Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સિસ્ટર નિવેદીતા શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ ફુલગ્રામની ઉત્તર બુનિયાદી વિદ્યાલયને

શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ મોટાવડાના વર્ષાબેન દવેને અને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ કમળાપુરના પ્રશાંતભાઇ જાનીને : કાલે વઢવાણના ફુલગ્રામમાં સમારોહ

રાજકોટ તા. ૨૦ : છેલ્લા ૨૦ વર્ષથી પ્રતિ વર્ષ જે. વી. શેઠીયા રાજકોટ તથા અશોક ગોંધીયાની સ્મૃતિમાં વાય.એમ.જી.એ. રાજકોટના આર્થિક સહયોગથી સિસ્ટર નિવેદીતા સ્કુલ ઓન વ્હીલ્સની ૯૧ સંલગ્ન શાળાઓ તથા તેમા કાર્યરત ૬૫૦ જેટલા શિક્ષકોમાંથી ગુણવત્તાને આધારે પસંદગી પામેલ એક શાળા તથા એક શિક્ષક અને એક શિક્ષિકાને ગ્રામિણ વિસ્તારના બાળકો માટે શિક્ષણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઉજજવળ સેવા આપવા બદલ પ્રોત્સાહીત કરવા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.

ઇ.સ. ૨૦૧૭-૧૮ નો 'સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ એવોર્ડ 'શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ફુલગ્રામ તા. વઢવાણ, જિ. સુરેન્દ્રનગરને એનાયત કરવામાં આવેલ છે.

ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફુલગ્રામ શૈક્ષણિક સંકુલની સ્થાપના અને વિકાસમાં ગામના તપસ્વી લોકસેવક શ્રી શિવાનંદજીનું બહુમુલ્ય પ્રદાન થયુ છે. પ્રખર સમાજ સેવક કરમશીભાઇ મકવાણા અને ગ્રામ વિદ્યાલય લોકશાળા ધજાળા ટ્રસ્ટના સહયોગથી જુન ૧૯૮૪ માં શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો ધો.૮ ના એક વર્ગથી પ્રારંભ કરવામાં આવેલ. વગડાઉ જમીન પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સમૂહ શ્રમ દ્વારા શાળાની જરૂરીયાત પૂરતા ઓરડા તૈયાર કર્યા. ઘણા સંઘર્ષને અંતે આજે શાળામાં ધો.૯ થી ૧૨ ના વર્ગો ધરાવતી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, બક્ષીપંચ કુમાર છાત્રાલય, સાર્વજનિક કન્યા છાત્રાલય જેવા વિભાગો કાર્યરત છે.

સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષિકનો એવોર્ડ વર્ષાબહેન હિંમતલાલ દવે, પ્રા. શાળા મોટાવડા, તા.લોધીકા જિ.રાજકોટને એનાયત કરવામાં આવેલ છે.

વિદ્યા, વિનય, સેવાને જીવનમંત્ર બનાવી ગ્રામિણ સમાજમાં નવચેતનાનો પ્રાણ સંચાર કરવા માટે છેલ્લા ૩૩ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત વર્ષાબેને પોતાની શિક્ષિકા તરીકેની કારકીર્દીનો પ્રારંભ ઓકટોબર ૧૯૮૫ ની સાલથી કર્યો. વિષય શિક્ષણ સાથે જીવન શિક્ષણ આપીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે રીતે અધ્યાપન કરાવી આનંદદાયક શિક્ષણ પુરૂ પાડી રહ્યા છે.

સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રશાંતભાઇ દિલીપભાઇ જાની, આચાર્યશ્રી તાલુકા શાળા, કમળાપુર, તા.જસદણ, જિ.રાજકોટને એનાયત કરવામાં આવેલ છે.

શિક્ષણના પવિત્ર વ્યવસાયનો વારસો ધરાવતા પ્રશાંતભાઇ છેલ્લા ૧૨ વર્ષોથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. કારકીર્દીના પ્રથમ આઠ વર્ષ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રહ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી પોતાના જ વતન કમળાપુરની પ્રા.શાળામાં આચાર્ય તરીકે સેવા આપી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બી.એડ્. કોલેજમાં પ્રાધ્યાપક તરીકે ભવિષ્યનાં ઉત્તમ શિક્ષકો તૈયાર કર્યા છે.

આ એવોર્ડમાં શ્રેષ્ઠ શાળાને રૂ.૩૧,૦૦૦ નો ચેક, પુસ્તકો તથા શ્રેષ્ઠ શિક્ષક-શિક્ષિકાને રૂ.૨૧૦૦૦ નો ચેક પુસ્તક તથા ટ્રોફી અર્પણ કરવામાં આવશે.

એવોર્ડ પ્રદાન સમારોહ કાલે તા. ૨૧ ના રવિવારે સવારે ૧૦ વાગ્યે ઉત્તર બુનિયાદી વિદ્યાલય, ફુલગ્રામ, તા.વઢવાણ, જિ. સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ છે.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જાણીતા શિક્ષણવિદ્દ અને 'પ્રગતિશીલ શિક્ષણ' સામાયિકના તંત્રી ડો. પુરૂષોતમભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. (૧૬.૨)

(4:19 pm IST)