Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભારતમાં સૌથી મોંઘુ શિક્ષણ ગુજરાતમાં : નિરજ કુંદન

NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ 'અકિલા' ની મુલાકાતેઃ શિક્ષણમાં ખાનગીકરણની ભાજપની નીતિ ખતરનાક બની : ગુજરાતનું ખાનગી શિક્ષણ મોડલ ભાજપે દેશમાં લાગુ કર્યુઃ કોરોના કાળમાં શિક્ષણ બંધ હતુ ત્યારે મોદીજી છાની છપની રીતે નવી શિક્ષણ- નીતિ લાવ્યાઃ દેશમાં રોજગારી વધવાને બદલે ઘટીઃ ગુજરાતમાં રિલાયન્સ જેવી કંપનીઓ સ્થાનિકોને બદલે અન્યને રોજગાર આપે છેઃ NSUI લડત આપશે : કોરોના વખતે NSUIએ ગુજરાતમાં લોકોની સેવા ખૂબ કરીઃ મહિપાલસિંહ ગઢવી

રાજકોટ, તા., ૨૦: ભારતમાં સૌથી મોંઘુ શિક્ષણ ગુજરાતનું છે. ગુજરાતમાં ભાજપ સરકારે શિક્ષણના ખાનગીકરણની નીતી અપનાવી છે. તેના ખતરનાક પરીણામો આવવા લાગ્યા છે. સામાન્ય માણસ માટે ગુજરાતમાં શિક્ષણ લેવું અસંભવ જેવુ બની જશે.

આ શબ્દો કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUI ના રાષ્ટ્રીય અધ્યક્ષ નિરજ કુંદનના છે. તેઓ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણના ખોફનાક પરીણામો આવ્યા બાદ એ નીતીમાં સુધારો કરવાને બદલે ગુજરાતના ખતરનાક શિક્ષણ મોડેલને મોદીજીએ રાષ્ટ્રીય સ્તરે લાગુ કરી દીધું છે.

નિરજજીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં શિક્ષણ સંસ્થાઓ બંધ હતી. લોકો જીવ બચાવવામાં પડયા હતા અન્ય મુદા ગૌણ હતા ત્યારે મોદીજી ચોરની જેમ ખતરનાક શિક્ષણ નીતી લાવ્યા હતા. કોઇ ચર્ચા વગર ગુજરાત મોડેલના અમલની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. નિરજજીએ જણાવ્યું હતું કે ભારતમાં સૌથી સારૂ શિક્ષણ પંજાબ રાજયમાં છે. પંજાબમાં સામાજીક ન્યાયના દ્રષ્ટિકોણથી શિક્ષણ નીતી ઘડાઇ છે. દરેક વર્ગના લોકોને સરળતાથી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય તેવી નીતી પંજાબમાં અમલમાં છે.

કોંગ્રેસની સરકારે પંજાબમાં આટલુ સારૂ કામ કર્યુ છતા કોંગ્રેસે મુખ્યમંત્રી શા માટે બદલી નાખ્યા ? આ પ્રશ્નના જવાબમાં નિરજજીએ જણાવ્યું હતું કે, અમરીંદરસિંઘે ખુદે જ કહયું હતું કે, આ મારી છેલ્લી ચુંટણી છે. ઉપરાંત કોંગ્રેસ સામુહીક નેતૃત્વમાં વિશ્વાસ ધરાવે છે. વ્યકિત આધારીત નેતૃત્વ નથી. પંજાબ સરકારનું શ્રેષ્ઠ શાસન એ સહીયારો પ્રયાસ છે.

નિરજજીએ કહયું હતું કે, આઝાદી બાદ વર્તમાન સમયમાં ભારતમાં સૌથી વધારે બેકારી છે. યુવા વર્ગ ફાંફા મારી રહયો છે. શિક્ષિત બેકારીનો આંક પણ ભયાવહ છે. ગુજરાતમાં આર્થીક મજબુતી હોવાનો પ્રચાર ભાજપ કરે છે. પરંતુ વાસ્તવીકતા અલગ છે. ગુજરાતમાં યુવા વર્ગ શિક્ષિત વર્ગ બેકાર છે. મોટા ઉદ્યોગો અહી છે પણ સ્થાનીકોને રોજગારી અપાતી નથી. નિરજજીએ જણાવ્યું હતું કે, જામનગર પાસે રિલાયન્સનું મોટુ ઔદ્યોગીક સંકુલ ધમધમે છે. પરંતુ આ કંપનીમાં ગુજરાતીઓને રોજગારીઓની તક ઓછી છે. સ્થાનીક શિક્ષીતોને રોજગારીની સ્થિતિ હોવી જોઇએ. જેનો અભાવ છે.

ગુજરાતની રાજકીય સ્થિતિ અંગેના સવાલમાં નિરજજીએ કહયું હતું કે, આમ આદમી પાર્ટીના કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે. એ મોદીજીના સપોટમાં છે. પોતાને અનુકુળ આવે તેવા જ મુદ્દે કેજરીવાલ મોદીજીનો વિરોધ કરે છે. આ બધુ ખુલ્લુ પડી ગયું છે. તેને લોકો નહી સ્વીકારે ઉપરાંત ભાજપના કુશાસનથી પણ ગુજરાતના લોકો ત્રસ્ત છે. આગામી ચુંટણીમાં કોંગ્રેસ માટે મોટી તક છે.

રાહુલ ગાંધી અંગે નિરજજીએ જણાવ્યું હતુ કે,  ભારતમાં એક માત્ર હિંમતવાન નેતા રાહુલ ગાંધી છે જે મોદીજીનો નક્કર વિરોધ કરે છે. આ નેતા વાસ્તવમાં લોકોનો અવાજ બન્યા છે. મોદીજી સામાન્ય મુદ્દે પણ અભિપ્રાય આપી દે છે. જયારે દેશવાસીઓ ઓકસીજનની અછતથી ગુજરી રહયા હતા. ત્યારે મોદીજી મૌન થઇ ગયા હતા. ક્રિકેટર શિખર ધવનને આંગળીમાં ઇજા થઇ તેની નોંધ મોદીજીએ લીધી અને ઝડપથી સ્વસ્થ થવા ટવીટરના માધ્યમથી શુભેચ્છા  આપી હતી. પરંતુ દેશમાં રેપકાંડો થાય છે. તે સામે મોદીજી મૌન રહે છે. કેન્દ્ર સરકારની આવી નીતીનો વિરોધ એક માત્ર રાહુલજી જ કરે છે.મુલાકાત સમયે ઉપસ્થિીત રહેલા ગુજરાત NSUI ના અધ્યક્ષ મહિપાલસિંહ ગઢવીએ જણાવ્યું હતુ કે, કોરોના કાળમાં NSUI એ ગુજરાતમાં લોકોની વચ્ચે જઇને સેવા કરી હતી. લોકહિત માટે અમે અગ્રેસર રહીએ છીએ. શિક્ષણમાં ખાનગીકરણ મામલે NSUI આંદોલન છેડશે. 

(4:07 pm IST)