Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

હેલ્મેટના વિરોધમાં ગાંધી જયંતિએ જનસંમેલન મળશે : ઈન્દ્રનીલ રાજયગુરૂ

ફરજીયાત હેલ્મેટ વિરોધી લડત સમિતિની બેઠકમાં ઉગ્ર આક્રોશ વ્યકત : લડત માટે તૈયાર રહેવા આહવાન : આ કાળો કાયદો દૂર નહિં થાય ત્યાં સુધી લડત ચાલુ જ રહેશે : લોકો વિરોધ નહિં કરે તો આગામી સમયમાં લોકશાહીમાં મોટો ખતરો ઉભો થશે

રાજકોટ : શહેરમાં છેલ્લા એક મહિનાથી ફરજીયાત હેલ્મેટના કાયદા સામે હેલ્મેટ વિરોધી લડત સમિતિ દ્વારા લડતના મંડાણ કરવામાં આવેલ છે. રાજકોટના પ્રજાજનોમાં ફરજીયાત હેલ્મેટના કાયદા સામે ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે લડત સમિતિની ક્રિષ્ના ગાર્ડન નર્સરી ખાતે યોજાયેલ બેઠકમાં રાજકોટમાંથી સ્વયંભુ રીતે જંગી માનવ મેદનીએ ઉપસ્થિત રહી સત્તાધીશોને મોટો પડકાર ફેંકયો છે.

આ મીટીંગનો ઉદેશ સમજાવતા આગેવાનોએ જણાવ્યુ હતું કે છેલ્લા એકાદ મહિનાથી રાજકોટ પોલીસ તંત્ર દ્વારા રાજકોટ નાગરીકોના હેલ્મેટ ન પહેરવા બદલ બેફામ રીતે દંડના ઈ-મેમો મોકલવામાં આવી રહ્યા છે. જેને કારણે રાજકોટના નાગરીકોમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે. તેને વાચા આપવા માટે અને ફરજીયાત હેલ્મેટનો જે કાયદો છે તે અતાર્કીક અને  નાગરીકોને પીડનારો બની રહ્યો છે ત્યારે થોડા દિવસો પહેલા જ રાજકોટના સામાજીક આગેવાનોની ફરજીયાત હેલ્મેટ વિરોધી લડત સમિતિનું નિર્માણ કરવામાં આવેલ તે સમિતિના અગ્રણી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ સમિતિની જયારે ઘોષણા થઈ ત્યારે એકાદ સપ્તાહ પછી લડત કરવા માટેની જાહેરાત કરેલ અને સાથે સાથે લડત સમિતિમાં સામાજીક આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ જોડાય અને લડત સમિતિનું કદ વિસ્તારીને રાજકોટના નાગરીકોની હિતમાં લડત કરવાના નિર્ધાર સાથે મીટીંગ મળેલ. જેમાં સૌના લડતને પરિણામલક્ષી અને પ્રભાવી બનાવવા માટેના સુચનો લેવામાં આવેલ. મીટીંગમાં નાગરીકોનો રોષ પ્રગટ થતો જોવામાં આવ્યો હતો અને નાગરીકોનો સૂર હતો કે કોઈપણ ભોગે રાજકોટ શહેરમાં હેલ્મેટના કાયદાને રોકવા માટે જે પ્રકારની લડત કરવી પડે તેના માટે ઉપસ્થિત સૌ અગ્રણીઓ અને નાગરીકોમાં સહમતી સધાય હતી.

ઉપરોકત મીટીંગમાં માર્ગદર્શન આપતા ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ પોતાના અનુભવો ટાંકીને જણાવ્યુ હતું કે સરકાર સંવેદનહીન અને સંપૂર્ણ રીતે બિનલોકશાહી ઢબે નિર્ણયો કરી રહી છે. તેની સામે લોકો મજબૂતીથી વિરોધ નહિં કરે તો આગામી સમયમાં લોકશાહી માટે પણ મોટો ખતરો ઝળુંબી રહ્યો છે તેવી દહેશત તેમણે વ્યકત કરેલ અને દૃઢ વિશ્વાસ સાથે જણાવેલ કે રાજકોટમાં આપણે સૌ સાથે મળીને હેલ્મેટનો જે અતાર્કીક કાયદ છે. તેનો અમલ થતો અટકાવવા માટે આપણા જ રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના મુખ્યમંત્રીને આપણે ફરજ પડીશુ. વધુમાં તેમણે જણાવ્યુ હતંુ કે કોઈપણ પ્રકારની માનસિક લડત માટે તૈયાર છો, જેટલા તમે ઉપસ્થિત છો એટલા મિત્રો પણ જો મજબૂતીથી સાથે રહેશો તો દેશમાં જે થાય તે રાજકોટમાં આ કાયદાનો અમલ નહિં થવા દઈએ.

જીજ્ઞેશ કાલાવડીયાએ જણાવ્યુ હતું કે જનતાએ હવે દૃઢ નિર્ધાર સાથે આ સરકારના મનસુબા પર પાણી ફેરવવુ પડશે. શહેરી વિસ્તારમાં હેલ્મેટ હોવાથી નાગરીકોને અનેક મુશ્કેલીઓ પડશે ત્યારે સાથે મળીને આ કાયદો દૂર ન થાય ત્યાં સુધી લડત ચલાવતા રહેવુ પડશે. એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ સમાજની આ લડાઈમાં લોકોનો સહકાર જરૂરી હોવાનું જણાવી રાજકોટની જનતાએ આગળ આવવુ પડશે. ભારતીય કિશાન સંઘના દિલીપ સખીયાએ તમામ તાકાતથી સરકાર સામે લડી લેવા આહવાન કર્યુ હતું.

અશોકભાઈ પટેલ, વેલજીભાઈ દેસાઈ, ભીખાભાઈ બાંભણીયા સહિતના અગ્રણીઓએ બેઠકને સંબોધન કર્યુ હતુ. આ બેઠકમાં સર્વાનુમતે આગામી ગાંધી જયંતિએ ૨જી ઓકટોબરના રોજ સાંજે ૫ વાગ્યે રાષ્ટ્રીયશાળા ખાતે તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ સહિત આમ જનતાને સામેલ કરી વિશાળ જન સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ બેઠકમાં રાજકોટના જાહેર જીવનના અગ્રણીઓ સર્વશ્રી અતુલભાઈ રાજાણી, મેઘજીભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયા, મચ્છાભાઈ ગોહિલ, રાજુભા ઝાલા, પ્રબુદ્ધ આગેવાન વજુભાઈ માવાણી,  વેપારી અગ્રણી ગૌરવભાઈ પૂજારા, હારૂનભાઈ ડાકોરા, સુરેશભાઈ ગરૈયા, પરેશભાઈ શીંગાળા, રાજુભાઈ શાહ, રાજભા ઝાલા, ભરતભાઈ આહિર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા હેમંત વીરડા, અંકુર ગજ્જર, જયરાજસિંહ જાડેજા, મહેન્દ્ર રાઠોડ વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(3:50 pm IST)