Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સરદારનગર સ્થા.જૈન સંઘના ઉપક્રમે વિજયભાઈની ઉપસ્થિતિમાં મા સ્વામી વિકલાંગ જન સહાય યોજનાનો પ્રારંભ

પૂ.હરિચણદાસ બાપુની પાવન પ્રેરણાથી : ક્રિકેટર ચેતેશ્વર પૂજારાની હાજરીઃ બીનાબેન અજયભાઈ શેઠ સુકૃતકર્તાઃ રાજકોટ- ગોંડલના લોકો લાભ લઈ શકશે

રાજકોટ,તા.૧૪: શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘનાં ઉપક્રમે મા સ્વામી વિકલાંગજન સહાય યોજનાનો પ્રારંભ ગોંડલમાં પૂજય હરીચરણદાસ બાપુની પાવન પ્રેરણાથી થઈ રહયો છે, જેના સુકૃતકર્તા છે મુંબઇ (શાયન) નાં શ્રીમતિ બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર છે.

ગોંડલમાં પૂજય હરીચરણદાસ બાપુની નિશ્રામાં તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા ચેતેશ્વર પૂજારાની ઉપસ્થિતીમાં ગત તા.૧૧ને બુધવારનાં રોજ યોજાયેલા શ્રીમદ્દ ભાગવત સપ્તાહનાં પૂર્ણાહુતીનાં કાર્યક્રમમાં મા સ્વામી વિકલાંગજન સહાય યોજના માં સ્વામીનાં અનન્ય ભકત મુંબઈ (શાયન) નિવાસી  અજયભાઈ શેઠ દ્વારા આ વિકલાંગજન સહાય યોજનાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. આ યોજના રાજકોટ તથા ગોંડલ વસતા નાગરીકો માટે રહેશે.

રાજકોટ ખાતે ગત તા.૧૫ ડીસેમ્બર ૨૦૧૮નાં રોજ પ્રેમ, દયા, મૈત્રી, કરૂણા, અનુકંપા, માનવતા, આત્મિયતા, વાત્સલ્યતા, જીવદયા, ક્ષમા, પરોપકાર સમા અપાર ગુણોના સ્વામી, વિરલ વિભૂતિ મા-સ્વામી પૂ.જયવિજયાજી મહાસતીના જીવનમાંથી ઉપદેશ ગ્રહીને માં સ્વામી શિક્ષણ સહાય યોજના, માં સ્વામી સ્વરોજગાર સહાય યોજના તથા માં સ્વામી જીવદયા સહાય યોજના શરૂ કરવામાં આવેલ હતી. જે અંતર્ગત જીવદયા સહાય યોજના હેઠળ રાજકોટની આજુબાજુનાં વિસ્તારની ગૌશાળામાં દરરોજનાં ૩૦૦૦ લાડુઓ ગાયમાતાને ખવડાવવાનું ભગીરથ કાર્ય થઈ રહયું છે. જેનો શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘને વિશેષ આનંદ છે તેમ પ્રમુખ હરેશભાઈ વોરાએ જણાવેલ.

આ વિકલાંગજન યોજનાનો લાભ લેવા અર્થે સુકૃતકર્તા શ્રીમતી બીનાબેન અજયભાઈ શેઠ પરિવારનો રાજકોટ તથા ગોંડલનાં તમામ સમાજને ખાસ અનુરોધ છે. ઉપરોકત કાર્યક્રમાં અરવિંદભાઈ દેસાઇ (ગોડા), બંદીશભાઈ અજમેરા,  મનોજભાઈ અજમેરા ખાસ ઉપસ્થિત રહયા હતા.

 વિકલાંગજન યોજના માટે અરજદારે સંસ્થાના નિયત ફોર્મમાં જ અરજી કરવાની રહેશે. આ ફોર્મ શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જેન સંઘ કાર્યાલય, ૯/૧૪ સરદારનગર, રાજકોટ ખાતેથી સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૪ થી ૬ તેમજ ગોંડલ ખાતે શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલ ખાતેથી મળી શકશે.(૩૦.૨)

(11:45 am IST)