Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સામાકાંઠે પાણીના ધાંધિયા : મુખ્ય પાઇપ લાઇન તુટતા વિતરણ ઠપ્પ

આજી ડેમથી પાણી વિતરણ માટેની પ૦૦ એમએમની પાઇપ લાઇન તુટતા તાબડતોબ રીપેરીંગ કરાયું : સવારે કનકનગર, શકિત સોસાયટી, બાલકૃષ્ણ, સાગરનગર, હાઉસીંગ બોર્ડ સહિતના વિસ્તારોમાં પાણી નહી મળતા દેકારો : શાસક પક્ષ નેતા દલસુખ જાગાણી દોડી ગયા

રાજકોટ, તા. ર૦ : શહેરના સામાકાંઠા વિસ્તારમાં પાણી વિતરણની મુખ્ય પાઇપ લાઇન આજે સવારે તુટતા અનેક વિસ્તારોમાં પાણી વિતરણ ઠપ્પ થઇ ગયેલ અને પાણીનો જબરો દેકારો બોલી ગયો હતો. જો કે, શાસકપક્ષના નેતા દલસુખ જાગાણીને આ બાબતની જાણ થતાં તેઓ તુરંત જ પાઇપ લાઇન તુટવાના સ્થળે દોડી ગયેલ અને તાબડતોબ રીપેરીંગ શરૂ કરાવ્યું હતું.

આ અંગે મ.ન.પા.ના ઇજનેરી સુત્રોના જણાવ્યા મુજબ સવારે આજી ડેમથી સામાકાંઠાના વિસ્તારોમાં પાણી વિતરણ કરવા માટેની મુખ્ય પ૦૦ એમ.એમ. ડાયામીટરની પાઇપ લાઇન ભાવનગર રોડ, આઇ.ટી.આઇ. સામેના ભાગે તૂટી ગઇ હતી. જેના કારણે સામાકાંઠા વિસ્તારમાં સવારે પાણી વિતરણ ઠપ્પ થઇ ગયેલ. આથી તાબડતોબ ઇજનેરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રીપેરીંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન શાસકપક્ષ નેતા દલસુખ જાગાણી પણ સ્થળ પર દોડી ગયા હતાં.

દરમ્યાન આ પાઇપલાઇન તુટવાના કારણે સામાકાંઠાના કનકનગર, રાજારામ સોસાયટી, મહેશનગર, સંજયનગર, ન્યુ શકિત સોસાયટી તથા શકિત સોસાયટી, ગોકુલનગર, હાઉસીંગ બોર્ડ કવાર્ટર, સાગરનગર, બાલકૃષ્ણ સોસાયટી, આ તમામ વિસ્તારોમાં સવારે પાણી નહીં મળતા ગૃહિણીઓમાં પાણી અંગે જબરો દેકારો બોલી ગયો હતો.

જો કે પાઇપ લાઇન રીપેર થયા બાદ મોડેથી પાણી વિતરણ શરૂ કરવા કવાયત હાથ ધરી હતી.

(3:33 pm IST)