Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ધ્રોલ સામુહિક દુષ્કર્મનો ભોગ બનનાર પિડીતાનાં પરિવારની મહિલા આયોગ મુલાકાત લ્યે

પિડીતાને ન્યાય અપાવોઃ માલધારી અગ્રણી રણજીત મુંધવા-જગદિશ ભરવાડની ગાંધીનગરમાં રહેતા આયોગને રજુઆત

રાજકોટ તા. ર૦: જામનગર જીલ્લાનાં ધ્રોલમાં સામુહિક દુષ્કર્મ ઘટનામાં મહિલા આયોગની ટીમ પિડીતાનાં પરિવારની મુલાકાત લઇ અને ન્યાય અપાવે તેવી માંગ રાજકોટનાં માલધારી આગેવાનો રણજીત મુંધવા ત્થા જગદિશ ભરવાડે ઉઠાવી છે.

મહિલા આયોગનાં રાજુલબેન દેસાઇને કરાયેલ આ રજૂઆતમાં જણાવાયું છે કે ધ્રોલમાં તાજેતરમાં બે નરાધમો દ્વારા માલધારી સમાજની દીકરી સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું છે. જે બાબતે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે ગુજરાત મહિલા આયોગના સભ્યો પીડિત પરિવારની મુલાકાત કરે અને તેમને સંપૂર્ણ ન્યાય મળશે તેવી ખાતરી આપે અને પીડિત પરિવાર જોડે કોઇ અન્યાય નહિં થાય તેવી ખાત્રી આપે.

તેમજ મહિલા આયોગ પીડિતા પરિવારની સુરક્ષાની જવાબદારી સ્વીકાર કરે અને પીડિત પરિવારની કાનૂની લડતનો તમામ ખર્ચ મહિલા આયોગ કરે તેવી માંગ રાજકોટ શહેર કોંગ્રેસ સેવા દળનાં રણજીત મુંધવા ત્થા જગદિશ ભરવાડ (યુવા અગ્રણી ભરવાડ સમાજ) દ્વારા રજુઆતમાં ઉઠાવાઇ છે.

(2:57 pm IST)