Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કણકોટના પાટીયેથી એસઓજીએ દેશી તમંચો અને કાર્ટીસ સાથે અક્ષય કેરાલીયનને પકડ્યો

છૂટક મજૂરી કરતાં સદ્દગુરૂનગરના આ શખ્સે કણકોટના કાળુ નામના શખ્સ પાસેથી શોખ ખાતર હથીયાર લીધાનું રટણઃ રિમાન્ડ મેળવવા તજવીજ

રાજકોટઃ શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વધુ એક ગેરકાયદેસર હથીયાર શોધી કાઢ્યું છે. એસઓજીના કોન્સ. ગિરીરાજસિંહ જાડેજા, જયંતિગીરી ગોસ્વામી અને ગિરીરાજસિંહ ઝાલાને બાતમી મળતાં કણકોટના પાટીયા પાસેથી એક શખ્સને સકંજામાં લઇ તલાશી લેતાં તેની પાસેથી દેશી બનાવટનો  તમંચો તથા એક જીવતો કાર્ટીસ મળતાં રૂ. ૫૧૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આ શખ્સની ધરપકડ કરી છે. પુછતાછમાં તેણે પોતાનું નામ અક્ષય રવિભાઇ બિલામર (ઉ.૨૧-રહે. સદ્દગુરૂનગર-૨, રૂડાનગર-૨ સામે) જણાવ્યું હતું. આ શખ્સનો પરિવાર મુળ કેરલનો છે. જો કે તેનો જન્મ અહિ જ થયો છે. આ શખ્સ કારખાનામાં છૂટક મજૂરી કરે છે અને અગાઉ વડોદરામાં વાહન ચોરીના ગુનામાં પકડાયો હતો. શોખ ખાતર આ તમંચો કણકોટના કાળુ નામના શખ્સ પાસેથી લીધાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની રાહબરી હેઠળ અને પીઆઇ એસ. એન. ગડ્ડુની સુચના મુજબ પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. મનરૂપગીરી ગોસ્વામી, આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, કોન્સ. જયંતિગીરી, બંને ગિરીરાજસિંહ, અનિલસિંહ ગોહિલ, ચેતનસિંહ ગોહિલ, નિર્મળસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(11:26 am IST)