Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

' પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ' પુસ્તકનું બુધવારે વિમોચન

સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રવીણકાકાના વ્યકિતત્વ અને કર્તૃત્વ આધારિત સ્મૃતિગ્રંથનું નિર્માણ : સ્મૃતિગ્રંથનું વિમોચન ભૈયાજી જોશી તથા ઈ-બૂકનું લોકાર્પણ વિજયભાઈ રૂપાણીના હસ્તે થશેઃ અપૂર્વ મણીયાર -ડો. બળવંતભાઇ જાની

રાજકોટઃ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ ગ્રંથ પ્રાગટ્ય અવસરનું આયોજન તા. ૨૨ સપ્ટેમ્બર, બુધવારે સાંજે પાંચ વાગ્યાથી હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું છે. રાજકોટને કર્મભૂમિ બનાવી ગુજરાત અને ગુજરાત બહાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદર્શોને પ્રગટાવનારા અને પ્રસરાવનારા આદરણીય પ્રવીણભાઈ મણીઆર - પ્રવીણકાકાના જીવન અને કાર્યનો પરિચય કરાવતા ગ્રંથનું લોકાર્પણ આદરણીય ભૈયાજી જોશીના હસ્તે યોજવામાં આવ્યું છે આ ઉપરાંત ઈ-બૂકનું લોકાર્પણ આદરણીય વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજવામાં આવ્યું છે. પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમના મુખ્ય મંચસ્થ મહાનુભાવો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ સરકાર્યવાહજી ભૈયાજી જોશી, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલકજી જયંતીભાઈ ભાડેશીયા, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા અને રાજકોટના મેયર પ્રદિપભાઈ ડવ છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં પ્રવીણકાકા ગ્રંથ પ્રાગટ્ય અવસર ઉજવાશે.

પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ સ્મૃતિગ્રંથની શરૂઆતમાં નરેન્દ્રભાઈ મોદી (વડાપ્રધાનશ્રી ભારત), મોહન ભાગવતજી (સરસંઘચાલકજી રા.સ્વ.સંઘ) ભૈયાજી જોશી (પૂર્વ સરકાર્યવાહજી રા.સ્વ.સંઘ) વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રીશ્રી ગુજરાત), વજુભાઈ વાળા (પૂર્વ ગર્વનરશ્રી કર્ણાટક) દ્વારા પ્રવીણકાકા પ્રત્યેના વિશેષાર્ધ્ય પ્રગટ કરેલા છે. આ ઉપરાંત પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ સ્મૃતિગ્રંથમાં પૂ. મોરારીબાપુ, પૂ. આચાર્ય વિજયરત્નસુંદર મહારાજ સાહેબ, પૂ. નમ્રમુની મહારાજ સાહેબ, પૂ. સાધુ ત્યાગવલ્લભદાસ, પૂ. અપૂર્વમુની સ્વામી, પૂ. જ્ઞાનવત્સલ સ્વામી, પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતી વગેરે સંતો-મહંતોએ પ્રવીણકાકા સાથે પોતાની સ્મૃતિઓ વાગોળી પ્રવીણકાકાને શબ્દાંજલી પાઠવેલી છે.

આ સાથે જ અમૃતભાઈ કડીવાળા, ડો. હર્ષદભાઈ પંડિત, ટપુભાઈ લીંબાસીયા હંસિકાબેન મણીઆર, જ્યોતીન્દ્રમામા, ડો. સિતાંશુ યશંદ્ર, ડો. નવીનભાઈ શેઠ, કનુભાઈ માવાણી, અર્જુનભાઈ મોઢવાડિયા, મનમોહનજી વૈદ્ય, યશવંતભાઈ ચૌધરી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અભયભાઈ ભારદ્વાજ, કુમારપાળ શાહ, ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. વલ્લભભાઈ કથીરિયા, રાજુભાઈ ધ્રુવ, નલિનભાઈ વસા, ચંદ્રકાંતભાઈ શેઠ, મુકેશભાઈ દોશી, જ્વલંતભાઈ છાયા, સાંઈરામભાઈ દવે સહિત એકસો અગિયારથી વધુ સંઘ, વકીલાત, શિક્ષણ, રાજકરણ, સામાજિક, ધાર્મિક, પારિવારિક ક્ષેત્રના મહાનુભાવોએ પ્રવીણકાકા સાથેના સંસ્મરણો પ્રવીણકાકાના વ્યકિતત્વ - કર્તૃત્વ આધારિત સ્મૃતિગ્રંથમાં રજૂ કર્યા છે.

 આ સ્મૃતિગ્રંથના માધ્યમ દ્વારા પ્રવીણકાકાનું પ્રેરણાદાયી વ્યકિતત્વ અને કર્તૃત્વ અન્યોના વ્યકિતત્વ અને કર્તૃત્વમાં પ્રેરણા પૂરી પાડે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને સમાજસેવા સાથે સંકળાયેલું મણીઆર પરિવાર તથા સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ એક પુસ્તકના માધ્યમ વડે ભારત માતાના કર્તવ્યનિષ્ઠ નાગરિકનું નિર્માણ કઈ રીતે કરી શકે છે તેનું દૃષ્ટાંત પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ સ્મૃતિગ્રંથ બની રહેશે એવું અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું.

 સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાનીએ પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ સ્મૃતિગ્રંથ અંગે જણાવ્યું હતું કે, સેવાવ્રતી ટ્રસ્ટ શિક્ષણક્ષેત્રે ક્રિયાશીલ રહે ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ માર્ગદર્શન અર્થે પ્રવીણકાકાનું ચરિત્ર વર્તમાન સાથે ભાવિ પેઢી માટે ખૂબ જ ઉપયોગી બની રહે એવા શુભ આશયથી ટ્રસ્ટના સ્થાપક અને અંત સુધી એના વિકાસ માટે સતત ચિંતા અને ચિંતન કરતા રહેલા સ્મૃતિશેષ પ્રવીણકાકાના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા મહાનુભાવોના આલેખો-નોંધો મેળવી પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ સ્મૃતિગ્રંથનું નિર્માણ કરવામાં આવ્યું છે. માત્ર લેખન જ નહીં પરંતુ મુદ્રણ - ચિત્રણ સાથે સંપાદન - પ્રકાશન કાર્ય પણ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવ્યું છે.

 સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર તથા મેનેજીંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની સહિત મંત્રી રમેશભાઈ ઠાકર, કોષાધ્યક્ષ અનીલભાઈ કિંગર, ટ્રસ્ટીશ્રીઓ કેતનભાઈ ઠક્કર, ખંતીલભાઈ મહેતા, સમીરભાઈ પંડિત, પલ્લવીબહેન દોશી સહિત સમગ્ર સરસ્વતી શિશુમંદિર પરિવારના પ્રાધાનચાર્યો, આચાર્યો, વ્યવસ્થાપક ગણ પ્રવીણકાકા - વ્યકિતત્વ અને કર્તૃત્વ ગ્રંથ પ્રાગટ્ય અવસરને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.  આ કાર્યક્રમ ઓનલાઇન પ્રસારીત થશે.

વધુ માહિતી માટે અપૂર્વભાવી મણીયાર મો.૯૪૨૬૪ ૪૯૭૯૬, ડો. બળવંતભાઇ જાની મો.૯૮૨૫૦ ૭૫૦૯૮ નો સંપર્ક કરી શકાય છે. 

(4:27 pm IST)