Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજકોટ મ.ન.પા.ની વેબસાઇટ પર કોવિડની માહિતી પર ઢાંક પીછોડો

૧ મહીના અગાઉ કોવિડ-૧૯ની વેબસાઇટ પર કેસના આંકડા સંક્રમિત વિસ્તારો સહિતની તમામ વિગતો જાહેર થતી હતી : એકાએક માહિતી બંધ કરી દેવાતાં અનેક તર્ક વિતર્કો : સુરત, અમદાવાદ, વડોદરા, ગાંધીનગરની મહાનગરપાલિકાઓ તમામ માહિતી જાહેર કરે છે

અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર મહાપાલિકાની વેબસાઇટ પર કોવિડ-૧૯ની વિગતો જાહેર થઇ રહી છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ,તા. ૧૯: અત્રેની મ.ન.પાની સતાવાર વેબ સાઇટ પર અગાઉ કોવિડ-૧૯ અંગેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા ૧ મહીનાથી આ અંગેની માહિતી જાહેર કરવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં કોરોના સંક્રમણ ફેલવા લાગ્યું ત્યારે મ્યુ. કમિશનર ઉદીત અગ્રવાલે અંગત રસ લઇ અને આખુ કોવિડ-૧૯ ડેશબોર્ડ તૈયાર કરાવેલ જેમાં કોરોના દર્દીની સંખ્યા પોઝીટીવનાં સંપર્કમાં આવી કોરન્ટાઇન થયેલા લોકોની વિગતો કન્ટેન્ટ મેન્ટ ઝોનની વિગતો વગેરેના નામ-સરનામા-વિસ્તારોની વિગતો માત્ર એક કલીક કરવાથી મળી જતી હતી. આ ડેશબોર્ડનું સંચાલન પણ વ્યવસ્થિત થતુ હતું. અને દરરોજ માહિતી અપડેટ કરી તાજી માહિતી ઉપલબ્ધ બનતી હતી.

પરંતુ છેલ્લા ૧ મહીનાથી કોરોના કેસમાં અત્યંત ગતી પૂર્વક વધારો કોરોનાનો થવા લાગ્યો અને મૃત્યુદર પણ વધવા લાગ્યો. ત્યારબાદ મ.ન.પા.ની સતાવાર વેબસાઇટ ઉપર કોવિડની માહિતી બંધ થઇ ગઇ છે.

આમ, એકાએક કોવિડ-૧૯નાં કેસના આંકડા સહિતની વિગતો જાહેર નહીં થતા આ ઢાંક પીછોડો કરવા પાછળનું કારણ શું તેવો પ્રશ્ન લોકોમાં  ઉઠવા પામ્યો છે.

અત્રે ખાસ નોંધનિય છે કે, સમગ્ર ગુજરાતની મોટી મહાનગરપાલિકાઓ પૈકી એક માત્ર રાજકોટમાંજ કોવિડ-૧૯ની વિગતો જાહેર કરવાનું બંધ થયું છે.

કેમ કે અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર વગેરે મહાપાલિકાઓની કોવિડ-૧૯ વેબસાઇટ ઉપર કેસની સંખ્યા સંક્રમિત લોકોની ઉપરનો રેશિયો, મૃત્યુદર કન્ટેન્ટમેન્ટ ઝોન, કોરન્ટાઇનની સંખ્યા, એકટીવ કેસની સંખ્યા, સાજા થયેલા લોકોની સંખ્યા વગેરે તમામ માહિતીઓ આજે પણ જાહેર કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં એકાએક આ માહિતી જાહેર કરવાનું બંધ કરી દેવાતા અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.

(2:30 pm IST)