Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પોલીસની કલાકોની દોડધામ અને સોશિયલ મિડીયાના સદ્દઉપયોગથી દિવ્યાંગ યુવાન વાલી સુધી પહોંચ્યો

પોલીસને નાઇટ રાઉન્ડમાં મંદબુધ્ધીનો યુવાન જોવા મળતાં સહાનુભુતિ દાખવી તેના વાલીની શોધ આદરીઃ ધી સોસાયટી ઓફ મેન્ટલ રિટાયર્ડના ટ્રસ્ટી હિતેષભાઇ કાનાબારે ગ્રુપમાં ફોટો શેર કર્યો ને વાલીવારસ મળ્યા

રાજકોટ તા. ૨૦: પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્રને સતત સાર્થક કરતી રાજકોટ પોલીસે વધુ એક વખત પ્રસંશનીય કામ કર્યુ છે. ભકિતનગરના પીએસઆઇ બી. બી. કોડીયાતર, નિલેષભાઇ ચાવડા અને ડ્રાઇવર રમેશભાઇ ગડેશીયાને નાઇટ રાઉન્ડ દરમિયાન એક દિવ્યાંગ-મંદબુધ્ધીનો યુવાન મળી આવ્યો હતો. કલાકોની દોડધામ અને સોશિયલ મિડીયાના સદ્દઉપયોગથી આ યુવાનને તેના વાલી સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. બે દિવસ પહેલા આ યુવાન ગુમ થઇ ગયો હતો.

એસપી ઇસ્ટ પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ ભકિતનગર પોલીસને નાઇટ રાઉન્ડમાં મંદબુધ્ધીના ભાઇ મળતાં તેને પોલીસ મથકે લાવી સારસંભાળ રાખી લાગણીસભર વર્તાવ કરી ચા-નાસ્તો કરાવ્યો હતો. બાદમાં આ યુવાનના વાલીને શોધવા માટે ડીસીપી રવિકુમાર સૈનીની સુચના અને પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરી હેઠળ ટીમો કામે લાગી હતી. પોલીસે ધી સોસાયટી ઓફ ધ મેન્ટલ રિટાયર્ડના ટ્રસ્ટી હિતેષભાઇ કાનાબારનો સંપર્ક કર્યો હતો. પરંતુ આ પોલીસને મળેલા ભાઇ તેમની શાળામાં અભ્યાસ કરતાં ન હોવાનું જણાવાયું હતું. પરંતુ હિતેષભાઇએ તેનો ફોટો તેમના વ્હોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો હતો. આ દિવ્યાંગ ભાઇ અગાઉ કાલાવડ રોડ પર આવેલી દિવ્યાંગ લોકો માટેની નવશકિત વિદ્યાલમાં અગાઉ રહી ચુકયાનું જણાતાં પીસીઆરના ઇન્ચાર્જ નરેન્દ્રસિંહ ગજુભા, કિશનભાઇ પાંભર સહિતના ત્યાં પહોંચ્યા હતાં.

તપાસ થતાં પોલીસને મળેલા દિવ્યાંગ વ્યકિત હર્ષદ ચંદુલાલભાઇ લોઢીયા (ઉ.૩૭) હોવાનું અને બે દિવસ પહેલા એ-ડિવીઝન પોલીસમાં ગૂમ થયાની નોંધ થયાનું જાણવા મળતાં પોલીસે હર્ષદ લોઢીયાના ભાઇ વિજય પ્લોટ-૯માં રહેતાં મનિષભાઇ લોઢીયાનો સંપર્ક કરી તેને પોલીસ મથકે બોલાવી તેના ગૂમ થયેલા ભાઇ સાથે મિલન કરાવ્યું હતું.  ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.

આજના યુગમાં સોશિયલ મિડીયાનો દુરૂપયોગ વધ્યો છે ત્યારે પોલીસ અને હિતેષભાઇ કાનાબારે આ માધ્યમનો સદ્દઉપયોગ કરી ભુલા પડેલા દિવ્યાંગને તેના પરિવારજનો સુધી પરત પહોંચાડ્યા હતાં. શહેર પોલીસે વધુ એક વખત પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રને સાર્થક કરી બતાવ્યું છે.

(3:12 pm IST)