Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

શૌચાલય કોન્ટ્રાકટરની શૌચાલયમાં જ ભેદી હત્યા

ભગવતીપરામાં પરિવાર સાથે રહેતો મુળ યુપીનો યુવાન પ્રદિપ કુશ્વાહા (ઉ.૨૧) ૧૬મીની સાંજથી ગૂમ હતોઃ આજે ૮૦ ફુટ રોડ શેઠ હાઇસ્કૂલ સામેના શૌચાલયના બાથરૂમમાંથી લાશ મળી : બાથરૂમમાંથી દૂર્ગંધ આવતી હોઇ કર્મચારી મનોજે પ્રદિપના પિતાને જાણ કરીઃ ભકિતનગર પોલીસે તાળુ તોડીને જોતાં કોહવાયેલી લાશ મળીઃ હત્યા કઇ રીતે કરી? તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમઃ શૌચાલયનો કર્મચારી રાજૂ વર્મા અને સાથેનો શખ્સ ભેદી રીતે ગૂમઃ મૃતકનું બાઇક પણ ગાયબ

રહસ્યમય હત્યાઃ જ્યાં હત્યા થઇ તે શૌચાલય, લાશ જે હાલતમાં પડી હતી તે દ્રશ્ય, ઘટના સ્થળે એસીપી પ્રદિપસિંહ જાડેજા, પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા તથા ક્રાઇમ બ્રાંચનો કાફલો અને હત્યાની વાતે ટોળા ઉમટી પડ્યા તે તથા બાથરૂમમાં પડેલુ ટિફીનનું સ્ટેન્ડ અને હત્યાનો ભોગ બનનાર પ્રદિપ કુશવાહાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦: ભગવતીપરા શિવાજી ચોક-૨માં રહેતાં અને શૌચાલયનો કોન્ટ્રાકટ ધરાવતો મુળ યુ.પી.નો ૨૧ વર્ષનો યુવાન પ્રદિપ રાજેન્દ્રભાઇ કુશવાહા (ઉ.૨૧) ગત ૧૬મીએ સાંજે ભેદી રીતે ગૂમ થઇ ગયો હતો. આ યુવાનની આજે હત્યા કરાયેલી લાશ તેના જ કોન્ટ્રાકટ હેઠળના ૮૦ ફુટ રોડ પર આવેલી શેઠ હાઇસ્કૂલની સામેના શૌચાલયના બાથરૂમમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઇ છે. આ બાથરૂમમાં તાળુ લગાવેલુ હતું, અંદરથી ખુબ જ દૂર્ગંધ આવતી હોઇ કર્મચારીએ પોલીસને જાણ કરતાં પોલીસે તાળુ તોડીને જોતાં  પ્રદિપની કોહવાયેલી લાશ મળી આવી હતી. આ શૌચાલયમાં કર્મચારી તરીકે બે વર્ષથી કામ કરતો બિહારનો રાજૂ વર્મા અને સાથેનો અન્ય એક શખ્સ ભેદી રીતે ગાયબ હોઇ તેના તરફ શંકા ઉદ્દભવી છે. જો કે હત્યા કઇ રીતે થઇ? તે જાણવા પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. તો હત્યાના કારણ અંગે પણ હાલ રહસ્ય છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ ભગવતીપરામાં રહેતાં મુળ યુ.પી.ના રાજેન્દ્રભાઇ પરશુરામભાઇ કુશવાહા અને તેનો મોટો દિકરો પ્રદિપ (ઉ.૨૧) શહેરમાં સહકારનગર, સોરઠીયાવાડી અને શેઠ હાઇસ્કૂલ પાસે આવેલા જાહેર શૌચાલયોના અગિયારેક વર્ષથી કોન્ટ્રાકટ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે. પ્રદિપનું કામ આ શૌચાલયોમાં આખા દિવસ દરમિયાન થતો વકરો સાંજે એકઠો કરી ઘરે લઇ જવાનું હતું. 

પ્રદિપ નિત્યક્રમ મુજબ ૧૬/૧૧ના સાંજે પોતાના ઘરેથી બાઇક નં. જીજે૩જેએમ-૩૭૦૯ લઇને નીકળ્યો હતો. તે બધા શૌચાલય ખાતેથી રકમ ઉઘરાવી મોડામાં મોડો સાંજે આઠ-સવાઆઠે ઘરે પહોંચી જતો હતો. પરંતુ ૧૬મીએ તેણે પોતે થોડો મોડો આવશે તેવી વાત પિતાને સાંજે સાત-સાડાસાતે કરી હતી. પરંતુ રાતના અગિયાર સુધી તે ઘરે ન આવતાં પિતા અને બીજા ભાઇઓએ શોધખોળ આદરી હતી. ફોન પણ બંધ આવતો હતો. આથી પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં.

બીજા દિવસે એટલે કે ૧૭મીએ સવારે પ્રદિપ ગૂમ થયાની જાણ ભકિતનગર પોલીસમાં કરવામાં આવી હતી. કેમ કે છેલ્લે સાંજે તે શેઠ હાઇસ્કૂલ સામેના પોતાના કોન્ટ્રાકટ હેઠળના શૌચાલયે હોવાનું અને બાદમાં ગૂમ થયાનું તેના પરિવારજનોને જાણવા મળ્યું હતું. પોલીસે અને પરિવારજનોએ ઠેર-ઠેર પ્રદિપની શોધખોળ ચાલુ રાખી હતી. પરંતુ કોઇ પત્તો મળ્યો નહોતો.

બીજી તરફ ૧૮/૧૧ના રોજ આ શૌચાલયમાં બે વર્ષથી કામ કરતો કર્મચારી બિહારનો રાજૂ મિશ્રા પોતાની માતાની તબિયત સારી નથી, જેથી પોતે વતન જઇ રહ્યો છે તેમ કહીને રજા લઇને જતો રહ્યો હતો. રાજૂ સાથે બીજો એક શખ્સ પણ આ શૌચાલયની ઉપરના ભાગે જ આવેલી રૂમમાં રહેતો હતો. એ શખ્સ પણ ત્યારથી જોવા મળ્યો ન હોઇ પ્રદિપના પિતા રાજેન્દ્રભાઇએ રાજૂની જગ્યાએ મનોજ નામના કર્મચારીને આ શૌચાલયમાં કામે રાખી લીધો હતો.

આજે મનોજને બાજુની શેરીમાંથી કોઇ વ્યકિતએ શૌચાલયના બાથરૂમમાંથી અત્યંત દુર્ગંધ આવી રહી હોવાની જાણ કરતાં મનોજે   બાથરૂમની ચાવી ટીંગાતી હોઇ ત્યાં તપાસ કરતાં ચાવી જોવા નહોતી મળી. આથી તેણે પ્રદિપના પિતા રાજેન્દ્રભાઇને વાત કરી હતી. તેણે આવીને પોલીસને જાણ કરતાં પોલીસ પહોંચી હતી અને તાળુ તોડીને જોતાં અંદર પ્રદિપની ઉંધી હાલતમાં લાશ જોવા મળતા સોૈ ચોંકી ગયા હતાં.

ડીસીપી રવિકુમાર સૈનીની રાહબરીમાં એસીપી ઇસ્ટ પ્રદિપસિંહ જાડેજા, ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ કોડીયાતર તેમજ નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ, હિરેનભાઇ, ડી. સ્ટાફના પ્રકાશભાઇ, મહેન્દ્રસિંહ, ભાવેશભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ, સલિમભાઇ સહિતનો કાફલો પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

લાશ જે રીતે કોહવાઇ ગઇ છે તે જોતાં ૧૬મીએ રાતે જ તેનું મોત થયાનું અનુમાન છે. માથાના ભાગેથી થોડા વાળ પણ લાશ કોહવાઇ જવાથી ખરી પડ્યા હતાં. બાથરૂમને બહારથી તાળુ મારી દેવામાં આવ્યું હોઇ અને કર્મચારી રાજૂ મિશ્રા સહિત બે શખ્સ ભેદી રીતે ગાયબ હોઇ આ બનાવ હત્યાનો જ હોવાની પોલીસને દ્રઢ શંકા છે. જો કે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ બાદ આગળ કાર્યવાહી થશે. પ્રદિપને કોઇ સાથે માથાકુટ નહિ હોવાનું તેના પિતા અને પરિવારજનો કહે છે. ત્યારે હત્યા શા માટે થઇ? હત્યામાં ગાયબ થયેલા રાજૂનો કોઇ હાથ છે કે કેમ? તે સહિતના સવાલો ઉકેલવા મથામણ થઇ રહી છે.

હત્યાનો ભોગ બનનાર પ્રદિપના ફેબ્રુઆરીમાં લગ્ન થવાના હતાં

ત્રણ ભાઇમાં મોટો હતોઃ તેના બે ભાઇ આત્મીય કોલેજમાં અભ્યાસ કરે છેઃ માતા-પિતા શોકમાં ગરક

. હત્યાનો ભોગ બનેલો યુવાન પ્રદિપ કુશવાહા ત્રણ ભાઇમાં મોટો હતો. તેના બે નાના ભાઇના નામ પવન અને પ્રવિણ છે. માતાનું નામ શાંતિબેન તથા પિતાનું નામ રાજેન્દ્રભાઇ પરશુરામભાઇ કુશવાહા છે. વર્ષોથી પિતા રાજેન્દ્રભાઇ સાથે પ્રદિપ શોૈચાલયોના કોન્ટ્રાકટ રાખી ગુજરાન ચલાવતો હતો. તેના બે નાના ભાઇ આત્મીય કોલેજમાં ભણે છે. પ્રદિપની સગાઇ છ માસ પહેલા તેના વતનની યુવતિ સાથે થઇ હતી અને આવતા ફેબ્રુઆરી માસમાં લગ્ન થવાના હતાં. જેના લગ્નની પરિવારજનો તૈયારી કરી રહ્યા હતાં તેની જ હત્યા થઇ જતાં પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા છે.

શોૈચાલયના બાથરૂમનો ઉપયોગ ડાઘુઓ માટે જ થતો, જેથી ચાર દિવસથી બાથરૂમ ખોલાયું નહોતું

. શોૈચાલયની સાથે જ બાથરૂમ આવેલું છે. આ બાથરૂમમાંથી જ પ્રદિપની લાશ મળી છે. બાથરૂમ પર તાળુ મારેલુ હતું. આ બાથરૂમનો ઉપયોગ લત્તામાં કોઇ ગુજરી ગયું હોઇ તો ડાઘુઓ માટે જ થાય છે. એ સિવાય બાથરૂમ બંધ રહેતું હોઇ ચાર દિવસ સુધી કોઇએ બાથરૂમ ખોલીને જોયું નહોતું. આજે દુર્ગંધ આવતાં ખોલાયું હતું.

પ્રદિપનો મોબાઇલ પણ ગાયબઃ ૧૬મીએ પિતાને ફોન કરી ઘરે મોડો આવશે તેમ કહ્યું'તું

. ભેદી રીતે હત્યાનો ભોગ બનેલા શોૈચાલય કોન્ટ્રાકટર યુવાન પ્રદિપ કુશવાહાનો મોબાઇલ ફોન પણ ગાયબ છે. ૧૬મીએ તે ગૂમ થયો એ પહેલા તેણે સાંજે સાતેક વાગ્યા આસપાસ પિતાને ફોન કરીને કહ્યુ઼ હતું કે પોતે મોડો ઘરે આવશે. દરરોજ સાંજે આઠેક વાગ્યે ઘરે આવી જતો પ્રદિપ એ દિવસે મોડી મોડી રાત સુધી ન આવતાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયો હોઇ બીજા દિવસે પરિવારજનોએ તે ગૂમ થયાની પોલીસને જાણ કરી હતી. મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવવા પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. પ્રદિપનું બાઇક પણ મળી આવ્યું ન હોઇ તેની પણ શોધ થઇ રહી છે.

ગાયબ થયેલા રાજૂએ ૧૬મીએ કહ્યું'તું-પ્રદિપ પૈસા લઇને નીકળી ગયો છે

.ગૂમ થયેલો શોૈચાલયનો કર્મચારી રાજૂ મિશ્રા ૧૬મીએ સાંજ સુધી શોૈચાલયે જ હતો. એ રાતે જ પ્રદિપ ગૂમ થયો ત્યારે પિતા રાજેન્દ્રભાઇએ રાજૂને ફોન કરીને પુછતાં રાજૂએ પ્રદિપ સાંજે જ પોતાની પાસેથી આખા દિવસના વકરાની રકમ લઇને નીકળી ગયાનું કહ્યું હતું. એ પછી રાજૂ પોતે પણ ૧૮મીએ પોતાની માતા બિમાર છે તેમ રાજેન્દ્રભાઇને જણાવીને વતન રવાના થઇ ગયો હતો. પ્રદિપનું બાઇક પણ હજુ ગૂમ છે. રાજૂ સાથે જ શોૈચાલયની અગાસી પરની રૂમમાં અન્ય એક શખ્સ રહેતો હતો તેનો પણ પત્તો મળ્યો ન હોઇ તેની પણ પોલીસે શોધખોળ આદરી છે.

(3:44 pm IST)