Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જંગલેશ્વરમાંથી ઇંડાવાળા અલીઅસગર શેખને દેશી તમંચા સાથે એસઓજીએ દબોચી લીધો

હેડકોન્સ. આર. કે. જાડેજા, કૃપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્ર ગઢવીની બાતમીઃ દોઢેક વર્ષ પહેલા ઇંડા ખાવા આવેલા હિન્દીભાષી પાસેથી શોખ ખાતર લીધાનું અલીઅસગરનું રટણ

રાજકોટ તા. ૨૦: એસઓજીએ ગેરકાયદે હથીયાર સાથે વધુ એકને પકડી લીધો છે. જંગલેશ્વરમાંથી ઇંડાના ધંધાર્થીને દેશી તમંચા સાથે પકડી લઇ વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

એસઓજીના આર. કે. જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા અને નરેન્દ્રભાઇ ગઢવીને બાતમી મળી હતી કે રૂખડીયાપરા રાજીવનગરમાં રેલ્વે કવાર્ટર પાસે રહેતો અને હાલ કેટલાક સમયથી જંગલેશ્વર મસ્જીદ પાસે રહેતો અલીઅસગર ઇસ્માઇલભાઇ શેખ (ફકીર) (ઉ.૨૦) નામનો ઇંંડાનો ધંધાર્થી પોતાની પાસે ગેરકાયદેસર તમંચો રાખે છે અને તે પુનિતનગરથી વાવડીવાળા રોડ પર નર્સરી પાસે ઉભો છે.  આ બાતમીને આધારે બાતમી મેળવનાર ત્રણેય કર્મચારીની સાથે પીએસઆઇ ઓ. પી. સિસોદીયા, એચ. એમ. રાણા, મોહિતસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ચુડાસમા, બ્રિજરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, અનિલસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ પરમાર, કૃષ્ણસિંહ ઝાલા સહિતે દરોડો પાડતાં અલીઅસગર મળી આવ્યો હતો.

તેની તલાશી લેતાં રૂ. ૫ હજારનો દેશી તમંચો મળતાં ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ સામે આર્મ્સ એકટની કલમ ૨૫ (૧-બી) એ મુજબ ડીસીપી પોલીસ મથકમાં કોન્સ. ચેતનસિંહની ફરિયાદ પરથી ગુનો નોંધાયો છે. આ શખ્સ અગાઉ જંગલેશ્વરમાં ઇંડાનો ધંધો કરતો હતો. હાલ કેટલાક દિવસથી બેકાર છે. તેણે એવું રટણ કર્યુ છે કે દોઢેક વર્ષ પહેલા પોતાની લારીએ ઇંડા ખાવા આવેલા હિન્દીભાષી શખ્સ પાસે તમંચો હોઇ તેની પાસેથી શોખ ખાતર લીધો હતો. આ કેફીયત સાચી છે કે કેમ? તે અંગે વિશેષ તપાસ પીએસઆઇ સિસોદીયા, વિજયભાઇ શુકલા સહિતની ટીમે હાથ ધરી છે. (૧૪.૬)

(11:41 am IST)