Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રાત્રે અને કાલે તાજીયા જુલૂસઃ કાલે શુક્રવારે જ આશૂરા

આજે આશૂરાની રાત્રે હુસેની મહેફિલોની પૂર્ણાહુતિ : કરબલાના શહીદોની સ્મૃતિમાં ચોતરફ હુસેની રંગ : સવારે કબ્રસ્તાનમાં 'શ્રાધ્ધતર્પણ' માટે મુસ્લિમો ઉમટી પડશે : આજે અને કાલે રોઝા : મસ્જિદોમાં આજે અને કાલે રાત્રે કુઆર્ન પઠન : સવારે વિશેષ નમાઝ, સુખ-સમૃધ્ધિ અને શાંતિ અર્થેની મંગાશે દુઆઓ : એકબીજાને કરાશે ક્ષમા યાચના

રાજકોટ, તા. ૨૦ : આજે ૯મી મહોર્રમના સાંજે કરબલાના શહીદોની યાદમાં બનેલા તાજીયાઓ ઈમામખાનાઓમાંથી બહાર આવી માતમમાં આવી જશે અને આજે રાત્રે તથા કાલે આખો દિવસ જુલુસરૂપે ફરી કાલે રાત્રે વિસર્જીત થશે અને કાલે સૌરાષ્ટ્રભરમાં 'આશૂરા'નો પર્વ મનાવવામાં આવશે.

મહોર્રમ માસ નિમિતે ખાસ કરીને પૈગમ્બર સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુશેન અને તેઓના ૭૧ સાથીદારોની યાદ તાજી કરવામાં આવે છે અને આજથી ૧૩૭૯ વર્ષ પહેલા ઈરાકના રેતાળ પ્રદેશમાં આવેલ કરબલાના મેદાનમાં આપેલી ભવ્ય આહુતિને જીવંત કરવામાં આવે છે.

ગામેગામ મહોર્રમ માસ મનાવાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને ગામેગામ હુસેની મહેફિલો યોજાઈ છે જેની આજે રાત્રે પૂર્ણાહુતિ થઈ જશે. બીજી તરફ સબિલો દ્વારા અને વિવિધ કમિટિઓ અમીર - ગરીબ હરકોઈ દ્વારા નિયાઝના વિતરણના કાર્યક્રમો ભરપૂર ચાલી રહ્યા છે. રોશનીનો પણ ઝળહળાટ કરવામાં આવ્યો છે અને જેના લીધે મુસ્લિમ વિસ્તારો હુસૈની રંગમાં રંગાઈ ગયા છે.

મહોર્રમ નિમિતે કેટલાક મુસ્લિમ ભાઈ-બહેનો ૧૦ દિ'ના રોઝા રાખી રહ્યા છે. તેમાં પણ અનેક ભાઈ-બહેનો આજે અને કાલે બે દિ'ના રોઝા રાખશે અને કાલે ૧૦મી મહોર્રમ ઈસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ હોય 'આશૂરા'ના દિવસે મુસ્લિમ બિરાદરો સવારે વિશેષ નમાઝ પઢશે અને કબ્રસ્તાનોમાં ઉમટી પડી શ્રાધ્ધ તર્પણ કરશે.

સૌરાષ્ટ્રભરમાં આજે સાંજે ૬ વાગ્યે તો કયાંક રાત્રે તાજીયા જાહેરમાં આવી જશે રાત્રે ૧૨ વાગ્યે જે તે ગામ કે શહેરમાં તાજીયા જુલુસરૂપે ફરનાર છે. એ સાથે જ આજે આશૂરાની રાત્રી મનાવાશે.

જાણવા મળ્યા મુજબ ભાવનગર-૩૫, જામનગર-૬૦૦, પોરબંદર-૩૬, ધોરાજી-૮૦, ઉના-૪૫, અમરેલી-૮૦, વાંકાનેર-૧૧, મોરબી-૧૧, જૂનાગઢ-૨૫૦ અને રાજકોટમાં ૧૭૫ જેટલા તાજીયા બન્યા છે. આ તમામમાં રાજકોટના જાણીતા વિશાળ મુસ્લિમ બહુમતવાળા જંગલેશ્વર વિસ્તારના રઝાનગરમાં બનેલા ૫૧ તાજીયા જુલુસરૂપે ફરતા નથી અને સતત ૧૮માં વર્ષે પણ તાજીયા પોતપોતાના વિસ્તારના માતમમાં જ રહેશે.

જો કે જાહેર નિયાઝના ભરપૂર વિતરણ ઉપરાંત આજે અને કાલે રોઝા રાખવાના લીધે બે દિ' સવાર-સાંજ ઈફતારી અને સહેરીના પણ જાહેર કાર્યક્રમો યોજાયા છે.

ઠેર-ઠેર હિન્દુ-મુસ્લિમોને ભારે માત્રામાં પ્રસાદ વિતરણ થઈ રહ્યુ હોય ભાઈચારા અને કોમી એકતાના ભવ્ય દર્શન થઈ રહ્યા છે તો અનેક હિન્દુ ભાઈ-બહેનો પણ તાજીયાના દર્શન કરી માનતાઓ પુરી કરી રહ્યા છે.

સદર વિસ્તારના તાજીયા જુલુસનો બે દિ'નો રૂટ

રાજકોટ : સદર વિસ્તારમાં  ૧પ જેટલા તાજીયાઓનું નિર્માણ થયું છે. જેમાં નહેરૂનગર, લક્ષ્મીનગર, રૈયા સહીતના વિસ્તારોના તાજીયાઓનો સમાવેશ થાય છે. આ તમામ તાજીયાઓ આજે સાંજે ૬ વાગ્યા આસપાસ ઇમામખાનામાંથી બહાર આવી જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકાશે. જે તાજીયાઓ પોતપોતાના વિસ્તારમાંથી નિકળી રાત્રીના ફુલછાબ ચોકમાં એકત્ર થશે.

અહીથી એકત્ર થઇ રાત્રીના ૧ર વાગ્યાથી જુલુસરૂપે આગળ વધશે અને ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, બેન્ક ચોક, જયુબેલી ચોક,      કબ્રસ્તાન રોડ, હરીહર ચોક, સદર બજાર મેઇન રોડ થઇ  પરત વ્હેલી સવારે પોતપોતાના મુકામે પહોંચશે.

જયારે કાલે રવિવારે બપોરે ફરી એજ રીતે ચાલી  ફુલછાબ ચોકમાં સાંજે એકત્ર થઇ ઉપર મુજબના નિયત રૂટ ઉપર ચાલી રાત્રીના ૧ વાગ્યે પરત ફુલછાબ ચોકમાં પહોંચી સમાપ્તી જાહેર કરશે.

શહેર વિસ્તારની લાઇનદોરી આજે રાત્રીનો રૂટ

રાજકોટ : રાજકોટ શહેર વિસ્તારમાં પણ તાજીયાનું જબરૂ જુલુસ નિકળે છે. આ પૈકીના તમામ તાજીયાઓ આજે રાત્રીના ૧ ર વાગ્યે પોતપોતાના માતમમાંથી ઉઠીને જીલ્લા ગાર્ડન ચોક પાસે  રાત્રીના બે વાગ્યે પહોંચશેે. અને સામા કાંઠા વિસ્તારના તાજીયા રામનાથ પરા જેલના ઝાપાપાસે રાત્રે બે વાગ્યે પહોંચશે અને ત્યાંથી તમામ તાજીયા રામનાથ પરા થઇ કોઠારીયા નાકા ચોક ઉપર જમા થશે.

જયાંથી બે લાઇન દોરીનું વિભાજન થશે. જેમાં એક લાઇન દોરી સોની બજારની છે અને બીજી પેલેસ રોડ ઉપરની છે અને રાત્રે ૪ વાગ્યે આ લાઇન દોરીઓમાં તાજીયા સવારે પરત પોતપોતાના માતમમાં આવી જશે.

કાલે દિવસનો રૂટ

શહેરી વિસ્તારના તાજીયા કાલે બપોરે ર.૩૦ વાગ્યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્યે એકત્ર થશે અને રામનાથ પરા જેલના ઝાપા પાસે પ.૩૦ વાગ્યે આવશે.

સાંજે ૬.૩૦ વાગ્યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે. કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્યે આવશે.ત્યાંથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોનીબજારમાં જશે. બીજી લાઇનદોરી પેલેસ રોડ ઉપર જશે. સ્વામીનારાયણ મંદિરના ચોક પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્યે પહોંચશે. ૯ વાગ્યે આશાપુરા મંદિર પાસે પહોંચશે. ૧૦ વાગ્યે સંતોષ ડેરી પાસે પહોંચશે. ત્યાંથી આ તાજીયાઓનું વિસર્જન થશે. ત્યાંથી આ લાઇન દોરીમાં અલગ-અલગ વિસ્તારમાં પરત ફરશે અને શુક્રવારે રાત્રીના ૧ર વાગ્યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્તારમાં પહોંચી પોતપોતાના ઇમામ ખાનાઓમાં ટાઢા થશે.

૪૧ વર્ષથી આશીકાને હુસેન ન્યાજ કમીટીનું સંચાલન હિન્દુ કરે છેઃ કાલે ન્યાજ યોજાશે

રાજકોટ, તા., ર૦: ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પેંગબરના દોહીત્ર ઇમામા હુસેનની સાનમાં દર સાલ મુજબ આ સાલ પણ આમ ન્યાજનો પ્રોગ્રામ રાખેલ છે. આશીકાને હુસૈની ન્યાજ કમીટીએ અક્ષરસ ચરીતાર્થ કરી બતાવ્યા છે. આ કામ એક-બ કે ત્રણ વર્ષથી નહી, બલ્કે ૪૧-૪૧ વર્ષની ચાલ્યા રાખે છે. જે કોમી એકતાનું દ્રષ્ટાંત પુરૂ પાડે છે.

છેલ્લા ૪૧ વર્ષથી આશીકાને હુસૈની ન્યાજ કમીટી, રામનાથપરા શેરી નં. ૧રનું સંચાલન હિન્દુ વ્યકિત કરે છે. જે અત્યારે તો કમીટીના પ્રમુખસ્થાને છે અને તે છે રમેશગીરી ઓધોવગીરી ગોસ્વામી.

આ કોમી એકતાનું ઉદાહરણનું મુલ્ય અનેક ગણુ વધી જાય છે. સ્વભાવીક છે એવા આ વેર-ઝેરના વાતાવરણ વચ્ચે મુસ્લીમ કમીટીનું સંચાલન હિન્દુ કરે છે. આ કમીટી દ્વારા કાલે શુક્રવાર અસરની નમાજ બાદ રાજકોટ શહેરની અને આજુબાજુના ગામડાની હિન્દુ તેમજ મુસ્લીમ આમ જનતા માટે એક મોહરમ માસ નિમિતે ન્યાજ (પ્રસાદ) નો ભવ્ય પ્રોગ્રામ રાત્રે રાખેલ છે.

જેને સફળ બનાવવા માટે પ્રમુખ રમેશગીરી ઓધોવગીરી ગોસ્વામી સહીત ઘાંચી ઇકબાલ ઇબ્રાહીમભાઇ, ઘાંચી કરીમ અલ્લારખાભાઇ, ઘાંચી હુસેન ગીનભાઇ મોદન, રનજીતસિંહ લખુભા વાળા, ગજાનંદ મંડપ સર્વિસવાળા ઘાંચી અબ્દુલ વલીભાઇ કાર્યરત થયા છે. આ કમીટીમાં અજયભાઇ બાબુભાઇ પરમાર (રજપુત) ભાજપના કોર્પોરેટરનો સહયોગ મળી રહયો છે.

(2:54 pm IST)
  • અમરેલી : ધારી ગીરપૂર્વ વિસ્તારમાં છેલ્લા 11 દિવસમાં 11 સિંહો ના મોત:6 સિંહબાળ સહિત 11 સિંહોના મોતથી વનવિભાગ પણ ચિંતામાં :તમામ સિંહોના મોતનુ કારણ અલગ અલગ: ઈન્ફાઈટ તેમજ ઇન્ફેક્શનના કારણે મોતની સત્તાવાર જાહેરાત કરતુ વનવિભાગ.:વનવિભાગની ટીમ દ્વારા ગીરના સિંહોનુ અવલોકન શરૂ કરવામાં આવ્યુ:સિંહોના મોતથી સમગ્ર જીલ્લામાં અરેરાટી વ્યાપી access_time 10:52 pm IST

  • શીન્જો આબે ફરી જાપાનના વડાપ્રધાન બનશે : ભારત સાથે ગાઢ દોસ્તી : જાપાનમાં તેમની ઝળહળતી કામગીરી : બીજી વખત સુકાન સંભાળશે : જાપાનની પ્રજાએ ફરી કળશ ઢોળ્યોઃ સામાન્ય ચૂંટણીમાં વિજય access_time 3:06 pm IST

  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST