Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજકોટ જીલ્લાના ૧૮ લીઝ ધારકોએ મંજૂરી વગર વેચી નાંખતા ખળભળાટ

કલેકટર સુધી ફરીયાદ પહોંચતા તપાસના આદેશોઃ ર૦૧૭ પહેલાની ૧૮ સીઝ ધારકોએ લાખો-કરોડોની રોકડી કરી લીધી : ખાણ-ખનીજના અમુક અધિકારીઓની મીલી ભગતઃ લીઝના વેચાણના સોદા કરાવતા હોવાની વિગતો બહાર આવતા સન્નાટો : રાજકોટ-ધોરાજી સહિતના પંથકની કુલ ૧૮ ખાણો અંગે રાા વર્ષ પહેલા ચૂકાદા બાદ આ લીઝ માલીકોએ અન્ય પાર્ટીને રેતી-કપચીની લીઝો વેચી નાખીઃ ફરીયાદની ફાઇલ કલેકટર સુધી નહિ પહોંચવા દેવાતા તંત્ર ચોકી ઉઠયુ

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ જીલ્લાના ૧૭ થી ૧૮ જેટલા લીઝ ધારકોએ પોતાને અપાયેલ લીઝ કલેકટર તંત્ર અને ખાણ-ખનીજ ખાતાની મંજૂરી વિના બારોબાર વેચી નાખ્યાનું અને લાખો-કરોડોનું જબરૂ કૌભાંડ આચર્યાની કલેકટરને ખાણ-ખનીજ ખાતાને ફરીયાદ થતા ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડ અંગે કલેકટરે તપાસના આદેશો કર્યાનું અને રીપોર્ટ મંગાવ્યાનું બહાર આવ્યું છે, આંચકાની વાત એ છે કે ખાણ - ખનીજ ખાતામાં ફરીયાદ આવી છે, અને રીપોર્ટ ટુ કલેકટર એવુ લખ્યું હોવા છતાં કલેકટર સુધી આ ફાઇલ નહી પહોંચતા અને ખાણ-ખનીજના અમૂક અધિકારીઓએ ફાઇલ દબાવી દીધાનું બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે, બીજી આંચકાની વાત એવી છે કે આવી લીઝો વેચવાના સોદામાં ખાણ-ખનીજના એક અધિકારી મોટો ભાગ ભજવી રહ્યાનું અને કહેવાતા મોઢા મીઠા કરી રહ્યાનું બહાર આવ્યું છે.

સમગ્ર કૌભાંડ અંગે મળતી વિગતો મુજબ ર૦૧૭ થી રાજકોટ સહિત રાજયભરમાં ખાણ-ખનીજ ખાતામાં લીઝનું રાજય સરકારે ઇ-ઓકશન કરી નાખ્યુ છે, પરીણામે સરકારને કરોડોની આવક થઇ રહી છે.

લીઝમાં એક નિયમ હોય છે કે, જેમને લીઝ અપાઇ હોય તે લીઝ ધારક જો મંજૂરી વગર અન્ય પાર્ટીને લીઝ ભાડે આપે કે વેચાણ કરે તો શરતભંગ ગણાય અને આવી લીઝ સરકાર હસ્તક દાખલ કરાય.

હવે આવુ જ થયું છે, ઉપરોકત ૧૮ જેટલા લીઝ ધારકોએ કલેકટર તંત્ર કે ખાણ - ખનીજ ખાતાની મંજૂરી વગર પ૦ લાખથી માંડી ર થી ૩ કરોડમાં બીજી પાર્ટીને લીઝ વેચી નાખ્યાનું બહાર આવ્યું છે, અને આ મતલબની ચોંકાવનારી ફરીયાદ ખાણ - ખનીજના અધિકારી સમક્ષ થઇ છે, પરંતુ બે મહિનાથી કોઇ તપાસ થઇ નથી, અરે રાજકોટનાં જ એક પાર્ટી એ ૭ થી ૮ લીઝ વેચી નાખ્યાનું બહાર આવ્યું છે, જો આ તમામ ૧૮ લીઝમાં તપાસ કરાય તો મુળ માલીકને બદલે અન્ય કોઇ બીજી પાર્ટી લીઝ ચલાવતી હોવાની વિગતો બહાર આવી છે.

આવી લીઝો વેચવામાં ખાણ-ખનીજના કેટલાક કર્મચારી - અધિકારીઓ સોદા કરાવતા હોવાની કલેકટરને રાવ થઇ છે, કલેકટર તંત્ર પણ ચોંકી ઉઠયું છે, તપાસના આદેશો થયા છે, તમામ વિગતો મંગાવાઇ છે.જો રાજકોટનું  ખાણ-ખનીજ ખાતુ તપાસ કરે તો, તમામ ૧૮ લીઝ સરકાર હસ્તક લઇ લેવી પડે તેવો તાલ સજાર્યો છે.

(3:33 pm IST)