Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રાજકોટ જિલ્લામાં ૪૭૮ તલાટઓ માટે 'ઇ-ટાસ' શરૃઃ અમલ ન કરે તો પરચુરણ રજા કપાત

રાજયભરમાં ફરજના ગામમાં તલાટીઓની ઓનલાઇન હાજરી પ્રથા

રાજકોટ, તા., ૨૦: રાજય સરકારના પંચાયત વિભાગે તલાટી મંત્રીઓ ફરજના ગામમાં નિયમીત હાજરી આપે તે માટે ઇ-તલાટી એટેન્ડન્સ સિસ્ટમ શરૂ કરી છે. મોબાઇલ ફોનમાં ખાસ એપ દ્વારા તલાટીએ  ઓનલાઇન હાજરી પુરાવાની રહેશે. તલાટી સંગઠનોના વિરોધ વચ્ચે સરકારે આ પધ્ધતી અમલમાં મુકી દીધી છે. તમામ જિલ્લા વિકાસ અધિકારીઓને અમલ કરાવવા માટે  સરકારે સુચના આપી છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ઇ-ટાસનો અમલ કરવા તલાટીઓને જણાવી દેવામાં આવ્યું છે.

ઇ-ટાસના કારણે તલાટીઓએ પોતાની ફરજના સ્થળે હાજરી આપ્યાનો ઓનલાઇન રેકોર્ડ તૈયાર થશે. કેટલાક તલાટીઓ ગામમાં હાજર રહેતા ન હોવાની ફરીયાદોની તપાસમાં પંચાયત તંત્રને સરળતા રહેશે. રાજકોટ જિલ્લામાં ૪૭૮ તલાટીઓ છે. પંચાયતના તંત્રએ તમામ તલાટીઓને સરકારની સુચના મુજબ આધુનિક પધ્ધતીથી હાજરી પુરવા માટે સુચના આપી છે. ગયા સોમવારથી તેનો અમલ થઇ ગયો છે. જે તલાટી આ પધ્ધતી મુજબ હાજરી નહી પુરે તેની સીએલ તરીકે ઓળખાતી પરચુરણ રજાઓ કપાત ગણવાની પંચાયતના તંત્રએ સુચના આપી છે. આ ચિમકીનો અમલ પણ થઇ ગયો છે.  તલાટીઓમાં કેવો પ્રતિસાદ રહે છે તે ટુંક સમયમાં સ્પષ્ટ થઇ જશે.

(4:17 pm IST)