Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બુધવારી-રવિવારી બજારના ધંધાર્થીઓ મ.ન.પા. કચેરીએ ઉમટયા : વેપારની છુટ આપવા માંગ

ધંધાર્થીઓના મ્યુ.કોર્પોરેશન ચોકમાં ચક્કાજામઃ વિજીલન્સ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

રાજકોટ, તા. ર૦ :  શહેરમાં દર બુધવારે અને રવિવારે ભરાતી અઠવાડિક બજારોમાં કોવિડ-૧૯ના નિયમોનું પાલન થતુ નહીં હોવાથી અને મોટી ભીડ જમા થતી હોવાની ફરીયાદો બાદ મ.ન.પા.નાં જગ્યા રોકાણ વિભાગે આ બંને બજારો બંધ કરાવી દેતાં બેરોજગાર બનેલા નાના-ધંધાર્થીઓનાં ટોળાએ આજે સવારે મ.ન.પા.ની ઢેબર રોડ સ્થિત મુખ્ય કચેરીએ દોડી ગયેલ અને ચોકમાં થોડીવાર માટે ચક્કાજામ કરી આ અઠવાડિક બજારો ફરી શરૂ કરાવવા માંગ ઉઠાવી હતી.

આ અંગેની વિગતો મુજબ શહેરની આજી ડેમ ચોકડી અને રવિવારી અને કોઠારીયા ચોકડી પાસે બુધવારી બજારો ભરાતી હતી.

આ બજારોમાં મોટી ભીડ એકત્રીત થતી હતી. માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમો જળવાતાં ન હતા. આથી કોરોનાં સંક્રમણ વધવાનો ભય સતત રહેતો હતો. ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતી હતી. તંત્રએ છૂટ આપી નહી હોવા છતાં આ બજારો ભરાતી હોવાની ફરીયાદો તંત્રવાહકોને સતત મળતી રહેતી હતી.

આથી જગ્યા રોકાણ વિભાગે રવિવારી અને બુધવારી બંને બજારો બંધ કરાવી દીધી હતી. જેના કારણે બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઇ ગઇ હોઇ આજે આ બંધ બજારનાં ધંધાર્થીઓએ એકત્રીત થઇ ટોળા સ્વરૂપે  મ.ન.પા.ની કચેરીએ દોડી ગયેલ અને કચેરી બહાર રોડ પર બેસી જતા થોડીવાર માટે ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી.

દરમિયાન વિજીલન્સ પોલીસે રસ્તા પરથી ટોળાને દૂર કરી અને ધંધાર્થીઓની ફરી બે વાર શરૂ કરાવવાની રજુઆતને અધિકારી સુધી પહોંચાડી હતી. તેમજ આ બાબતે યોગ્ય કરવા અધિકારીએ ખાત્રી આપી હતી આથી મામલો થાળે પડ્યો હતો. (તસ્વીર : અશોક બગથરીયા)

(3:34 pm IST)