Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગૌવંશ હત્યા સબબ પકડાયેલ આરોપીની'ચાર્જશીટ' બાદની જામીન અરજી નામંજૂર

રાજકોટ તા. ર૦ :.. ગૌવંશની હત્યા સબબ પકડાયેલ આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજીને સેશન્સ અદાલતે રદ કરી હતી.

ગૌવંશના હત્યા અને વેચાણ સબબ આરોપી-અરજદાર હાસમભાઇ બાબુભાઇ  મીનાવડીયા રે. જંગલેશ્વર રાજકોટ વાળા ને ત્યાં રેડ દરમ્યાન તેના હવાલાવાળા મકાનમાંથી ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે ગૌવંશ નંગ ૬ ની કતલ કરી કુલ ૬૦૦ કિલો ગૌમાશ વેચાણ અર્થે રાખી તેમજ સાધનો વગેરે મળી આવતા ધરપકડ કરવામાં આવેલ હતી.

સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી એ. એસ. ગોગીયા દ્વારા જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલ કે પોલીસ પેપર્સ વંચાણે લેતા અરજદાર આરોપીના રહેણાક મકાનમાંથી પશુઓના માથા તથા પગની ખરીઓ મળી આવેલ તેમજ અરજદાર આરોપીએ અગાઉ પણ આવા ગુન્હામાં સંડોવાયેલ તેમજ સજાની જોગવાઇઓને ધ્યાને લેતા અરજદાર આરોપીને જામીન ઉપર મુકત કરી શકાય નહીં.

બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ રાજકોટના એડીશનલ સેશન્સ જ્જ દ્વારા એવા તારણો આપવામાં આવેલ કે અરજદાર આરોપીના કબજા ભોગવટાના મકાનમાંથી  ગૌવંશના માસનો મોટો જથ્થો મળી આવેલ છે તેમજ એફએસએલ અધિકારીઓએ માંસનો જથ્થો ગૌવંશના હોવાનો અભિપ્રાય આપેલ છે. આરોપી ઉપર અગાઉ પણ અવા ગુન્હા નોંધાયેલ છે જો જામીન મુકત કરવામાં આવે તો વધુ ગુન્હા આચરશે તેમજ સાક્ષી પુરાવા સાથે ચેડા થઇ શકે તેમ હોય. માત્ર તપાસ પુર્ણ થઇ ચાર્જશીટ થઇ જવાથી સંજોગોમાં કોઇ ફેરફાર થયેલ હોવાનું જણાતુ નથી તેમજ ગુન્હાની ગંભીરતા ઓછી થઇ જતી નથી. સજાની જોગવાઇ જોવામાં આવે તો આજીવન કેદ અને ૧૦ વર્ષની ઓછી હોય તેટલી હોય ત્યારે ગુન્હાની ગંભીરતા ધ્યાને લેવી જરૂરી છે. અરજદાર આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવતા હોય અરજદારની જામીન અરજી રદ કરતો હુકમ કરેલ છે. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ શ્રી અનિલ  એસ. ગોગીયાએ રજૂઆત કરેલ.

(3:36 pm IST)