Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઝોન-૧ના ૬ પોલીસ મથકોની અરજી નિવારણનો કાર્યક્રમઃ ૭૦ અરજદાર આવ્યાઃ ૨૦માં સમાધાન, બેમાં ગુનો નોંધવા સુચન

બી-ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી રવિમોહન સૈની અને તમામ પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફની હાજરીમાં અરજદારોને શાંતિપૂર્વક સાંભળી સ્થળ પર પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો

રાજકોટઃ શહેરના ઝોન-૧માં આવતાં છ પોલીસ સ્ટેશનોમાં આવેલી અરજીઓના નિવારણ માટેનો એક ખાસ કાર્યક્રમ આજે બી-ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે સવારે ૯ થી ૨ સુધી યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અરજદારો વિવિધ પ્રશ્નો સાથે ઉપસ્થિત રહ્યા હતાં. અલગ-અલગ અરજીઓના  નિકાલ માટેનું આયોજન ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈનીએ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદની રાહબરીમાં કર્યુ હતું. જેમાં ઝોન-૧ના બી-ડિવીઝન, એ-ડિવીઝન, થોરાળા પોલીસ સ્ટેશન, કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, આજીડેમ પોલીસ સ્ટેશન અને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીઓ અંતર્ગત ૭૦ અરજદારો હાજર રહ્યા હતાં. જેમાંથી ૨૦ અરજીઓમાં સુખદ સમાધાન થયું હતું. તો બે અરજીમા ગુનો બનતો હોઇ કાર્યવાહી કરવા જે તે પોલીસ મથકના તપાસનીશને સુચના અપાઇ હતી. લોકોનો સમય શકિત વેડફાય નહિ અને ઉપરી અધિકારીઓની કચેરી સુધી રજૂઆત કરવા જવું ન પડે તે હેતુથી આ અરજી નિવારણનો લોક દરબાર રાખવામાં આવ્યો હતો. એસીપી એસ.આર. ટંડેલ પણ ખાસ હાજર રહ્યા હતાં.  આ કાર્યક્રમમાં આ તમામ પોલીસ મથકના પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, એન. કે. જાડેજા, એસ.એન. ગડ્ડુ, એમ.આર. પરમાર, એમ. જે. પરમાર, વી. કે. ગઢવી તથા બીજો સ્ટાફ હાજર રહ્યો હતો.

(3:46 pm IST)