Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દેશહિતમાં આકરા નિર્ણયો લેવાની ઇન્દીરાજીની કાબેલિયત વંદનને પાત્ર !

રાજકોટ તા. ૧૯ : આઝાદ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીની આજે જન્મજયંતિ છે. વડાપ્રધાન તરીકેના એમના કાર્યકાળમાં દેશહિતના અનેક નિર્ણયોથી રાષ્ટ્રના પાયા મજબુત બન્યા એ સર્વવિદિત છે.

૧૯૬૯ માં ઇન્દીરાજીએ બેંકના રાષ્ટ્રીયકરણનો કાયદો લાવી દેશના અર્થતંત્રની દિશા જ બદલી નાખી દેશનો ૭૦% જેટલો નાણાકીય વ્યવહાર ધરાવતી મોટી અને મહત્વની ૧૪ જેટલી બેંકોને આ કાયદાથી સરકાર હસ્તક લઇ લીધી. જેના કારણે રાષ્ટ્રના નાના અને મધ્યમ વેપારીઓ, ઉદ્યોગકારો, ધંધાદારીઓને સીધી મદદની શરૂઆત થઇ.

ઇન્દીરાજીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન ૧૯૭૧માં પડોશી દુશ્મનદેશ પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને એવો જનોઇવઢ ઘા માર્યો કે જે અનંતકાળ સુધી પાકિસ્તાનને પોતાની હેસીયતનું ભાન કરાવતો રહેશે. આ યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હાર થઇ, પાકિસ્તાનના ૯૦,૦૦૦ સૈનિકોને ભારતે યુદ્ધકેદી બનાવ્યા.પાકિસ્તાને નાલેશીભરી શરણાગતી સ્વિકારી અને આજ યુદ્ધમાં પાકિસ્તાનના બે ટુકડા થયા અને બાંગ્લાદેશ નામના અલગ રાષ્ટ્રનું સર્જન થયું વિશ્વના ઇતિહાસમાં ભારતની આ જવલંત જીતનું પ્રકરણ સોનેરી અક્ષરોએ લખાઇ ગયું જેનો આજે આપણ સૌને ગર્વ છે અને રહેશેે.

૧૮ મે, ૧૯૭૪ ના રોજ ભારતે પોખરણમાં પરમાણું પરિક્ષણ (અણં ુધડાકો) કરી આખા વિશ્વને અચંબામાં મુકી દીધું. આ ધડાકાથી દુશ્મન દેશોને ભારતની અણું શકિતનો પરચો પણ બતાવી દીધો.

ભારતની ઉત્તરે આવેલ સિયાચીન વિસ્તારનું વ્યુહાત્મક રીતે ઘણુ મહત્વ છે. આ વિસ્તારનો કબ્જો લેવા પાકિસ્તાને ૧૯૮૪માં પ્લાન બનાવ્યો આ બાબતની જાણ થતા આપણી સેના સતર્ક થઇ ગઇ. તત્ત્કાલીન વડાપ્રધાન ઇન્દીરાજીને આ બાબતે ધ્યાને મુકતાં ઇન્દીરાજીએ સેનાના ''ઓપરેશન મેઘદૂત''ને ત્વરીત મંજુરી આપી જરૂરી સગવડતાઓ કરી આપી જેથી આપણી બહાદુર સેનાએ સિયાચીનનો કબ્જો લઇ પાકિસ્તાનની મેલી મુરાદને કબરમાં દફનાવી દીધી. આજે પણ સિયાચીન ક્ષેત્રમાં આપણો તિરંગો ફરકે છે જેનું દેશવાસીઓને ગૌરવ છે.

વિદેશી તાકાતોના ઇશારે અલગ 'ખાલીસ્તાન'ની માંગ સાથે અલગતાવાદી સંગઠનોએ ભારતના ભાગલા પાડવા માટે ઉધામા મચાવવા માંડયા આ બાબતને ગંભીરતાથી લઇ ૧૯૮૪ માં ઇન્દીરાજીએ ''ઓપરેશન બ્લ્યુ સ્ટાર'' હેઠળ સૈન્ય કાર્યવાહીનો નિર્ણય લઇ આવા તત્વોનો સફાયો કરી નાખ્યો.

દેશ માટે ન્યોછાવરીનો નાદ ગુંજતો કરનાર, સ્ત્રી શકિતનો પ્રત્યક્ષ પુરાવો રજુ કરી સમગ્ર જીવન દેશને સમર્પિત કરનાર, લોખંડી મહિલા, વિરાંગના વડાપ્રધાન ''પ્રિયદર્શીની''ને દેશ સદીઓ સુધી ગૌરવ અને ગર્વથી સંભારશે.

-મનસુખ કાલરીયા

કોર્પોરેટર (કોંગ્રેસ)

મો. ૯૪૨૬૯ ૯૪૪૫૦

(3:28 pm IST)