Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

શુક્રવારે ગુરૂનાનકજીની ૫૫૦મી જન્મજયંતિઃ પ્રકાશ ઉત્સવ

જંકશન રોડ ગુરૂદ્વારા શ્રી ગુરૂસિંઘ સભા ગુરૂનાનક દરબાર દ્વારા ત્રિ દિવસીય કાર્યક્રમોઃ શિખ સમાજના આગેવાનો ''અકિલા''ની મુલાકાતે : બુધવારે નગરકિર્તન યાત્રાઃ ૨૧મીએ ગ્રંથપાઠ સાહેબનો પ્રારંભ, ૨૩મીએ સમાપનઃ આતશબાજી- લંગર પ્રસાદ

રાજકોટ,તા.૧૯: આગામી શુક્રવારે ગુરૂનાનકજીની ૫૫૦મી જન્મજયંતિ છે. શિખ સમાજમાં આનંદ ઉલ્લાસ છવાયો છે. આ પર્વને પ્રકાશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમોના આયોજનો થયા છે. શહેરના વિવિધ માર્ગો ઉપર નગરકિર્તન યાત્રા નિકળશે. અખંડ ગ્રંથપાઠ સાહેબ, આતશબાજી, લંગર પ્રસાદના કાર્યક્રમો યોજાયા છે.

અહિંના જંકશન રોડ ઉપર આવેલ ગુરૂદ્વારા શ્રી સિંધ સભા ગુરૂનાનક દરબારના પ્રમુખ શ્રી સરદાર જલમીતસિંઘ ધિલ્લોન, સેક્રેટરી શ્રી મનમહોન સિંઘ નંદા અને ટ્રસ્ટી શ્રી દર્શનસિંઘે જણાવ્યું હતું કે આગામી ૨૩મીના શુક્રવારે ગુરૂનાનકજીની ૫૫૦મી જન્મજયંતિ છે જે પ્રકાશઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત ૨૧મીના બુધવારે સાંજે ૫ વાગે જંકશનના ગુરૂદ્વારા ખાતેથી નગર કીર્તન યાત્રા પ્રારંભ થશે. જે હંસરાજનગર, પરસાણાનગર, ઝુલેલાલ મંદિર, ગાયકવાડી મેઈન રોડ થઈ ફરી ગુરૂદ્વારામાં સંપન્ન થશે. આ નગરકીર્તન યાત્રાનું ઠેર- ઠેર વિવિધ સંસ્થાના- મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

ગુરૂદ્વારામાં ૨૧મીના સવારે ૯ વાગે અખંડ ગ્રંથપાઠ સાહેબનો પ્રારંભ થશે જે ૨૩મીના ગુરૂનાનક જયંતિએ બપોરે બે વાગે સમાપન થશે. ૨૨મીના પૂજન અર્ચનના કાર્યક્રમો યોજાયા છે.

૨૩મીના શુક્રવારે પંજાબથી આવેલા ભાઈસાબ સતનામસિંઘ બખનાજી અને ગુરૂદ્વારા સિંઘસભાના પરમસિંઘ કિર્તન રજૂ કરશે. અખંડ ગ્રંથ પાઠ સાહેબના સમાપન બાદ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. રાત્રીના ૧૦ કલાકે ભવ્યાતિભવ્ય આતશબાજી કરવામાં આવશે.

ઉપરોકત તસ્વીરમાં જંકશન ગુરૂદ્વારા શ્રી ગુરૂસિંઘ સભા ગુરૂનાનક દરબારના પ્રમુખ શ્રી સરદાર જલમીતસિંઘ ધિલ્લોન (મો.૯૮૨૪૨ ૧૦૬૦૬), સેક્રેટરી શ્રી મનમોહનસિંઘ નંદા (મો.૯૮૨૫૦ ૭૫૭૨૨) અને ટ્રસ્ટી શ્રી દર્શનસિંઘ (મો.૯૭૨૩૦  ૦૦૦૫૫) નજરે પડે છે.(તસ્વીરઃઅશોક બગથરીયા)

(3:29 pm IST)