Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ભકિતના શબ્દોમાં જે ઓગળી જાય છે તે પરમાત્મા સાથે ભળી જાય છેઃ પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના સાંનિધ્યે માનવતા મહોત્સવનો મંગલમય પ્રારંભ

રાજકોટ,તા.૨૦: ભકિતના ભાવોમાં ઓળદ્યોળ બનીને સ્વયંના અસ્તિત્વને ઓગાળીને ગુરૂ પરમાત્મારૂપી પરમ તત્ત્વમાં એકાકાર થઈ જવાના મધુર સૂરો સાથે, રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આયોજિત સપ્ત દિવસીય માનવતા મહોત્સવનો મંગલમય પ્રારંભ, પરમધામ સાધના સંકુલના પાવન પ્રાંગણે કરવામાં આવ્યો હતો. આ અવસરે વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વીરમતીબાઈ મ. તેમજ પૂજય શ્રી પરમ ઋષિમિત્રાજી મ.એ ગુરૂ તત્ત્વની મહત્ત્।ા સમજાવતું પ્રેરણાત્મક પ્રવચન આપી સહુને પ્રેરિત કર્યા હતા.

છેલ્લા ૪૩ વર્ષથી સમગ્ર ભારતમાં અલગ અલગ ક્ષેત્રમાં ચાતુર્માસ બિરાજતાં એવા દરેક પંથના દરેકે દરેક સંતસતીજીઓના ચાતુર્માસ સ્થાનની વિગતવાર માહિતીનું સંકલન કરી રહેલા બાબુલાલજી જૈન દ્વારા સંકલિત આ વર્ષની ચાતુર્માસ સૂચિ પુસ્તિકાનું વિમોચન દિલ્હીના દિલીપભાઈ ધોળકિયા, પ્રવીણભાઈ પારેખ, લલિતભાઈ બાવીશી, તેમજ દુબઈના પરાગભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. બાબુલાલજી જૈનના પુરૂષાર્થની પ્રશસ્તિ કરતા અવસરે એમનુ સન્માન કરવામાં આવ્યું હતું.

વિશેષમાં પૂજય શ્રી પરમ પ્રતિષ્ઠાજી મ. , પૂજય શ્રી પરમ ઋષિતાજી મ. , તેમજ પૂજય શ્રી પરમ પાવનતાજી મ., પૂજય શ્રી પરમ આત્મિયાજી મ. જયારે આજરોજ નવમા ઉપવાસની આરાધના સાથે આગળ વધી રહ્યા છે. સાથે જ આ અવસરે દિલ્હીના ધોળકિયા પરિવારના ધર્મવત્સલા અનિલાબેન દિલીપભાઈ ધોળકિયાના ૧૬ ઉપવાસની આરાધનાની નિર્વિદ્યન સંપન્નતા પર તેમને પારણાં કરાવવામાં આવ્યા હતા. ઉપરાંતમાં રાજકોટ અર્હમ યુવા સેવા ગ્રુપ તેમજ પારસધામ યુથ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ ભાવિકોને સાધર્મિક સહાય અર્પણ કરાયેલ.

તા.૨૬ રવિવાર સુધી સાત દિવસ ચાલનારા માનવતા મહોત્સવ અંતર્ગત દરરોજ દેશ વિદેશનાં ભાવિકો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોની પ્રસ્તુતિ સાથે ગુરૂચરણમાં ભાવ-ભકિત અને શુભેચ્છા વંદનાની અર્પણતા કરવામાં આવશે. ઉપરાંતમાં સાત દિવસ સુધી દેશના અનેક ક્ષેત્રોમાં અબોલ જીવોને, જરૂરિયાતમંદ ગરીબ લાચાર ભાવિકોને, અનેક અનેક સામાજીક સંસ્થાઓ, અનાથાશ્રમો, વૃદ્ઘાશ્રમો, પાંજરાપોળોને સહાય આપીને માનવતા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 

(3:21 pm IST)