Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કચરા ટોપલી ઘઉં-પાપડ રાખવા માટે નથી ! ૧૨૦૦ કર્મચારી ઘરે-ઘરે જઇ સમજાવશે

કોર્પોરેશને આપેલી લીલી-બ્લુ કચરા પેટીમાં ભીનો-સુકો કચરો અલગ-અલગ રાખવા માટે ખાસ જનજાગૃતિ અભિયાન છેડાશેઃ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા માટે તંત્રએ કમરકસીઃ આજે સાંજે કર્મચારી-સ્વૈચ્છીક સંસ્થાનો જબ્બર સેમીનાર

રાજકોટ, તા. ૨૦ :. શહેરમાં કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની યોજના અંતર્ગત શહેરીજનોને ભીનો અને સુકો કચરો અલગ અલગ એકત્રીત કરી અને કોર્પોરેશનની ટીપર વાનમાં નાખવાની વ્યવસ્થા બનાવી છે, પરંતુ જનજાગૃતિના અભાવે મોટા ભાગના શહેરીજનોએ આ નવીનકોર કચરા પેટીનો ઉપયોગ ઘઉં અને પાપડ રાખવા માટે કરતા હોવાનું તંત્રના ધ્યાને આવતા હવે આ માટે વ્યાપક જનજાગૃતિ હાથ ધરવા જબ્બર અભિયાન છેડવાનું આયોજન થયુ છે.

આગામી ડિસેમ્બર મહિનામાં દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણ એટલે કે સ્વચ્છતા માટે સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થાઓએ કરેલી વ્યવસ્થા, કચરાના નિકાલ માટે કરેલી વ્યવસ્થા વગેરેનું સર્વેક્ષણ કરી જે તે શહેરને સ્વચ્છતાનો ક્રમાંક આપવાની સ્પર્ધા યોજાઈ રહી છે ત્યારે રાજકોટ કોર્પોરેશને આ સ્પર્ધામાં અગ્રતા ક્રમ મેળવવા કમરકસી છે અને આ માટે આગામી દિવસોમાં હાથ ધરાનાર સ્વચ્છતા સર્વેક્ષણનું જબ્બર અભિયાન સફળ બનાવવાનુ આયોજન કરાયુ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે, આજે સાંજે સ્વચ્છતા સર્વેક્ષણ સંદર્ભે કોર્પોરેશનના અધિકારીઓ, સ્વૈચ્છીક સંસ્થાના હોદેદારો અને આંગણવાડીના બહેનો માટે બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે જબ્બર સેમીનાર યોજાશે. જેમાં તમામને કચરાનું વર્ગીકરણ એટલે કે લીલો-સુકો કચરો અલગ અલગ લીલા અને બ્લુ કલરની કચરા પેટીમાં એકત્રીત કરવા માટે લોકોને ઘરે ઘરે જઈ અને સમજાવવાની તાલીમ આપવામાં આવશે. આ માટે કોર્પોરેશન ૧૨૦૦ કર્મચારીઓની ફોજ કામે લગાડશે અને તેના ઉપર ૩૬ અધિકારીઓનું સુપરવિઝન રહેશે.

આમ હવે કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે કોર્પોરેશને દરેક નાગરીકને જોડવા માટે જબરૂ આયોજન કર્યુ છે. આ તકે મ્યુ. કમિશ્નરે જણાવ્યુ હતુ કે બેંગ્લોરમાં ઘરે ઘરે કચરામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે, ત્યારે રાજકોટમાં હાલતૂર્ત હોટલ, રેસ્ટોરન્ટમાંથી કચરો એકત્રીત કરી તેનુ સ્થળ પર જ ખાતર બનાવવાની યોજના ટૂંક સમયમાં લાગુ થશે.

ભીનો-સુકો કચરો અલગ નહીં રાખનારનો કચરો સ્વીકારાશે નહિ

રાજકોટઃ. સ્વચ્છતા સર્વેક્ષણ ઝુંબેશ હેઠળ કચરાના વર્ગીકરણ માટે જનજાગૃતિ લાવવા માટે જરૂર પડયે ભીનો અને સુકો કચરો અલગ અલગ લીલી તથા બ્લુ કચરા પેટીમાં એકત્રીત નહીં કરનારનો કચરો ટીપર વાનમાં નાખવા નહીં દેવાનુ લાંબાગાળાનું આયોજન હોવાની વિચારણા છે તેમ મ્યુ. કમિશ્નર બંછાનીધિ પાનીએ જણાવ્યુ હતું.

અબ સ્વચ્છતા હમારી આદત હૈઃ અધિકારીઓના મોબાઈલમાં રીંગટોન

રાજકોટઃ. સ્વચ્છતા સર્વેક્ષણ માટે હાથ ધરવામાં આવેલ ઝુંબેશ હેઠળ કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલના રીંગટોનમાં 'અબ સ્વચ્છતા હમારી આદત હૈ' રાખી દેવામાં આવી છે. જેથી લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ આવે.

(3:44 pm IST)