Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીનો વાહનચાલકોમાં જાગૃતિ લાવવા

નવતર પ્રયોગ ગણપતિબાપ્પાએ વાહન ચાલકોને અટકાવી પુછ્યું- શું તમારી પાસે મારી જેમ બીજા માથાનો વિકલ્પ છે? નહિતર હેલ્મેટ પહેરો 'અકિલા ચોક'માં ઝુંબેશઃ ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને મેમો નહિ લાડુની પ્રસાદી આપી હવે પછી નિયમનું પાલન કરશે તેવા શપથ લેવડાવ્યા

રાજકોટઃ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક બાબતે વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવે તે માટે અવાર-નવાર નવતર પ્રયોગ કરવામાં આવે છે. અગાઉ રક્ષાબંધનના તહેવાર પર નિયમ ભંગ કરનારા વાહન ચાલકોને રાખડી બાંધી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લેવડાવાયા હતાં. ગઇકાલે સાંજે શહેરના અકિલા ચોક ખાતે પોલીસ દ્વારા ફરીથી નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. હાલ ગણપતિ મહોત્સવ ચાલતો હોઇ બે યુવાનો દ્વારા ગણપતિનો વેશ ધારણ કરાયો હતો અને શહેર પોલીસ અધિકારીઓ, ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ, સ્ટાફની હાજરીમાં ટ્રાફિક નિયમનનું ઉલંઘન કરીને નીકળતાં વાહન ચાલકોને અટકાવી  તેમને ગણપતીબાપ્પાના હાથે મેમો નહિ પણ લાડુની પ્રસાદી આપવામાં આવી હતી અને હવે પછી નિયમોનું ઉલંઘન નહિ કરે તેવા શપથ લેવડાવાયા હતાં. આ કાર્યક્રમમાં જાગૃત ભાઇ-બહેનો ટ્રાફિક નિયમનની જાગૃતી માટેના સંદેશા સાથેના બેનરો લઇને જોડાયા હતાં. જેમાં અલગ-અલગ સુત્રો લખેલા હતાં...જેમ કે નો હોર્ન પ્લીઝ, ચાલુ વાહને મોબાઇલ પર વાત ન કરવી, જોખમી ગતિથી વાહન ન ચલાવવું તેમજ શું તમારી પાસે મારી જેમ બીજા માથાનો વિકલ્પ છે?...નહિતર હેલ્મેટ પહેરો...જેવા સુત્રોએ સોૈનું ધ્યાન ખેંચ્યું હતું. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક જે. કે. ઝાલા તથા ટ્રાફિક બ્રાંચનો સ્ટાફ આ કાર્યક્રમમાં જોડાયો હતો. તસ્વીરોમાં ગણપતિદાદનું રૂપ ધારણ કરના યુવાન મોદકની પ્રસાદી સાથે તથા પોલીસ અધિકારીઓ અને બેનરો સાથે ભાઇ-બહેનો તેમજ નીચેની તસ્વીરોમાં વાહન ચાલકોને મોદકની પ્રસાદી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સમજ આપવામાં આવી તે દ્રશ્યો જોઇ શકાય છે. મહિલા વાહન ચાલકોને પણ અટકાવાયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૭)

(4:16 pm IST)