Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

હેલ્મેટના કેસ જ ખપેઃ વધુ ૩૪૮૬ વાહન ચાલકોને ઇ-ચલણઃ દંડનો આંકડો ૭ કરોડ ૧૭ લાખને પાર

રાજકોટ તા. ૨૦: શહેરમાં પોલીસ હેલ્મેટના કેસ કરવા માટે સતત મેદાને ઉતરી ગઇ છે. લક્ષ્યાંકો સિધ્ધ કરવાના એક માત્ર હેતુ સાથે સતત રોજબરોજ લાખોની સંખ્યામાં હેલ્મેટનો દંડ વસુલ થઇ રહ્યો છે. આ કારણે વાહન ચાલકોમાં દેકારો બોલી ગયો છે. પોલીસ એક તરફ હેલ્મેટના દંડની કામગીરીમાં વ્યસ્ત છે તો બીજી તરફ ગુનેગારો પોતાની 'કામગીરી'માં વ્યસ્ત બન્યા છે. જો કે છેલ્લા બે દિવસથી પોલીસે વાહન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી છે અને નશો કરી વાહન ચલાવતાં તથા હથીયારો સાથે નીકળતા શખ્સોને દબોચવા ઝુંબેશ શરૂ કરી છે. પરંતુ આમ છતાં અમુકને પોલીસનો ડર ન હોય એ રીતે ખુલ્લેઆમ ગુંડાગીરી કરી રહ્યા છે. પોલીસે હેલ્મેટ તથા અન્ય ટ્રાફિકના નિયમોના ભંગ સબબ વધુ ૩૪૮૬ ઇ-ચલણ ઇશ્યુ કરી દીધા છે.

જાણવા મળ્યા મુજબ ગઇકાલે આખા દિવસમાં એટલે કે સવારથી બપોર અને બપોર બાદથી મોડી સાંજ સુધી અલગ-અલગ પોઇન્ટ પર ૨૫૬ વાહન ચાલકોને અટકાવી હેલ્મેટ, સીટ બેલ્ટ, ત્રણ સવારી, રોંગ સાઇડ સહિતના નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આ દંડની રકમ ૧,૨૬,૧૦૦ હતી. આ ઉપરાંત ૩૪૮૬ વાહન ચાલકોને ઇ-ચલણ મોકલાયા છે.જેના દંડની રકમ રૂ. ૨૧,૨૬,૮૦૦ થાય છે. આમ પોલીસ સતત હેલ્મેટના દંડ વસુલવામાં વ્યસ્ત બની છે.

આ વર્ષમાં કુલ દંડની રકમ ૭ કરોડ ૧૭ લાખ ૨૦ હજાર ૭૯૨એ પહોંચી છે.

(4:18 pm IST)