Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

લાખાજીરાજ રોડ પર ફેરિયા-પાથરણાવાળાનો ત્રાસ દૂર નહીં થાય તો બંધ પળાશેઃ વેપારીઓનું અલ્ટીમેટમ

વેપારી એસો. દ્વારા મ્યુ. કમિશ્નર-પોલીસ કમિશ્નરને રજૂઆત : કેટલાક ફેરિયા દુકાનો સામે રોડની જગ્યા ભાડે આપે છે

લાખાજીરાજ રોડ પર દુકાનો સામે ફેરિયા-પાથરણા વાળાનો ત્રાસ દુર કરવા અંગે મ્યુ. કમિશ્નર ત્થા પોલીસ કમિશ્નરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે જે અંગે 'અકિલા' કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન વિગતો આપી રહેલાં વેપારીઓ દર્શાય છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ, તા. ૨૦ :. શહેરના હાર્દસમા વેપારી વિસ્તાર સર લાખાજીરાજ રોડ પર ફેરિયા - પાથરણાવાળાઓનો અનહદ ત્રાસ દૂર કરવા વેપારીઓએ મ્યુ. કમિશ્નરશ્રી તથા પોલીસ કમિશ્નરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે અને જો આ ત્રાસ દૂર નહી થાય તો બજાર બંધનું એલાન આપવાની ચિમકી ઉચ્ચારી છે.

આ અંગે વેપારીઓએ આવેદનપત્રમાં જણાવ્યુ છે કે, રાજકોટના સૌથી જૂના અને ઐતિહાસિક ૧૦૦ વર્ષ જૂના સર લાખાજીરાજ રોડ ઉપર દર દશ મીનીટે ટ્રાફીકજામ થઈ જાય છે. આ રોડ ઉપરથી રીક્ષા-રેંકડીના ખોટા દબાણો તાત્કાલિક દૂર કરવા માંગ છે. તેમજ સ્ટેન્ડ વીના રીક્ષાઓ રસ્તાની વચ્ચે ટ્રાફીકને અડચણ થાય તે રીતે  ઉભી રહેછે. તે સમસ્યા દુર કરવી જોઇએ.

સર લાખાજીરાજ રોડ ઉપર હાલમાં એકપણ રેગ્યુલર કે ટ્રાફીક પોલીસ ડયુટી ઉપર નથી. મોટે ભાગે ગૃહિણીઓ-યુવતીઓ ખરીદી માટે આવતી હોય, રોજ માટે પોલીસ બંદોબસ્ત ખાસ જરૂરી છે. ઉપરાંત ટ્રાફીકને અડચણરૂપ દબાણની સમસ્યા પોલીસ તંત્ર અને કોર્પોરેશન સાથે મળીને ઉકેલ તે જરૂરી છે.

હાલની પરિસ્થિતિમાં રોડ ઉપર ચાલી શકાય તેમ પણ નથી. આડેધડ પાર્કિગ, દબાણો વિ.થી ચાલવા માટેની ફુટપાથો દેખાતી પણ નથી. અકસ્માતે પોલીસવાન, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રીગેડ પણ નીકળી શકે તેમ નથી. આ રોડ વન-વે છે, પણ અમલ થતો નથી. ટ્રાફીક સમસ્યાને લઇને આ રોડ ઉપર (ત્રિકોણ બાગથી પ્રહલાદ સીનેમા સુધી) થ્રી અને ફોર વ્હીલરને પ્રવેશ બંધી-નો એન્ટ્રી કરવાથી ટ્રાફીક સમસ્યા હલ થશે. ફકત ટુ વ્હીલરને જ પરમીશન આપવી તેવું અમારૃં સૂચન છે.

પાથરણાવાળાઓનો ત્રાસ વધતો જાય છે. તેઓની દાદાગીરીથી વેપારીઓ ત્રાસી ગયેલ છે. પાથરણાવાળાઓ પાસે હથિયાર પણ હોય છે. તહેવારો માથે હોય, તાત્કાલિક આ બાબતમાં અમલ કરાવશો, નહિંતર અમો વેપારીઓને અમારી દુકાન-ધંધા બંધ કરવાની ફરજ પડશે, જેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચિમકી રજુઆતમાં અંગે ઉચ્ચારાઇ છે.

આ ઉપરાંત કેટલાક ફેરિયાઓ દુકાનો સામે રોડ પરની જગ્યા બારોબાર ભાડે આપી દેતા હોવાનુ પણ રજુઆતમાં જણાવાયુ છે.

આ રજુઆતમાં ફખરી ગ્લાસવેર્સ, શુભકામના, ઉદયચશ્માઘર ડ્રેસીઝ સહીતની દુકાનોના ૨૫ થી વધુ વેપારીઓ જોડાયા હતા.

(3:52 pm IST)