Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

જી. ટી. શેઠ હોસ્પિટલમાં કર્મચારી કોટડા સાંગાણીના મિલન લખતરીયાએ ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

પરમ દિવસે નાઇટ ડ્યુટી હતીઃ ગઇકાલે સવારે લટકતો મળ્યોઃ ચિઠ્ઠીમાં લખ્યું-મને કોઇ દુઃખ-દર્દ નથી, મારી મરજીથી કરુ છું

રાજકોટ તા. ૨૦: નવી કલેકટર કચેરી સામે આવેલી જી. ટી. શેઠ ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતાં કર્મચારી કોટડા સાંગાણીના પ્રજાપતિ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાનના આપઘાતનું કોઇ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ    કોટડા સાંગાણી રહેતાં અને રાજકોટ જી. ટી. ઓર્થોપેડિક હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતાં મિલન મનસુખભાઇ લખતરીયા (ઉ.૨૨) નામના પ્રજાપતિ યુવાને હોસ્પિટલના પહેલા માળે ખાલી વોર્ડમાં ઠાલો દરવાજો બંધ કરી છતના હુકમાં દર્દીઓને બાંધવામાં ઉપયોગમાં લેવાતા પાટાથી ગાળીયો બનાવી ગળાફાંસો ખાઇ લેતાં સ્ટાફમાં ચકચાર મચી ગઇ હતી.

બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ બી. પી. વેગડા અને રાઇટર હિરેનભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં આપઘાત કરનાર પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં 'મને કોઇ દુઃખ દર્દ નથી, મારી મરજીથી કરુ છું' તેવું ટુંકુ લખાણ છે. પોલીસ તપાસમાં આપઘાતનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું ન હોઇ તપાસ યથાવત રાખવામાં આવી છે.

આપઘાત કરનાર મિલન બે ભાઇ અને એક બહેનમાં વચેટ અને અપરિણીત હતો. તે પરમ દિવસે નાઇટ ડ્યુટીમાં નોકરી પર આવ્યો હતો અને ગઇકાલે સવારે સ્ટાફના કોઇ કર્મચારી ઉપરના રૂમમાં જતાં દરવાજો   અંદરથી લોક કર્યા વગર બંધ હોઇ તેને ધક્કો મારીને જોતાં મિલન લટકતો જોવા મળ્યો હતો. યુવાન દિકરાના આ પગલાથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

હોસ્પિટલના જવાબદાર વ્યકિતએ કહ્યું-અમારી પાસે કોઇ માહિતી નથી

. ઘટના અંગે હોસ્પિટલના જવાબદાર વ્યકિતનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે આ ઘટના વિશે પોતાને કોઇ ખબર નહિ હોવાનું અને પોલીસ પાસેથી માહિતી લઇ લેવા કહ્યું હતું. હોસ્પિટલના જ કર્મચારીએ આપઘાત કર્યો હોઇ આમ છતાં હોસ્પિટલના જવાબદાર વ્યકિતએ માહિતીથી અજાણ હોવાનું કહ્યું હતું.

(3:39 pm IST)