Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ચેમ્બરના પ્રમુખ આંતરિક સમજુતી મુજબ માસાંતે ખુરશી ખાલી નહિ કરે તો તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત ?

સમજુતી મુજબ દોઢ વર્ષ પુરૂ થતા ૩૦મી સુધીમાં વર્તમાન પ્રમુખ શિવલાલ બારસીયાએ રાજીનામુ આપી સુકાન વી.પી. વૈષ્ણવને સોંપવાનું રહેશે : જો પ્રમુખ સમજુતીનો ભંગ કરી રાજીનામુ ન આપે તો ? જબરી ચર્ચાઃ કારોબારી સભ્યો જો અને તો ની સ્થિતિને લઈને એલર્ટઃ ખુરશી માટે જબરા ખેલ ખેલાવાની શકયતા

રાજકોટ, તા. ૨૦ :. છ દાયકા જૂની એવી રાજકોટના વેપારીઓ-મહાજનોની સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝને છેલ્લા થોડા વર્ષોથી વેપારીઓના હિતો માટે સતત લડત આપવાને બદલે આંતરિક લડાઈ, કાવાદાવા, રાજકારણ, અંગત સ્વાર્થ વગેરેનો ડંખ લાગ્યો હોય તેવુ લાગે છે. થોડા સમયના અંતરે આ સંસ્થા કામ કરવા માટે નહિં પરંતુ સખળડખળ માટે ચર્ચામાં રહી છે અને તેના કારણે મહાજનોની સંસ્થાની પ્રતિષ્ઠાને ધબ્બો લાગ્યો હોવાનું ચિત્ર ઉપસે છે. ભૂતકાળમાં ચૂંટણી ટાણે ખરાખરીના ખેલ, સત્તા-પ્રમુખ પદ માટે ચડસાચડસી સહિતના કાવાદાવા થયા હતા. થોડો સમય વિરામ રહ્યા બાદ હવે ફરીથી આ બધી બાબતોનું પુનરાવર્તન થાય તેવા સ્પષ્ટ નિર્દેશો મળી રહ્યા છે.

રાજકોટની વેપારી આલમનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાનો વટ એવો હતો કે, તેની માંગણીઓ તરફ અને લડત તરફ સત્તાધીશોનું ધ્યાન ખેંચાતુ અને તેનો ઉકેલ ફટાફટ આવી જતો. પરંતુ છેલ્લા થોડા સમયથી આ સંસ્થા વિવાદોમાં ઘેરાયેલી રહેતા વેપારીઓના પ્રશ્નો ઉકેલવાના બદલે આંતરિક ડખ્ખા ઉકેલવા સભ્યોને-કારોબારી સભ્યોને મહેનત કરવી પડતી હોય તેવુ લાગે છે. વર્તમાન પ્રમુખ શિવલાલ બારસીયાએ થયેલી સમજુતી મુજબ દોઢ વર્ષ પુરૂ થતા ૩૦મીએ કે તે પહેલા પદ પરથી રાજીનામુ આપી પ્રમુખ પદ વી.પી. વૈષ્ણવને સોંપવાનંુ રહેશે. પરંતુ વેપારી આલમમાં ચર્ચાતી વિગતો અનુસાર વર્તમાન પ્રમુખ આ મોભાદાર હોદ્દો ખાલી કરવા માંગતા નથી અથવા તો થોડો સમય આ પદ પર બિરાજવા માગે છે. એવુ પણ ચર્ચાય છે કે તેમણે પદ પર રહેવા માટે સમગ્ર કારોબારીનુ વિસર્જન કરી નાખવાની ગર્ભીક ચિમકી આપી હોવાનું જણાય છે. તેમની આ પ્રકારની ચાલ સામે કારોબારી સભ્યો સાબદા થયા છે અને વિવિધ પ્રકારની રણનીતિઓ ઘડી રહ્યા હોવાનું કહેવાય છે.

વેપારી આલમમાં ચર્ચાતી વિગતો અનુસાર ૩૦-૯ના રોજ કે તે પહેલા વર્તમાન પ્રમુખ બારસીયા રાજીનામુ નહી આપે તો કારોબારી સભ્યો તેમની વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવી તેમને પદ પરથી દૂર કરે તેવી પણ શકયતા છે. કારોબારીના એજન્ડા તરફ હાલ તો સૌનુ ધ્યાન કેન્દ્રીત થયુ છે. આ અંગે કોઈ સભ્યો કશુ કહેવા માગતા નથી પરંતુ આંતરિક ધુંધવાટ જબરી રીતે પ્રવર્તી રહ્યો હોવાનું જાણવા મળે છે. સૌ પોતપોતાની રીતે સોગઠાબાજી કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.

એવુ પણ કહેવાય છે કે, પ્રમુખ પદ માટે છેલ્લી ઘડીએ જબરા રાજકીય અને સામાજીક ખેલ પણ ખેલવામાં આવશે. અત્રે નોંધનીય છે કે ચેમ્બરનું પ્રમુખ પદ ૩ વર્ષનું હોય છે. દોઢ વર્ષ પહેલા જ્યારે નામ નક્કી કરવાનુ હતુ ત્યારે બારસીયા અને વૈષ્ણવ વચ્ચે હરીફાઈ થતા ખોડલધામના પ્રણેતા નરેશ પટેલને મધ્યસ્થી કરવી પડી હતી અને આંતરિક સમજુતીથી બન્નેને દોઢ-દોઢ વર્ષ પ્રમુખ પદ સંભાળવા ફોર્મ્યુલા ઘડવામાં આવી હતી. આ ફોર્મ્યુલા મુજબ હવે નવા મહિનાથી વીપીએ પ્રમુખ પદ સંભાળવાનું રહેશે. આવુ ત્યારે જ થઈ શકે કે જ્યારે બારસીયા રાજીનામુ આપે. હવે સૌ કોઈનું ધ્યાન ૩૦મીની બેઠક પર કેન્દ્રીત થયુ છે. મહાજનોની આ પ્રતિષ્ઠીત સંસ્થા આંતરિક વિવાદોમાં રહેવાને બદલે વેપારીઓના પ્રશ્નો ઉકેલવા તરફ પોતાની શકિતનો ઉપયોગ કરે તેવુ વેપારીઓ ઈચ્છી રહ્યા છે.

(3:53 pm IST)
  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • કરાઈ પાસે સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવકો ડૂબ્યા : ગાંધીનગર નજીક કરાઈ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના 10 યુવકો ડૂબ્યા : ફાયર બ્રિગેડ દ્વારા 7 યુવકોને બચાવી લેવાયા: બાકીના 3 યુવકોની શોધખોળ શરૂ કરાતા 1 યુવકની લાશ મળી: હજુ પણ 2 યુવકોની શોધખોળ ચાલુ access_time 1:02 am IST

  • અંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST