Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દિવાળી વેકેશનની રજાની મજા પૂરી : શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

રાજકોટ : આજે વહેલી સવારથી જ શહેરના રાજમાર્ગો ઉપર વિદ્યાર્થીઓની ચહલ-પહલ તેમજ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ કાર્યનો શુભારંભ સાથે વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠયો હતો. ૨૧ દિવસની દિવાળીની રજાની મજા માણ્યા બાદ રાજ્યની પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. સામાન્ય રીતે ધોરણ ૧૦ અને ૧૨ માં વિદ્યાર્થીઓની રજામાં કાપ મુકવામાં આવ્યો હતો. માત્ર ત્રણ-ચાર દિવસની રજા બાદ શૈક્ષણિક કાર્ય બોર્ડની પરીક્ષાને ધ્યાને લઇ શરૂ કરવામાં આવી હતી. શહેરની ખાનગી શાળાઓમાં તો વેકેશન નામ પૂરતુ જ રહ્યું હતું. બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ ધો. ૧ થી ૮ અને ૯, ૧૦ તેમજ ૧૧-૧૨ સાયન્સ - કોમર્સ - આર્ટસમાં કોર્ષ પૂર્ણ કરી અને એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં શાળાકીય કસોટી લેવાશે. ધો. ૧૦ અને ૧૧-૧૨ની પ્રિલીમ પરીક્ષા ૨૦ જાન્યુઆરીથી તા. ૬ ફેબ્રુઆરી સુધી લેવાશે. જ્યારે ધો. ૯ની પ્રખરતા શોધ કસોટી તા. ૭ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી લેવાશે. ધો. ૧૦-૧૨ની બોર્ડની પરીક્ષા તા. ૭ માર્ચથી ૨૩ માર્ચ દરમિયાન લેવાશે. જ્યારે બીજા સત્રની પરીક્ષા તા. ૮ એપ્રિલથી તા. ૧૬ એપ્રિલ સુધી લેવાશે. પ્રસ્તુત તસ્વીરમાં બીજા સત્રના પ્રારંભે ઉત્સાહભેર વિદ્યાર્થીઓ શાળાએ અભ્યાસ અર્થે જઇ રહેલા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(12:37 pm IST)