Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગુજરાતના મુખ્યમંત્રી દલિત વિરોધી : વશરામ સાગઠિયા

ગૌણ ખનીજોની બ્લોક ફાળવણીમાં અનુસૂચિતજાતી માટેની જોગવાઇઓનું પાલન કરાવવા જોરદાર માગણી : પત્રકાર પરિષદ યોજાઇ

આજે મ્યુનિ. કોર્પોરેશનમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા, કોર્પોરેટર સીમીબેન જાદવ, રવજીભાઇ ખીમસુરિયા તથા અનિલભાઇ જાદવ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ : મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ મુખ્યમંત્રીશ્રી અને રાજકોટના પનોતા પુત્ર શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી જણાવ્યું છે કે, ભારતના સંવિધાન મુજબ એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. ની ટોટલ અનામત ૪૯% છે બંધારણ મુજબ ૫૦% ઉપર અનામત આપી શકાય નહી. આ ૪૯% અનામતમાં ૨૫% ઓ.બી.સી., ૧૭% એસ.ટી., અને ૭% એસ.સી.ની અનામતની જોગવાઈ છે જે ખાસ કરીને એસ.સી.ના લોકો માટે બંધારણના આર્ટીકલ ૪૬ની જોગવાઈ મુજબ અનુસૂચિતજાતિના લોકો માટે રિઝર્વેશન રાખવાનું થાય છે.

ત્યારે વિજયભાઇએ મે-૨૦૧૭ થી અમલમાં મુકેલ જાહેર હરરાજીથી ખાણ-ખનીજના બ્લોક બનાવીને ઈ-ઓકશનથી કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે પરંતુ, આ જોગવાઈમાં અનુસૂચિતજાતિ વર્ગના લોકો માટે કોઈ અનામતની જોગવાઈ રાખવામાં આવેલ નથી. મુખ્યમંત્રીશ્રીની પાસે ખાણ-ખનીજ ખાતું છે અને વિજયભાઈ રૂપાણી પોતેજ સરકાર છે ત્યારે અનુસૂચિત જાતિના લોકોના કલ્યાણ અને હક્કોની રક્ષણ કરવાની જવાબદારી બંધારણ મુજબ સરકારની છે. જો સરકાર પોતાની જવાબદારીઓ ચુકી જાય તો એ બંધારણની જોગવાઈઓનું પણ અપમાન ગણાય.

શ્રી સાગઠીયાએ વધુમાં મુખ્યમંત્રીશ્રી પોતે જ પોતાના હસ્તકનું ખાતું ખાણ-ખનીજમાં બંધારણના આર્ટીકલ ૪૬ની જોગવાઈનું પાલન કરતા નથી તેનો અર્થ એ થાય છે કે મુખ્યમંત્રીશ્રીની માનસિકતા દલિત વિરોધી છે, તે છતી થાય છે.

મુખ્યમંત્રીશ્રી ઉપરાંત વિરોધપક્ષના નેતાશ્રી, મુખ્ય સચિવશ્રી, અનુસૂચિતજાતી કલ્યાણ આયોગ, નવી દિલ્હી, ચેરમેનશ્રી-અનુસૂચિતજાતી કલ્યાણ સમિતિ, અગ્રસચિવશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ, મંત્રીશ્રી-સમાજ કલ્યાણ વિભાગ, અને અનુસૂચિતજાતિના તમામ ધારાસભ્યશ્રીઓને આ પત્ર પાઠવીને અનુસૂચિતજાતીના લોકોને પોતાનો હક્ક અપાવવા માંગણી કર્યાનું રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા શ્રી વશરામ સાગઠીયાએ જણાવ્યું છે. આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

(3:13 pm IST)