Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સિંધી કોલોનીમાં વૃધ્ધ વેપારીને મોઢે ધૂંબો મારી મોબાઇલ પડાવી લીધોઃ બે શકમંદ સકંજામાં

વિસ્તારમાં લુખ્ખાગીરી વધી ગયાની સિંધી વેપારીઓની લેખિત રજૂઆત

રાજકોટ તા. ૨૦: સિંધી કોલોનીમાં છ દિવસ પહેલા સવારના પ્હોરમાં વૃધ્ધ સિંધી વેપારીની દૂકાને આવેલા બે શખ્સોએ રૂ. પચાસ માંગતાંવેપારીને શેના આપવાના? તેમ પુછતાં બંનેએ તેમને મોઢા પર ધૂંબો મારી દીધો હતો અને મોબાઇલ ફોન ઝૂંટવી ભાગી ગયા હતાં. વેપારીના પુત્રએ પીછો કરી બંને શખ્સના રિક્ષાના નંબર નોંધી લીધા હતાં. પ્ર.નગર પોલીસે તપાસ કરી બંનેને સકંજામાં લીધા છે.

પોલીસે આ બારામાં સિંધી કોલોની મકાન નં. ૫૬ જલારામ બેકરી પાસે રહેતાં અને ઘર સાથે જ સિતારામ પ્રોવિઝન સ્ટોર નામે દૂકાન ચલાવતાં ગુલાબભાઇ લખીમલભાઇ રામચંદાણી (ઉ.વ.૬૯) નામના સિંધી વેપારીની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૭૯-ક (૪), ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ગુલાબભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૫મીએ સવારે પાંચેક વાગ્યે હું મારી દૂકાન ખોલીને દિવાબત્તી કરીને બેઠો હતો ત્યાં પોણા છએક વાગ્યે બે અજાણ્યા શખ્સો જેમાં એકે કાળા રંગનું ટી-શર્ટ પહેરેલુ હતું અને બીજાએ બ્લુ રંગનું ટી-શર્ટ પહેરેલુ હતું તે આવ્યા હતાં અને મારી પાસેથી રૂ. ૫૦ માંગતા મેં તેને 'શેના આપવાના?' તેમ પુછતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી.

જેથી મેં મારા દિકરાને ફોન જોડવા મારો ફોન હાથમાં લેતાં કાળુ ટી-શર્ટ પહેરેલા શખ્સે મારો એન્ડ્રોઇડ મોબાઇલ હાથમાંથી ખેંચી લીધો હતો. મેં રાડારાડી કરતાં મને મોઢા પર ઢીકો મારી દીધો હતો.  દેકારો થતાં બંને શખ્સ જલારામ બેકરી તરફ ભાગવા માંડ્યા હતાં. એ દરમિયાન મારો દિકરો ભાવેશ આવી ગયો હતો અને બંનેની પાછળ દોડ્યો હતો. ત્યાં આ બંને રિક્ષામાં ભાગી ગયા હતાં. મારા દિકરાએ રિક્ષાના નંબર જોતાં જીજે૦૩એડબલ્યુ-૨૩૯૧ હતાં. જેમાં પાછળના ભાગે તલવારનું ચિત્ર પણ દોરેલુ હતું. અમારી મેળે તપાસ કરી હતી અને ફરિયાદ કરી નહોતી. પણ પત્તો ન મળતાં હવે પોલીસને જાણ કરી હતી.

દરમિયાન પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એન. એસ. રાઠોડ સહિતે તપાસ કરી બે શકમંદને સકંજામાં લીધા છે. નોધનીય છે કે ત્રણ દિવસ પહેલા જ સિંધી કોલોની, જંકશન પ્લોટ, ગાયકવાડી, રેફયુજી કોલોની સહિતના વિસ્તારના વેપારીઓએ પ્ર.નગર પીઆઇ એલ.એલ. ચાવડાને લેખિત રજૂઆત કરી જંકશન પ્લોટ વિસ્તારમાં લુખ્ખાઓ બેફામ બન્યાની અને લૂંટ સહિતના બનાવો બની રહ્યાની રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે કીટીપરામાં ખુલ્લેઆમ દારૂનું વેંચાણ થાય છે. લુખ્ખાઓ ગમે તેની છેડછાડ કરી લે છે. ધોળે દિવસે છરી દેખાડી લૂંટી લેવાય છે.  ધૂમ સ્ટાઇલથી બાઇક હંકારનારાઓનો પણ ત્રાસ વધી ગયો છે. આ મામલે પોલીસ આકરી કાર્યવાહી કરે તે જરૂરી છે.

અગ્રણીઓ સુનિલભાઇ ટેકવાણી, રામભાઇ અમાસવાણી, મહેશભાઇ બુધવાણી, દુર્ગેશ ધનકાણી, રાજુ દરીયાનાણી, ખેમચંદ મધીાયણી, રાજુભાઇ ભંભાણી, દિલીપભાઇ ચાવલા, દિપકભાઇ ભાટીયા, રવિભાઇ ન્યાલાણી, રાધાકિશનભાઇ આહુજા, પરેશભાલ દુલાણી, ગોરધનભાઇ તનવાણી, પરષોત્તમભાઇ પમનાણી, નંદભાઇ લોગાણી સહિતે આ રજૂઆત કરી હતી.

(3:29 pm IST)