Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વશીકરણ વિધીમાંથી મુકત થવા તાંત્રિક વિધીનો સામાન અગાસીએ મુકવા જતાં ડખ્ખો

નિવૃત પીએસઆઇ કૌશલ કુરમી અને સામે વિશાલ જોષીની સામ-સામી ફરિયાદઃ તાંત્રિક વિધીથી ભાડૂઆતે મકાન પડાવી લીધાનો અને કૌશલનું અપહરણ કરી ધોલધપાટ થયાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૦: માધાપર ચોકડી પાસે રહેતાં નિવૃત પીએસઆઇના પુત્ર પર પરમ દિવસે મોરબી રોડ પર હુમલો કર્યાની ફરિયાદ થઇ હતી. આ અંગે વળતી ફરિયાદ પણ નોંધાવાઇ હતી. બનાવ અંગે માધાપર ચોકડી પાસે પરાસર પાર્કમાં રહેતાં અને મંડપ સર્વિસનો ધંધો કરતાં કૌશલ શ્રીકાંતભાઇ કુર્મી (ઉ.૨૩) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી મોરબી રોડ સાગર પાર્ક પાછળ અમૃત પાર્ક-૪માં રહેતાં વિશાલ જોષી અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. ભાડુઆતે તાંત્રિકવિધી કરી મકાનનો દસ્તાવેજ પડાવી લીધાનો આક્ષેપ થયો હતો.  મકાન માલિક દ્વારા વશીકરણ વિધી દૂર કરવા ભાડૂઆતના મકાન પર તાંત્રિકવિધીનો સામાન મુકવા જતાં ડખ્ખો થયાનું જણાવાયું હતું.

કૌશલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ૧૮મીએ રાત્રે સાડા બારેક વાગ્ય મારા મિત્રો ગૌતમ હુંબલ, અશોક પાઘડાર, હાર્દિક ચંદારાણા સાથે મોરબી રોડ રેડરોઝ હોટેલ પાસે હતાં. મારી સાથેના ગૌતમ હુંબલ કે જેને અશોક પાઘડારની વશીકરણ વિધીમાંથી મુકત થવા થવાનું હોઇ તે માટે અમે  વિશાલ જોષી કે જે મોરબી રોડ સાગર પાર્ક પાછળ અમૃત પાર્ક-૪માં રહે છે અને તાંત્રિક વિધીનું કામ કરે છે અને તેણે અશોકભાઇ  પર તાંત્રિક વિધી કરી હોઇ જેથી તેની ઘરે હું, ગૌતમ, અશોકભાઇ, હાર્દિક એમ બધા અશોકભાઇની આઇ ટ્વેન્ટી ગાડી અને બૂલેટ પર બેસી વિશાલ જોષીના ઘરે ગયા હતાં.

જ્યાં ધાબા ઉપર જઇ તાંત્રિકવિધીનો સામાન મુકતાં હતાં ત્યારે અચાનક વિશાલ જોષી જાગી જતાં ગૌતમ ભાગી ગયેલ. હું અને અશોકભાઇ નીચે ઉભા હતાં ત્યારે વિશાલ અને બીજા ત્રણ જણા પકડવા આવતાં સાથેના અશોકભાઇ કારમાં ભાગી ગયા હતાં. મારી પાસે બૂલેટ હોઇ તે ચાલુ કરવા જતાં વિશાલ અને બીજા શખ્સોએ પકડી લઇ 'અમારા ઘર પાસે શું કરો છો' તેમ કહી ગાળો દઇ બોલાચાલી કરી હતી અને મને કહેલ કે તારા વિરૂધ્ધ ફરિયાદ કરવી છે. જેથી મેં પણ કહેલ કે મને ગાળો આપી એટલે મારે પણ ફરિયાદ કરવી છે.

એ પછી હું તેના મોટર સાઇકલમાં બેસી પોલીસ કન્ટ્રોલ રૂમે જતો હતો ત્યારે રસ્તામાં વિશાલે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને હું જે કહું તે બોલતો જા નહિતર તને મારી નાંખીશ તેમ કહી બળજબરીથી મારી પાસે બોલાવેલ કે 'અશોકભાઇએ તમને બધાને મને મારવા માટે મોકલેલા છે.' આવું બળજબરીથી બોલાવી વિશાલે મોબાઇલ વિડીયો બનાવી લીધો હતો. એ પછી કન્ટ્રોલ રૂમે જતાં પહેલા રસ્તામાં ઓવર બ્રિજ ઉતરતા સાગર પાર્ક વાળી શેરીમાં બાઇક ઉભુ રાખી મને વિશાલ અને સાથેના શખ્સોએ ઝપાઝપી કરી મુંઢ માર માર્યો હતો. મારા મારીમાં વિશાલને પણ ઇજા થઇ હતી. એ પછી કન્ટ્રોલ રૂમે પહોંચતા અમને બી-ડિવીઝન પોલીસ સ્ટેશને મોકલાયા હતાં. મારા વિરૂધ્ધ ખોટો વિડીયો બનાવી ફરિયાદ કરી હતી.

હું તથા મારા મિત્રો વશીકરણની વિધીમાંથી મુકત થવા વિશાલ જોષીના ઘરે તાંત્રિકવિધીનો સામાન મુકવા ગયા હતાં. ત્યારે વિશાલ આવી જતાં મારકુટ કરી ધમકી આપી હતી.

સામા પક્ષે વિશાલ ભરતભાઇ જોષી (ઉ.૨૪)એ પણ કૌશલ કુર્મી, ગૌતમ હુંબલ, હાર્દિક ચંદારણા અને અશોક પાઘડાર વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. તેમાં ધરપકડ બાદ કૌશલ કુર્મી ગઇકાલે જામીન મુકત થયા બાદ ૧૮મીએ મારકુટ થઇ હોઇ તેનો દુઃખાવો થતો હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. કૌશલના પિતા શ્રીકાંતભાઇ કુર્મી નિવૃત પીએસઆઇ છે. તેણે કહ્યું હતું કે કૌશલનું વિશાલે તેના ઘર પાસેથી અપહરણ કરી બળજબરીથી બાઇકમાં બેસાડી કંટ્રોલ રૂમે લઇ ગયા બાદ બી-ડિવીઝન પોલીસ મથકે લઇ જઇ ફરિયાદ કરી હતી. વિશાલ જે મકાનમાં રહે છે તે પોતાનું હોવાનું અને વિશાલે પચાવી પાડ્યાનું  અને તેના કારણે માથાકુટ થઇ રહ્યાનું પણ શ્રીકાંતભાઇએ કહ્યું હતું.

(1:15 pm IST)