Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ટેકાના ભાવની ખરીદીમાં ભાવાંતર યોજના લાગુ પાડો : વલ્લભભાઇ ઠુમ્મર

કૃષિમંત્રીને પત્ર લખી રજુઆત : જો અમલવારી કરાય તો વચેટીયાઓ આપો આપ દુર

રાજકોટ તા. ૧૯ : રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ મંત્રી વલ્લભભાઇ ઠુમ્મરે કૃષિમંત્રી આર.સી. ફળદુને પત્ર લખી ટેકાના ભાવની ખરીદીમાં 'ભાવાંતર યોજના' લાગુ કરવા માંગણી કરી છે.

પત્રમાં તેમણ જણાવેલ છે કે હાલ સરકાર ટેકાના ભાવે ખેત પેદાશની ખરીદી કરે છે તે સારી વાત છે. પરંતુ જે સીસ્ટમથી ખરીદી કરે છે તેમાં ભ્રષ્ટાચારની પુરી શકયતા રહે છે.

હાલ મગફળીની ખરીદી રૂા.૧૦૦૦ પ્રતિ ૨૦ કિલોગ્રામ (૧ મણ) ના ભાવથી કરાય છે. જેની પાછળ બારદાન, ગોડાઉન ભાડું, વીમો, જાળવણી ખર્ચ, સીકયુરીટી પાછળનો ખર્ચ દર્શાવીને ભ્રષ્ટાચાર થઇ શકે છે. મળતીયાઓના ગોડાઉન ભાડે રાખી નિયત કરતા વધારાના ભાડા ચુકવવામાં આવે છે. આમ વધારાના ખર્ચનો બોજ સરકાર ઉપર આવે છે.

પરંતુ જો ભાવાંતર યોજના લાગુ પાડવામાં આવે તો ખેડુતોની મગફળી ખુલ્લા બજારમાં વેંચવામાં આવે અને જે ભાવ મળે તે સરકાર દ્વારા સીધા ખેડુતોના ખાતામાં જ જમા કરવામાં આવે. આથી વચ્ચે રહી માલ ખાતા વચેટીયાઓ આપો આપ જ દુર થઇ જાય. માટે કોઇપણ સંજોગોમાં ખરીદી માટે ભાવાંતર યોજના લાગુ કરવા અંતમાં વલ્લભભાઇ ઠુમ્મર (મો.૯૯૨૫૧ ૭૩૨૭૮) એ માંગણી ઉઠાવી છે.

(4:30 pm IST)