હોસ્પિટલમાં સરકાર આપે એવી સુવિધાસભર સારવાર મને ડોકટરોએ આપી છે, દિવસમાં ૫-૫ વાર ડોકટરો મારી તબિયત ચેક કરવા માટે આવતા હતા, સવાર સાંજ ગરમાં ગરમ નાસ્તો, જમવાનું, આયુર્વેદિક ઉકાળા અને દવાથી જ હું સ્વસ્થ થયો છું, હું રાજય સરકારનો આભારી છું કે તેઓ મારા જેવા કોરોનાના દર્દીઓને આટલી સારી સારવાર વિના મૂલ્યે આપે છે.'

આમ, કોરોનાનાં દર્દીઓને કોરોના મુકત કરવામાં રાઉન્ડ ધ કલોક સેવારત ગુજરાત સરકાર અને સિવિલ હોસ્પિટલની સચોટ કામગીરીથી મનોજભાઈ જેવા દર્દીઓ કોરોના મુકત થઈ રહ્યા છે.

(2:50 pm IST)