Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

મવડીના પ્લોટમાં હાઇરાઇઝ વ્રજવિલાના બિલ્ડરને દાવામાં પક્ષકાર જોડવા કોર્ટનો હુકમ

રાજકોટ તા ૨૦  : મવડી  સર્વે નં.૯૦/૧ ના પ્લોટમાં હાઇરાઇઝ ''વ્રજવિલા'' ના બીલ્ડરને દાવામાં પક્ષકાર તરીકે જોડવાનો કોર્ટ હુકમ કર્યો હતો.

 આ દાવાની હકીકત એવી છે કે, રાજકોટના મવડી ના રે.સ.નં.૯૦/૧ ના બીનખેતી પ્લોટોને રાજકોટ મ્યુ. કોર્પો. પ્રપોઝડ પ્લાન નં. ૩૮૯૬ તા. ૨૭-૧૨-૧૯૯૯ થી પુજા ડેવલોપર્સના અનિરૂધ્ધસિંહ જીલુભા જાડેજાએ મંજુર કરાવેલ છે અને તે કુલ-૧ થી ૮૪ પ્લોટસોનું વેચાણ અલગ અલગ વેચાણ દસ્તાવેજથી કરેલ છે. તે પૈકી પ્લોટ નં.૬૦ (૧૫+૨૦/ડી) જમીન ચો.વા. ૧૫૦-૦૦ વિજય પ્રભુલાલ દવે- એડવોકેટ વિગેરેનાએ રામજીભાઇ નારણભાઇ રાછડીયા પાસેથી પુરી વેચાણ કિંમત ચુકવીને ખરીદ કરેલ છે, અને ત્યારથી સદરહુ પ્લોટની માલીકી કબજો ભોગવટો સતત અમારો આવેલ છે.

આમ છતાં પણ શીતલ પ્રીમાઇસીસ પ્રા.લી. ના શશીન બુચ દ્વારા સદરહુ પ્લોટમાં ગેરકાયદેસર પ્રવેશ કરતા હોવાથી અમોએ રાજકોટ સીવીલ કોર્ટમાં રે.દિ. કેસ નં.૩૮૧/૨૦૦૯ થી દાવો દાખલ કરેલ અને સદરહુ દાવામાં બંને પક્ષકારોને સાંભળીને શીતલ પ્રીમાઇસીસની વિરૂધ્ધ કામચલાઉ મનાઇ હુકમ દાવાના આખરી નિકાલ સુધી આપેલ છે.

આ કોૈંભાડ આચર્યા બાદ અશોક વાલજી મોરીધરાએ તદન ખોટા અને બોગસ દસ્તાવેજોના આધારે રાજકોટ મ્યુ. કોર્પો.માંથી બાંધકામ પરવાનગી મેળવી ''વ્રજવિલા'' હાઇરાઇઝનું બાંધકામ ચાલુ કરેલ. જેના કારણે અમો વાદીને થતા, અમોએ તાત્કાલીક રે.દિ. કેસ નં. ૩૮૧/૦૯ માં પક્ષકાર તરીકે જોડવા અરજી કરેલ અને રાજકોટ મ્યુ. કોર્પોરેશન સામે પણ બાંધકામ પરવાનગી રદ કરવા રે.દિ.કેસ નં. ૧૬૮/૧૯ થી દાવો દાખલ કરેલ છે.

ઉપરોકત દિ. કેસ નં. ૩૮૧/૦૯ માં ચાલુ મનાઇ હુકમનું પાલન કરાવવા બન્ને પક્ષકારોના દસ્તાવેજી પુરાવાઓ તથા દલીલો ધ્યાને લઇ હાલના બાંધકામ કરનાર '' અશોક વાલજી મોરીધરા તથા દિનેશ ગોરધન હરણેસાને પક્ષકાર તરીકે જોડવા સીવીલ જજે હુકમ ફરમાવેલ છે.તેમજ અશોક વાલજી મોરીધરાએ  હુકમ સ્ટે કરવા અરજી આપેલ તે પણ નામંજુર કરવામાં આવેલ છે.

આ કામમાં વાદી વિજય પી.દવે એડવોકેટ વિગેરે વતી રાજકોટના યુવા ધારા શાસ્ત્રી જયેશ એન. અતીત રોકાયેલા હતા.

(3:51 pm IST)