Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની ગુજરાત પ્રાંત કાર્યકારિણી બેઠક યોજાઇ

રાજકોટ તા ૨૦ :  અખિલ ભારતીય ગ્રાહક પંચાયતની '' ગુજરાત પ્રાંત કાર્યકારીણી'' બેઠક રાજકોટ ખાતે મળી હતી. રાષ્ટ્રીય સહસચિવ જયંત કથિરીયા તેમજ નિવૃત સિવિલ જજ એન.એમ. ધારાણી, અગ્રગણ્ય નાગરિકો, ગ્રાહક પંચાયતના સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથીશ્રીએ ગ્રાહકની આજના બજારમાં જે દયાજનક સ્થિતિ છે, તે પર બોલતા જણાવ્યું કે આજે પ્રત્યેક વ્યકિત પાસે સમયનો અભાવ હોવાના કારણે ખરીદી સમયે કેટલીક બાબતો ચકાસવાનું ગ્રાહક ટાળતી હોય છે, તે જ બાબત ગ્રાહક સમુહને અસંગઠિત બનાવે છે અને સામે પક્ષે વેપારીને સંગઠિત બનાવે છે. સમયની માંગ છે કે આજે ગ્રાહક સુશિક્ષિત બને, પોતાના હક્ક અને સાથે સાથે ફરજને પણ જાણે અને ખરીદી સમયે સતર્ક રહે, જેથી છેતરાવાનો કે લૂંટાવાનો વારો ન આવે.

ગ્રાહક પંચાયતના રાષ્ટ્રીય સહસચિવ જયંત કથિરિયાએ કહ્યું કે, આર્થિક જગતનો મૂળ આધાર ગ્રાહક છે, એ વાતનું સ્મરણ કરાવવાનો આ સમય છે. ગ્રાહક એ બઝારનો રાજા છે, પરંતુ આજે ગ્રાહકની બેદરકારી અને વેપારીની હોશિયારીને લીધે ગ્રાહક બિચારો, એકલો અને અસંગઠિત અવસ્થામાં છે. જેના પુનઃ જાગરણ માટે રાજકોટ શહેરમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનું કાર્ય વ્યાપક સ્તરે શરૂ કરવામાં આવ્યું છે. ગ્રાહક પંચાયત સંઘર્ષમાં નહિ, પરંતુ સમન્વયના સિદ્ધાંતને અનુસરીને ગ્રાહક સમસ્યાનું સમાધાન અને નિવારણ કરવામાં માને છે. વિશેષમાં રાજકોટ શહેરમાં જનતા જાગરણ અને જનવાણીના કાર્યક્રમોનું આયોજન થશે અને હાલમાં જ હિમાચલ સોલન ખાતે થયેલ રાષ્ટ્રીય સાધારણ સભામાં પર્યાવરણ અને '' નો પ્લાસ્ટિક'' ના કાર્યક્રમને શહેરમાં વેગવંતા બનાવવા માટે વિધ વિધ જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ભરત કોરાટ, ચેતન મજેઠીયાએ જણાવ્યું હતું.

(3:40 pm IST)