Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વધુ એક 'સ્પા'માંથી થાઇલેન્ડની પાંચ યુવતિ મળતાં વિઝા રદ કરવા કાર્યવાહી

તાલુકા પોલીસે બાતમી પરથી નાના મવા રોડ પર પેરેડાઇઝ સ્પામાં કાર્યવાહી

રાજકોટ તા. ૨૦: શહેરમાં સ્પા અને મસાજ પાર્લરના ઓઠા તળે ગોરખધંધા ચાલતાં હોવાની અનેક ફરિયાદોને પગલે પોલીસે સતત દરોડાનો દોર ચાલુ કરતાં અનેક સ્પામાંથી ગેરકાયદેસર રીતે રહેતી વિદેશી યુવતિઓ મળી આવતાં તેને વતન રવાના કરવાની કાર્યવાહી થઇ હતી. તાજેતરમાં માલવીયાનગર પોલીસે એક સ્પામાં તો કુટણખાનુ ચાલતું હોઇ દરોડો પાડી સંચાલક સામે બબ્બે ગુના નોંધ્યા હતાં. ત્યાં ગત સાંજે તાલુકા પોલીસે નાના મવા રોડના એક સ્પામાં દરોડો પાડતાં થાઇલેન્ડની પાંચ યુવતિઓ માળી આવી હતી.

ઉચ્ચ અધિકારીઓને મળેલી બાતમીને આધારે તાલુકા પી.આઇ. વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમા સહિતે પેરેડાઇઝ સ્પામાં દરોડો પાડતાં થાઇલેન્ડની પાંચ યુવતિઓ મળી હતી. ટુરીસ્ટ વિઝા પર આવેલી આ યુવતિઓને ગેરકાયદસેર રીતે સ્પામાં કામે રાખી દેવામાં આવ્યાનું ખુલતાં તેના વિઝા રદ કરી ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ પોલીસે એક સાથે ૪૦ સ્પામાં દરોડા પાડતાં ૪૫ વિદેશી યુવતિઓ મળી આવી હતી. તેના વિઝા રદ કરાવવાની કાર્યવાહી કરી તમામને તેના વતનમાં રવાના કરી દેવામાં આવી હતી. પોલીસે કહ્યું હતું કે જ્યાં દરોડો પડ્યો એ સ્પાના સંચાલકનું નામ વત્સલ મુંગલપરા છે. (૧૪.૧૧)

(3:06 pm IST)