Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

શ્રી એન્જીનીયરીંગ ભાગીદારી પેઢી અને તેના ભાગીદાર વિરૂદ્ધ કોર્ટમાં ફરીયાદ

રૂ.૧૮ લાખની કિંમતના કુલ છ ચેકો પાછા ફરતા..

રાજકોટ, તા. ર૦ : રાજકોટ જિલ્લાના લોઠડા ગામે બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, પ્લોટ નં. ૩૦, કોઠારીયા રીંગ રોડ ઉપર શ્રી એન્જીનીયરીંગ ભાગીદારી પેઢીના નામથી સબમર્શીબલ મેન્યુફેકચરીંગનું કામ કરતા અને રાજકોટમાં જીવરાજ પાર્ક, માર્કેટ રોડ, કસ્તુરી કેસલની બાજુમાં, સ્થાપત્ય તરીકે ઓળખાતા બિલ્ડીંગમાં બ્લોક નં. પ૦૩ અને પ૦૪માં રહેતા નૈમીષ જગદીશભાઇ વાછાણી ઉપર શુકન ઇન્ડસ્ટ્રીઝ તરીકે ઓળખાતી ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારી વતી હસમુખભાઇ ગોરધનભાઇ જાલાવડીયાએ, રાજકોટ એડી ચીફ જયુ.મેજી.ની કોર્ટમાં ઉપરોકત ઉલ્લેખલ પેઢી અને તેના ભાગીદાર ઉપર ફુલ ત્રણ ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગત મુજબ ફરીયાદી શુકન ઇન્ડસ્ટ્રીઝના નામથી સબમર્શીબલ પાઇપનું મેન્યુફેકચરીંગ કરે છે. જયારે તહોમતદાર બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીયા-૧ લોઠડા મુકામે, શ્રી એન્જીનીયરીંગના નામથી ભાગીદારી પેઢી ધરાવી સબમર્શીબલ મેન્યફેકચરીંગનું કામ કરે છે.

તહોમતદારે તેની પેઢીનું ફરીયાદી પાસે ખાતુ પડાવી સને ર૦૧૭-૧૮માં કુલ રૂ. ૩૩,૭૯,૦૧૦/-નો માલ ખરીદ્યા બાદ પાર્ટ પેમેન્ટ ચૂકવ્યા પછી ફરીયાદીના રૂ. ૧૮,ર૦,૩ર૮/- તહોમતદાર પાસે બાકી લેણા નીકળે છે. તહોમતદારે ફરીયાદીનું બાકી લેણુ કબુલ રાખી, ફરીયાદીની તરફેણમાં કુલ ૬ ચેક યુનીયન બેન્ક ઓફ ઇન્ડીયા, રેસકોર્ષ રીંગ રોડ બ્રાંચના ઇસ્યુ કરી આપેલ અને તેમાં શ્રી એન્જીનીયરીંગ ભાગીદારી પેઢીના ભાગીદાર દરજ્જે સહી કરી આપેલ હતી.

ઉપર્યુકત ઉલ્લેખેલ ૬ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેન્ક એકાઉન્ટમાં રજૂ રાખતા તમામ ચેક 'એકસીડ એરેન્જમેન્ટ'ના કારણોસર ડિસઓનર થયેલ. ફરીયાદીને ચેક ડિસઓનરની જાણ થતા તેઓએ એડવોકેટ મારફત નોટીસ આપી. ડિસઓનર થયેલ ચેકની રકમની ડીમાન્ડ કરેલ, જે તે નોટીસ તહોમતદારને યોગ્ય રીતે બજી ગયેલ હોવા છતાં નોટીસ પીરીયડમાં ડિસઓનર થયેલ ચેકની રકમ નહીં ચૂકવતા આરોપી નૈમીષ જગદીશભાઇ વાછાણી તથા ભાગીદારી પેઢી સામે રાજકોટ કોર્ટમાં ને.ઇ.એકટ કલમ -૧૩૮ અન્વયે ફરીયાદ દાખલ થયેલ છે.

ફરીયાદની વિગતો ધ્યાને લઇ કોર્ટે સમન્સ ઇસ્યુ કરી તહોમતદારને આગામી મુદતે હાજર રહેવા ફરમાન કરેલ છે.

આ કામમાં ફરીયાદી હસમુખભાઇ ગોરધનભાઇ જાલાવડીયા વતી વિકાસ કે. શેઠ, અલ્પા વી. શેઠ, વિપુલ આર. સોંદરવા, વિવેક ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.

(4:00 pm IST)