Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

તમારો પ્રોજેકટ કયારેય પુરો કરશો ? અધિકારીઓ પાસે લેખીત ખાત્રી માંગી

ચાલુ નાણાકિય વર્ષનાં પ૦ થી ૬૦ પ્રોજેકટ પૂર્ણ કરવા મ્યુ. કમિશનર ઉદ્દીત અગ્રવાલે અપનાવ્યું કડક વલણ : બજેટ રિવ્યુ બેઠકમાં અધિકારીઓને કામ પૂર્ણ કરવા તાકિદ કરી

રાજકોટ, તા. ર૦ : ચાલુ નાણાકિય વર્ષનાં મહત્વના પ્રોજેકટો જેવા કે રૈયા સ્માર્ટ સીટી, થોરાળા બ્રીજ પાણીની પાઇપલાઇનો ડ્રેનેજ લાઇનો, રસ્તાઓ વગેરેના બજેટ જોગવાઇ કરેલા કામો કયારેય પૂર્ણ કરશો ? તેવી લેખીત ખાત્રી અધિકારીઓ પાસે મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલે માંગતાં અધિકારી વર્ગમાં મુદ્દે સોંપો પડી ગયો છે.

આ અંગે અધિકારી વર્ગમાં ચર્ચાતી વિગતો મુજબ ચાલુ નાણાકિય વર્ષ ર૦૧૯-ર૦નાં બજેટમાં સૂચવાયેલા નવા બ્રીજ, સિમેન્ટ રોડ ડ્રેનેજ લાઇન, પાઇપલાઇનો, મ્યુનિસીપલ બોન્ડ ર૪ કલાક પાણી વિતરણ માટે ડી.આઇ. પાઇપલાઇન તથા ટી.પી. રોડ, નવા કોમ્યુનિટી હોલ, સ્માર્ટ આંગડવાડી, રૈયા ગામ સ્મશાન, આજી ઉપર ફ્રન્ટ, જયુબેલી શાકમાર્કેટ આધુનિકીકરણ સહિતનાં પ૦ થી ૬૦ પ્રોજેકટોની બજેટ જોગવાઇ છે. આ તમામ પ્રોજેકટો સહિત કુલ ર૦ અબજનાં કામો બજેટમાં છે. જે પૈકી -પ અબજનાં  કામો પુરા થયા છે.

આમ હવે બાકી રહેતાં પ્રોજેટકોની સમીક્ષા માટે આજે મ્યુ. કમિશનર ઉદ્દીત અગ્રવાલે અધિકારીઓની બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓને તેઓને સોંપાયેલા પ્રોજેકટો તેઓ કયારે પૂર્ણ કરશે ? તેની સમય મર્યાદા નકકી કરીને લેખીતમાં ખાત્રી આપે તેવી સુચનાઓ આપી હોવાનું જાણવા મળ્યું છે.

આમ મ્યુ. કમિશનર ઉદ્દીત અગ્રવાલે ચાલુ નાણાકીય વર્ષનાં વિકાસકામો પૂર્ણ કરવા કડક વલણ અપનાવ્યાનું જાણવા મળ્યું છે.

(3:36 pm IST)