Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

રાજકોટઃ દિપેશ મિશ્રાએ ત્યકતાને ભોળવી બદનામ કરવાની ધમકી દઇ બળાત્કાર ગુજાર્યોઃ ધરપકડ

અગાઉ બોગસ દસ્તાવેજો બનાવવા, ગેરકાયદે હથીયાર રાખવા સહિતના ગુનામાં સંડોવાયો'તોઃ યુનિવર્સિટી પોલીસે જુના બસ સ્ટેશન પાછળ રહેતાં શખ્સને મોડી રાતે સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૯: શહેરના જુના બસ સ્ટેશન પાછળ માતૃકૃપા ટ્રાવેલ્સની ઓફિસના ઉપરના ભાગે રહેતાં અને છુટક બાંધકામ કન્સ્ટ્રકશનનું કામ કરતાં મુળ વર્ષોથી રાજકોટ સ્થાયી થયેલા પરપ્રાંતિય દિપેશ દિપનારાયણ મિશ્રા નામના શખ્સે યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના એક વિસ્તારની ત્યકતાને નોકરીમાં મદદ કરવાના બહાને ઓળખાણ કેળવ્યા બાદ તેના પુત્રનું શાળામાં એડમિશન કરાવવામાં મદદ કરી ભોળવીને બળજબરી કર્યા બાદ સમાજમાં બદનામ કરી દેવાની ધમકી દઇ વારંવાર શરીર સંબંધ બાંધી ધમકીઓ આપતાં મામલો પોલીસ સુધી પહોંચતા યુનિવર્સિટી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી મોડી રાત્રે આરોપીની ધરપકડ કરી છે. આ શખ્સ અગાઉ પણ ત્રણ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

પોલીસે ત્યકતાની ફરિયાદને આધારે દિપેશ મિશ્રા વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. દોઢેક મહિના પહેલા ફરિયાદી ત્યકતા મહિનાને નોકરીની જરૂર હોઇ તેના માટે દિપેશ મિશ્રાનો સંપર્ક થયો હતો. તે વખતે તેણે ફોન નંબર મેળવી લીધા હતાં અને પરિચય કેળવ્યો હતો. એ પછી આ મહિલાને દિકરાનું શાળામાં એડમિશન કરાવવું હોઇ તેમાં દિપેશે તેને મદદ કરી હતી. ત્યારબાદ મકાન બદલ્યું હોઇ પોતે સામાન મુકવાની મદદ કરવા ગયો હતો અને એ રાતે ત્યાં જ રોકાઇ જઇ ત્યકતા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધો હતો.

એ પછી અવાર-નવાર આ બાબતે સમાજમાં બદનામ કરવાની ધમકી દઇ તેમજ દિકરાને મારી નાંખવાની ધમકીઓ આપી વારંવાર દૂષ્કર્મ ગુજારતો હોઇ અંતે તેણીએ કંટાળીને પોલીસને જાણ કરતાં યુનિવર્સિટીના પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ પી.એ. ગોહિલ સહિતની ટીમે ગુનો નોંધી રાતો રાત દિપેશ મિશ્રાને દબોચી લીધો છે. આ શખ્સ વિરૂધ્ધ અગાઉ બોગસ દસ્તાવેજો ઉભો કરવાનો તેમજ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધાયો હતો. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(11:43 am IST)