Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ચિત્રલેખા દ્વારા જાહેર કરાયેલ ૫૧ ગૌરવવંતા ગુજરાતીઓમાં 'ચક્રમ ચંદન'ના તંત્રી ભોળાભાઇ ગોલીબારનો સમાવેશ

રાજકોટ : ચિત્રલેખા દ્વારા જાહેર કરવામાં આવેલ ૫૧ ગૌરવવંતા ગુજરાતીઓમાં 'ચક્રમ ચંદન'ના તંત્રી ભોળાભાઇ ગોલીબારનો સમાવેશ થતા ઠેરઠેરથી તેઓને શુભેચ્છાઓ મળી રહી છે. ચક્રમ ચંદનની રસપ્રદ કહાની જોઇએ તો 'ચક્રમ શબ્દ સાંભળતાવેંત ભાન વગરનું કે ઓછી અકકલવાળું પાત્ર યાદ આવે. આમ છતાયે એક અમદાવાદીએ મેગેઝીનને આ નામ આપવાની હીંમત કરી. નૂર મહમ્મદ જસુબ સમાણા કચ્છી મેમણ જ્ઞાતિના. તેઓ જીવન ગુજારો ચલાવવા 'એક આનાની ગોળી (પીપરમેન્ટ) બાર' બુમો પાડી વેંચાણ કરતા. એટલે ગોલી બાર એમની ચિરંજીવ ઓળખ અટક બની ગઇ.

એમણે ૧૯૪૩ માં ગુજરાતી મેગેઝીન 'સંગીત' અને ચાર વર્ષ પછી જોકસ ટુચકાનું પ્રથમ ગુજરાતી માસિક મેગેઝીન 'ચક્રમ' શરૂ કર્યુ. નામ ચક્રમ રાખવા પાછળનું કારણ એવુ હતુ કે નુર મોહમ્મદ હોશિયાર ન હોવાથી પિતા તેમને ચક્રમ કહીને બોલાવતા. આથી નૂર મોહમ્મદે નકકી કર્યુ કે હવે 'ચક્રમ' બનીને જીવીશ અને 'ચક્રમ' બનીને કમાઇશ! બસ પછી તો 'ચક્રમ મેગેઝી' એવુ તો છવાયુ કે ખરેખર અનોખુ સ્થાન લોકોના દિલમાં બનાવી લીધુ.

જાહેરખરની આવક વગર પણ મેગેઝીન ચલાવી શકાય છે તેની દુનિયાને નવી શીખ આપી.

ફાતિમા નૂર મોહમ્મદને પાંચ સંતાનો. સૌથી નાનો પુત્ર યુનુસ. એ ભોળા સ્વભાવને લીધે ભોળા નામથી જ ઓળખાતો. ૧૯૬૬ માં નૂરભાઇ જન્નત નશીન થતા મોટા પુત્ર હારૂને 'ચક્રમ' સંભાળ્યુ. એ વખતે ભોળો ભણતો. એણે અમદાવાદમાં એમ. એ. અને મુંબઇની જર્નાલિઝમની ડીગ્રી મેળવી. હારૂન જન્નત નશીન થયા બાદ યુનુસ નૂર મોહમ્મદ ગોલીબાર ઉર્ફે ભોળાભાઇ ગોલીબારે 'ચક્રમ'નું સુકાન સંભાળ્યુ.

ભોળાભાઇએ આ હાસ્ય મેગેઝીનમાં અનેક નવા વિભાગો ઉમેરી પારીવારીક ઓળખ અપાવી. ૧૯૮૭ માં નવુ નામકરણ કરી 'ચક્રમ ચંદન' નામ અપાયુ. અજબ સવાલોના ગજબ જવાબો વિભાગ ખુબ લોકપ્રિય બન્યો. મિલનસાર સ્વભાવના ભોળાભાઇ નવાજુની જાણવા જણાવવાના શોખીન છે. ગોલીબાર અટક છતાય બોલવામાં મીઠા છે. એમને કચ્છ શકિત પત્રકાર એવોર્ડ, શ્રેષ્ઠ નવલકથાકારનો ર.વ.દેસાઇ એવોર્ડ, વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનનો આઉટ સ્ટેન્ડીંગ એચીવમેન્ટ એવોર્ડ મળેલ છે.

આજે ચક્રમ પ્રકાશનમાં ગોલીબાર ફેમિલીની ત્રીજી પેઢી એટલે કે ભોળાભાઇના પુત્ર યાસીન, મોહસીન, રિઝવાન સક્રિય છે.

(3:27 pm IST)