Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ટેલિકોમ કંપનીના નામે ઠગાઇનો આંક ૨૭ કરોડ સુધી!

દેવાંગ ચુડાસમાએ ઓઇએન (OEN) ટેલિકોમ કંપનીમાં પૈસા રોકાણ કરવાથી કમિશન પેટે ૬ ટકા રકમ મળશે તેવો વિશ્વાસ આપી કરોડો ઉઘરાવનારના ખાતામાં હાલ મામુલી રકમ! : ખાદીભવન સામે સન આર્કેડમાં આવેલી ઓફિસને તાળા મારી દેવાંગ છનનન થઇ જતાં રોકાણકારોમાં દેકારો મચી ગયો હતોઃ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે દબોચી વિશીષ્ટ ઢબે પુછતાછ શરૂ કરીઃ સોૈરાષ્ટ્રભરમાં છેતરપીંડી કર્યાની શકયતા : સુત્રધાર દેવાંગના ૧૪ દિવસના રિમાન્ડ મંગાશે

ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, પી.આઇ. આર. વાય. રાવલ, પીએસઆઇ પી.એમ. ધાખડા અને ટીમ તથા ઝડપાયેલો દેવાંગ નિતીનભાઇ ચુડાસમા (મોચી) (ઉ.૨૪) જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૦:  ખાદીભવન પાસે ઓફિસ ધરાવતાં જામનગર રોડ શ્રીજી પાર્ક ગોકુલ બંગલોઝમાં રહેતાં મોચી શખ્સ દેવાંગ નિતીનભાઇ ચુડાસમાએ બોટાદના તરઘરા ગામના કાઠી યુવાન સાથે ઓઇએન (OEN) ટેલિકોમ કંપનીમાં નાણાનું રોકાણ કરવાથી ૬ ટકા લેખે કમિશન મળશે તેવી લાલચ વિશ્વાસ-વચન આપી રૂ. ૬૫,૭,૫૦૦૦ની ઠગાઇ કરતાં આ મામલે  ગુનો નોંધી ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે આરોપી દેવાંગ ચુડાસમા (ઉ.૨૪)ની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોૈરાષ્ટ્રભરમાંથી અસંખ્ય રોકાણકારોના અંદાજે ૨૫ થી ૨૭ કરોડ ચાંઉ થઇ ગયાની પ્રાથમિક વિગતો આવી રહી છે. સુત્રધાર દેવાંગના ૧૪ દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

ડીસીબી પોલીસ સ્ટેશનમાં બોટાદના તરઘરા ગામે જય વિહળાનાથ ચોરાવાળી શેરીમાં રહેતાં અને ખેતીવાડી ધરાવવા ઉપરાંત બોટાદમાં વહાણવટી ટેલિકોમ નામે મોબાઇલ રિચાર્જનો ધંધો ધરાવતાં પ્રદિપભાઇ અનકભાઇ ખાચર (ઉ.૨૫)ની ફરિયાદ પરથી જામનગર રોડ પર શ્રીપાર્કમાં રહેતાં અને ખાદી ભવન સામે સન આર્કેડમાં ઓઇએન ટેલિકોમ નામે ઓફિસ ખોલી ધંધો કરતાં મોચી શખ્સ દેવાંગ નિતીનભાઇ  ચુડાસમા સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ઠગાઇનો ગુનો નોંધાયો હતો.

પ્રદિપભાઇગામમાં વહાણવટી ટેલિકોમ નામે દુકાન રાખી મોબાઇલ ફોન બેલેન્સ રિચાર્જનું કામ કરે છે તેને આ ધંધો વધારવો હોઇ રાજકોટ રહેતાં મામાના દિકરા હિતેષભાઇ રણજીતભાઇ કોટીલા મારફત રાજકોટના  દેવાંગ નિતીનભાઇ ચુડાસમા સાથે તેની મુલાકાત થઇ હતી. પ્રારંભે દેવાંગની બે અલગ-અલગ ટેલિકોમ કંપનીમાં પ્રદિપભાઇએ નાણા રોકી કમિશન મેળવ્યું હતું. છેલ્લે દેવાંગે ખાદી ભવન ચોક સામે ઓફિસ ખોલી એ પછી ઓઇએન ટેલિકોમ કંપની ચાલુ કરી હતી. જેમાં રોકાણ કરવાથી ૬ ટકા કમિશન મળશે તેવો વિશ્વાસ આપતાં પ્રદિપભાઇએ કુલ રૂ. ૬૫,૭૫,૦૦૦નું રોકાણ કર્યુ હતુ. આ રોકાણ બાદ દેવાંગ ઓફિસને તાળા મારી ભાગી ગયો હતો. પ્રદિપભાઇએ તપાસ કરતાં તે સોૈરાષ્ટ્રભરના અનેક રોકાણકારોના કરોડો રૂપિયા ચાંઉ કરી ગયાનું જણાતાં અંતે ફરિયાદ કરી હતી.

ગુનો દાખલ થયા બાદ પોલીસ કમિશનર સંદિપસિંહ,  જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી જે.એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ એચ. એમ. ગઢવી તથા એસઓજી પી.આઇ. આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયભાઇ શુકલા, વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ, અમિતભાઇ અગ્રાવત, સોકતખાન, અનિલસિંહ ગોહિલ, યોગીરાજસિંહ જાડેજા સહિતની ટીમે તપાસ શરૂ કરી મુળ જામનગર ખંભાળીયા નાકા નાગરપરા-૨ના વતની અને હાલ જામનગર રોડ પર શ્રીજી પાર્કમાં રહેતાં દેવાંગ ચુડાસમાને ઝડપી લીધો હતો.

આજે ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-૨),  પી.આઇ. આર.વાય. રાવલ, અને પીએસઆઇ પી.એમ. ધાખડાએ પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી. દેવાંગની વિશેષ પુછતાછ કરવાની હોઇ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. અંદાજે ૨૫ થી ૨૭ કરોડની ઠગાઇ થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જો કે હાલ દેવાંગના ખાતામાં સાવ મામુલી રકમ છે. કરોડો રૂપિયા તેણે કયાંય બીજાના ખાતામાં ટ્રાન્સફર કર્યા કે કેમ? તેની સાથે બીજુ કોઇ સામેલ છે કે કેમ? સહિતના મુદ્દે વિશેષ તપાસ થઇ રહી છે.

(3:22 pm IST)