Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જામનગર રોડ સંજયનગરમાં ખાડામાં ન્હાવા જતાં ડૂબી જવાથી બજરંગવાડીના ૧૪ વર્ષના છાત્ર શાહિદનું મોત

ત્રણ દિવસ પહેલા ભરવાડ પરિવારના લાડકવાયાનો પણ આ ખાડાએ ભોગ લીધો'તો : શાહિદ કપીંજલ સ્કૂલમાં ૯મું ભણતો હતોઃ દિકરાના મોતથી સંધી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૦: ભારે વરસાદને પગલે નદીનાળા અને શહેર ગામોમાં આવેલા ચેકડેમો, ખાડાઓ પાણીથી છલોછલ ભરાઇ ગયા છે. આવા સ્થળોએ જો સાવચેતી રાખવામાં ન આવે તો જોખમી બની શકે છે. છોકરાઓ ન્હાવાની લાલચમાં ઘણીવાર આકસ્મીક દૂર્ઘટનાનો ભોગ પણ બની જાય છે. શહેરના જામનગર રોડ પર સંજયનગર પાસે આવેલો મોટો ખાડો વરસાદી પાણીથી ભરાઇ ગયો છે. આ ખોડો ચાર દિવસમાં બે પરિવારના લાડકવાયા માટે મોત બની ગયો છે. ચાર દિવસ પહેલા ભરવાડ પરિવારના દિકરાનું ડૂબી જતાં મોત નિપજ્યા બાદ ગઇકાલે બજરંગવાડીના સંધી મુસ્લિમ પરિવારના ૧૪ વર્ષના પુત્રનું ખાડામાં ન્હાવા પડતાં ડૂબી જવાથી મોત થયું છે.

જાણવા મળ્યા મુજબ બજરંગવાડીમાં ઉસ્માનીયા મસ્જીદ પાસે રહેતાં દિલાવરભાઇ વલીમહમદ ઓઠા (સંધી) અને હમીદાબેન દિલાવરભાઇ ઓઠાનો પુત્ર શાહિદ (ઉ.વ.૧૪) સાંજે છએક વાગ્યે બીજા છોકરાઓ સાથે સંજયનગરના પાણીના ખાડા પાસે રમવા ગયો હતો. એ પછી તેને ન્હાવની ઇચ્છા થતાં ખાડામાં કૂદ્યો હતો. પરંતુ કાદવ હોઇ તેમાં ખુંપી જતાં ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં લોકો દોડી ગયા હતાં અને શાહિદને બેભાન હાલતમાં બહાર કાઢી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ તબિબે તેને મૃત જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

શાહિદ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને કપીંજલ સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતો હતો. તેના પિતા દિલાવરભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. શાહિદના સગા આસીમભાઇએ કહ્યું હતું કે સંજયનગરના પાણીના ખાડામાં ચાર દિવસ પહેલા ભરવાડ પરિવારનો એક છોકરો હાજતે ગયો ત્યારે પગ લપસતાં અંદર પડી જતાં ડૂબી જવાથી મોત થયું હતુ઼. એ જ ખાડામાં અમારા પરિવારના લાડકવાયાનું પણ ડૂબી જતાં મોત થયું છે.

હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામા અને અનોપસિંહ ઝાલાએ જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ પી. એમ. અકવાલીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. 

(3:17 pm IST)