Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

મૂર્તિ વિસર્જન યાત્રા સાથે ગણેશ મહોત્સવનું સમાપન

'' એક દો તીન ચાર ગણપતિકી જય જયકાર... ગણપતિબાપા મોરીયા પૂડચ્યાવર્ષી લવકરીયા '' : તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે મૂર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરાઇ હતી : અનેક સ્થળોએ ઘરે ઘરે જ મુર્તિ વિસર્જન

રાજકોટ તા. ૨૦ : 'ગણપતિબાપા મોરીયા, પૂડચ્યાવર્ષી લવકરીયા'... હે બાપા આવતા વર્ષે ફરી વહેલા પધારજો! તેવી પ્રાર્થના સાથે ગઇકાલે ગણપતિદાદાને ભકતસમુદાયે ભાવથી વિદાય આપી હતી.

તંત્ર દ્વારા જુદા જુદા સ્થળોએ સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે મુર્તિ વિસર્જન માટે વ્યવસ્થા કરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તો ઘરે ઘરે સ્થાપન કરનારા લોકોએ ઘરે ઘરે જ મુર્તિ વિસર્જન કર્યુ હતુ.

રાજકોટમાં આયોજીત મોટાભાગના ગણેશો મહોત્સવનું ગઇ કાલે મૂર્તિ વિસર્જન સાથે સમાપન કરાયુ હતુ. દિવ્ય મૂર્તિ સ્થાપન કરી તેમી સમક્ષ છેલ્લા દસ દસ દિવસથી પુજન આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમો ધમધમી રહ્યા હતા ત્યાં ગઇકાલથી કાર્યક્રમોને વિરામ અપાયો છે.

એકધારી આટલા દિવસથી દાદાની ભકિત કર્યા બાદ મૂર્તિને વિદાય આપવાની ઘડી આવતા ભાવિકોના હૈયા ભાવવિભોર બની ગયા હતા. ભારે હૈયા અને વહેતી આંખોએ ગણેશજીની મૂર્તિને વિસર્જન માટે વિદાય અપાઇ હતી. તો સાથો સાથ આવતા વર્ષે ફરી વહેલા પધારજો એવું આહવાન પણ અપાયુ હતુ.

(3:58 pm IST)