Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

શહેરમાં નકલી ફોજદાર અને નકલી કોન્સ્ટેબલ બનીને ફરતાં બે શખ્સ ઝડપાયા : ઠગાઇનો કારસો

ગાંધીગ્રામમાં રહેતાં જયેશ શ્રીવાસ્તવ અને સુનિલ સવસેટાની ધરપકડઃ જયેશ પાસે કચ્છના પીએસઆઇ અને આરપીએફના કોન્સ્ેટબલનું નકલી કાર્ડ મળ્યું: સુનિલ પાસેથી ગ્રામ રક્ષક દળનું કાર્ડ મળ્યું!: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યોઃ વિસ્તૃત પુછતાછ : .આઇકાર્ડમાં જે. ઓ. શ્રીવાસ્તવ-પીએસઆઇ કમિશ્નર ઓફ કચ્છ લખ્યું હતું: પણ કચ્છમાં કમિશ્નરની રેન્ક જ નથી : સુનિલે ગ્રામરક્ષક દળનો જવાન હોવાનું કહી સહી વગરનું કાર્ડ બતાવ્યું : અગાઉ આ આહિર શખ્સ ટ્રાફિક વોર્ડનમાં હતો અને વાહન ચોરીમાં પકડાયો હતો! : કોન્સ. પુષ્પરાજસિંહ જાડેજા અને હરદેવસિંહ જાડજાની બાતમીઃ બંને ગઠીયાએ કેટલા ગુના આચર્યા? તે અંગે તપાસ

પીઆઇ ડી.વી. દવે અને ટીમ તથા પકડાયેલા બંને નકલી પોલીસ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૦: શહેરમાં નકલી પી.એસ.આઇ. અને નકલી કોન્સ્ટેબલ બનીને ફરી રહેલા બે શખ્સોને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધા છે. આ બંને પોલીસના નામે ઠગાઇ કરવાનો કારસો રચીને નીકળ્યા હોવાની શંકાએ બંનેને વિસ્તૃત પુછતાછ હાથ ધરવામાં આવી છે. એક શખ્સ પાસેથી પીએસઆઇ કચ્છનું, આરપીએફના કોન્સ્ટેબલનું નકલી કાર્ડ મળ્યું છે. તો બીજા શખ્સ પાસે ગ્રામ રક્ષક દળનું સહી વગરનું કાર્ડ મળ્યું છે.

પોલીસના હાથે ઝડપાયેલા આ બે શખ્સોના નામ જયેશ ઓમકારનાથ શ્રીવાસ્તવ (બ્રાહ્મણ) (ઉ.વ.-૩૭-રહે. ગાંધીગ્રામ અક્ષરનગર-૧) તથા સુનિલ નાનજીભાઇ સવસેટા (આહિર) (ઉ.વ.-૨૩-રહે. ગાંધીગ્રામ, શેરી નં. ૮, સાઇબાબા પાન પાસે, સુંદરી ભવાની કૃપા) છે. આ બંને સામે પીએસઆઇ એમ. વી. રબારીએ આઇપીસી ૧૭૦, ૧૭૧, ૪૬૫, ૪૬૬, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ પોતે રાજ્યસેવક ન હોવા છતાં  પોતે પોલીસ હોય તેવા કપડા ધારણ કરી ખોટી ઓળખ ઉભી કરી પોતાની પાસે નકલી કાર્ડ રાખી ઠગાઇ કરવાનો ઇરાદો ધરાવતાં હોવા સબબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, એસીપી જે. એસ. ટંડેલ તથા પી.આઇ. ડી.વી. દવેની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. રબારી, કોન્સ. પુષ્પરાજસિંહ હિતેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ દિલુભા જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પુષ્પરાજસિંહ અને હરદેવસિંહને બાતમી મળી હતી કે જીજે૩જેએચ-૭૧૭૭ નંબરના બાઇક પર બે શખ્સો સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે આટાફેરા કરે છે. જેમાં એક શખ્સે પોલીસનો ડ્રેસ પહેર્યો છે પણ હકિકતે એ પોલીસ નથી.

આ બાતમી પરથી વોચ રાખતાં બે શખ્સ નીકળ્યા હતાં. જેમાં ચાલકે પીએસઆઇનો ડ્રેસ પહેરેલો હતો. જેમાં સોલ્ડર બેઇઝમાં લાલ-લીલા કલરની પટ્ટી તથા બે સ્ટાર, બેરીકેપ અને જીપીનો મોનોગ્રામ હતો. તેમજ લાલ કલરનો બેલ્ટ પહેર્યો હતોે. તેના બક્કલમાં પણ જીપી લખેલુ હતું. લાલ બૂટ પણ તેણે પહેર્યા હતાં. આ શખ્સે પોતાનું નામ જયેશ ઓમકારનાથ શ્રીવાસ્તવ કહ્યું હતું. તેને પુછતાં પોતે ગુજરાત પોલીસમાં પીએસઆઇ હોવાનું અને હાલમાં કચ્છ જીલ્લામાં ફરજ બજાવે છે તેમ કહ્યું હતું. પાછળ બેઠેલો શખ્સ સાદા કપડામાં હતો.

વિશેષ તપાસ થતાં આ શખ્સે એક આઇકાર્ડ આપ્યું હતું. જેમાં ઓ. જે. શ્રીવાસ્તવ-પીએસઆઇ કમિશ્નર પોલીસ કચ્છ અને કાર્ડ નં. ૧૧૫૬ તથા જન્મતારીખ ૧૩-૧૦-૧૯૮૦ તેમજ માન્ય તા. ૧૩-૩-૨૦૫૬ લખ્યું હતું. આ કાર્ડ ૧૧-૨-૨૦૧૨ના શ્યુ થયાની પણ નોંધી હતી. પરંતુ હકિતે કચ્છ જીલ્લામાં પોલીસ કમિશ્નરની નહિ પણ પોલીસ અધિક્ષકની રેન્ક આવતી હોઇ આ કાર્ડ બનાવટી-નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું. અંગ જડતી કરતાં આ શખ્સ પાસેથી બીજુ એક કાર્ડ પણ મળ્યું હતું. જેમાં આરપીએફ-ચોૈધરી જય ઓ. લખ્યું હતું. જેનો રેન્ક કોન્સ્ટેબલનો હતો. જેમાં જન્મ તારીન ૧૩-૮-૮૨ લખી હતી અને આ કાર્ડ ૩/૭/૨૦૦૧ના રોજ ઇશ્યુ થયાની નોંધ હતી. આ બંને ઓળખ કાર્ડ એક જ વ્યકિતના નામે અલગ-અલગ ડિપાર્ટમેન્ટના હોઇ બંને કાર્ડ નકલી હોવાનું ખુલતાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.

પાછળ બેઠેલા શખ્સે સાદા કપડા પહેર્યા હતાં. તેણે પોતાનું નામ સુનિલ નાનજીભાઇ સવસેટા કહ્યું હતું. તેણે પોતે જીઆરડીનો કોન્સ્ટેબલ હોવાનું કહી ગ્રામ રક્ષક દળનું કાર્ડ આપ્યું હતું. આ કાર્ડમાં અનુ. નં. ૧૦૧૩ તથા ઇશ્યુ કરનાર ગ્રામ રક્ષક દળના સબ ઇન્સ. રાજકોટ રૂરલનો હોદ્દો હતો. જો કે આ કાર્ડમાં સહી નહોતી. આ કાર્ડ પણ નકલી જણાયું હોઇ સુનિલની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને શખ્સોએ નકલી પીએસઆઇ અને કોન્સ્ટેબલ બની પોલીસના નામનો દુરૂપયોગ કરી લોકોને ઠગવાનો પ્લાન ઘડ્યો હોવાનું સમજાતું હોઇ કોઇ સાથે ઠગાઇ કરી છે કે કેમ? કે પોલીસના નામે બીજા ગુના આચર્યા છે કે કેમ? તેની વિશેષ તપાસ થઇ રહી છે.

જાણવા મળ્યા મુજબ જયેશ શ્રીવાસ્તવ હાલમાં પ્રાઇવેટ નોકરી કરે છે, જ્યારે સુનિલ પોતે જીઆરડીમાં હોવાનું રટણ કરતો હતો. પણ તેની પાસેનું કાર્ડ નકલી છે. પોતે અગાઉ ટ્રાફિક વોર્ડનમાં હતો. ત્યારે વાહન ચોરી કરતાં ડિસમીસ કરવામાં આવ્યો હતો. બંનેને વિશેષ પુછતાછ કરવાની હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. 

પી.આઇ. ડી. વી. દવે, પીએસઆઇ રબારી, હેડકોન્સ. શૈલેષપરી સોમપરી, કોન્સ. લક્ષમણભાઇ મહાજન, પુષ્પરાજસિ઼હ, હરદેવસિંહ, મહિપાલસિંહ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

જયેશના ઘરમાંથી વધારાની એક ખાખી જોડી અને બીજા રેલ્વે, જીઆરડીના બેઝ પણ મળ્યા

. પોલીસે રાત્રે જ જયેશ શ્રીવાસ્તવના ઘરમાં જડતી કરી હતી. ઘરમાંથી વધારાની એક ખાખી કપડાની જોડી તથા રેલ્વે, જીઆરડીના અમુક બેઝ પણ મળ્યા હતાં. આ શખ્સે ખાખી કપડા કયાં સીવડાવ્યા? પીએસઆઇ, રેલ્વે, જીઆરડીના બેઝ કયાંથી લાવ્યો? પોલીસના નામે કેટલા ગુના આચર્યા? તે સહિતના મુદ્દે વિશેષ તપાસ થઇ રહી છે. હાલ તો તેણે મોજશોખ પુરા કરવા અને મફતનું ખાઇ-પી લેવા માટે પોતે નકલી પીેએસઆઇ બનીને ફરતો હોવાનું રટણ કર્યુ છે.

(3:59 pm IST)