Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કુવાડવાની કરોડોની કિંમતી જમીનનો બોગસ વેચાણના કેસમાં હાઇકોર્ટ દ્વારા પોલીસ તપાસ સ્થગિત કરવા હુકમ

રાજકોટ,તા. ૨૦: રાજકોટના કૂવાડવા ગામની કરોડો રૂપીયાની કિંમતી જમીનનો ખોટો વેંચાણ કરાર ઉભો કરી અદાલતમાં જમીનની માલીકીનો દાવો કરનાર હિંમતભાઈ મનુભાઈ ઉદાણી વિરૂઘ્ધ રાજકોટના કૂવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફોર્જરી તથા ચીટીંગની એફ.આઈ.આર. રદ કરવા અરજી દાખલ કરાતા હાઈકોર્ટે પોલીસ તપાસ સહિતની તમામ કાર્યવાહીઓ સ્થગિત કરતો આદેશ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાના કૂવાડવા ગામના રેવન્યુ સર્વે નં. પ૪પ પૈકીની ૪–એકર, ૭–ગુંઠા જમીન જાદવજીભાઈ ભુટાભાઈ ઢોલરીયા તથા મણીબેન ભુટાભાઈ ઢોલરીયા પાસેથી સને–૧૯૯૯ માં કરાર કરી ખરીદી લીધેલ હોવાનુ જણાવી કરારના વિશિષ્ટ પાલન માટે અને જમીનમાં સને–૧૯૯૯ બાદ કરવામાં આવેલ અલગ અલગ દસ્તાવેજો રદ કરવા રાજકોટની દિવાની અદાલતમાં દાવો આરોપી હિંમતભાઈ મનુભાઈ ઉદાણીએ દાખલ કરેલ હતો. દાવા સાથે રજૂ કરેલ તા.૧પ/૦૧/૧૯૯૯ નો વેંચાણ કરાર બનાવટી અને ઉભો કરેલ હોવાનું જણાવી હરેશ કોટકે પોલીસમાં અરજી કરી વેંચાણ કરારમાં મણીબેન ભુટાભાઈનું અંગુઠાનું નિશાન ખોટું હોવાના એફ.એસ.એલ. રીપોર્ટ રજૂ કરતા પોલીસ દ્વારા હિંમતભાઈ મનુભાઈ ઉદાણી તથા તેને દિવાની દાવામાં સહયોગ આપનાર મણીબેન ઢોલરીયાના પુત્ર અને વારસદાર લલીતભાઈ જાદવજીભાઈ ઢોલરીયા વિરૂઘ્ધ કૂવાડવા પો.સ્ટે.માં ઈ.પી.કો. કલમ–૪૬પ, ૪૬૭, ૪૭૧, ૧૯૧, ૧ર૦ (બી) વિગેરે મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો.

આરોપી વિરૂઘ્ધ ગુન્હો દાખલ થતાં આરોપી હિંમત મનુભાઈ ઉદાણીએ તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત સૌપ્રથમ રાજકોટની સેશન્સ અદાલતમાં ધરપકડથી રક્ષણ માટે આગોતરા જામીન મેળવેલ અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ તપાસ ગેરકાયદેસર હોય એફ.આઈ.આર. રદ કરવા અરજી દાખલ કરેલ.

અરજદાર હિંમત મનુભાઈ ઉદાણી તરફે શ્રી ગોકાણી દ્વારા ઉઠાવાયેલ પેચીદો કાનુની મુદ્દો નિર્ણિત કરવો જરૂરી હોવાનુ માની ગુજરાત હાઈકોર્ટ દ્રારા ન્યાયિક મુદૃાઓનો નિર્ણય કરવા માટે પોલીસને નોટીસ ફટકારી જવાબ આપવા જણાવેલ અને હાઈકોર્ટ પોતાની સમક્ષના કાનુની મુદૃાઓનો ન્યાયિક નિર્ણય ન કરે ત્યાં સુધી અરજદાર સામે નોંધાયેલ એફ.આઈ.આર.માં પોલીસની તપાસ તથા આનુસાંગીક તમામ કાર્યવાહીઓ સ્થગીત કરતો આદેશ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી હિંમત ઉદાણી વતી ધારાશાસ્ત્રી શ્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ રોકાયેલ છે. 

(3:16 pm IST)