Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

જેના અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી એ યુવતિએ પોતાની જાતે ધર્મેશ સાથે ગયાનું કહ્યું

પેડક રોડ પરથી યુવતિને ફડાકા મારી ઉઠાવી જવાયાની ફરિયાદમાં નવું જ નીકળ્યું : બી-ડિવીઝન પોલીસે નિવેદન નોંધ્યું: જામનગર જતી રહી હતીઃ સાંજે પરત આવી

રાજકોટ તા. ૧૯: જીલ્લા ગાર્ડન નજીક સોરઠીયા પ્લોટ-૭મા રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં ગીરધરભાઇ ભલાભાઇ રત્નોતર (ગરોળા બ્રાહ્મણ) (ઉ.૪૦)ની૨૦ વર્ષની દિકરી દિપાલી કે જે સામા કાંઠે પેડક રોડ પર સ્માઇલ પ્લસ હોસ્પિટલમાં કેસ કાઢવાની નોકરી કરે છે ત્યાંથી શનિવારે સાંજે સાડા ચારેક વાગ્યે તેણીને ઘાંચીવાડનો વણકર શખ્સ ધર્મેશ અને તેની સાથેના ત્રણ શખ્સો લાફા મારી બળજબરીથી બાઇકમાં બેસાડી અપહરણ કરી લઇ ગયાની ફરિયાદ દાખલ થઇ હતી. પોલીસ તપાસમાં આ ફરિયાદની વિગતો ખોટી હોવાનું હાલ બહાર આવ્યું છે. યુવતિ રવિવારે સાંજે પરત આવી હતી અને પોતે જાતે જ ધર્મેશ સાથે ગઇ હોવાનું પોલીસને જણાવ્યું હતું.

આ બનાવ અંગે બી-ડિવીઝનના પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરી હેઠળ પીએસઆઇ એમ. એફ. ડામોર, વિરમભાઇ ધગલ સહિતના સ્ટાફે ગીરધરભાઇની ફરિયાદ પરથી ઘાંચીવાડમાં ઇંટોના ભઠ્ઠા પાસે રહેતો ધર્મેશ ભનાભાઇ પરમાર તથા તેનો મિત્ર રાહુલ ચાવડા તથા બે અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૫, ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો.

ગીરધરભાઇએ જણાવ્યું હતું કે તેને બે પુત્રી અને એક પુત્ર છે. ૨૦૧૩માં તેના પત્નિ નિમુબેનને ધર્મેશે છરી ઝીંકી દીધી હતી. આ બાબતનો કેસ કોર્ટમાં ચાલુ છે. આ કેસ પાછો ખેંચી લેવા બાબતે ધર્મેશ અવાર-નવાર ધમકી આપતો હોઇ કેસ પાછો ન ખેંચતા હોઇ ખાર રાખી તેની દિકરીને બળજબરીથી ઉઠાવી જવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરતાં સીસીટીવી ફૂટેજ મળ્યા હતાં જેમાં યુવતિ ધર્મેશના એકટીવામાં પાછળ બેસીને જતી જોવા મળી હતી.

બીજી તરફ રવિવારે સાંજે યુવતિએ પોતાના પિતાને ફોન કર્યો હતો કે પોતે રામનાથપરામાં ઉભી છે. આથી તેના પિતા અને પીએસઆઇ ડામોર સહિતની ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસની પુછતાછમાં યુવતિએ જાતે જ પોતે ધર્મેશ સાથે ગઇ હોવાનું કહેતાં તેનું નિવેદન નોંધાયું હતું. આમ ફડાકા મારીને ઉઠાવી જવામાં આવ્યાની ફરિયાદમાં હાલ તથ્ય જણાયું નથી.

(3:35 pm IST)