Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

રાત્રે અને કાલે તાજીયા જુલૂસ : કાલે શુક્રવારે જ આશુરા

આજે આશૂરાની રાત્રે હુસેની મહેફિલોની પૂર્ણાહુતિ : કરબલાના શહીદોની સ્મૃતિમાં ચોતરફ હુસેની રંગસ્‍ સવારે કબ્રસ્તાનમાં 'શ્રાધ્ધતર્પણ' માટે મુસ્લિમો ઉમટી પડશે : આજે અને કાલે રોઝા : મસ્જિદોમાં આજે અને કાલે રાત્રે કુઆર્ન પઠન : સવારે વિશેષ નમાઝ, સુખ-સમૃધ્ધિ અને શાંતિ અર્થેની મંગાશે દુઆઓ : એકબીજાને કરાશે ક્ષમા યાચના

રાજકોટ, તા. ૨૦ : આજે ૯મી મહોર્રમના સાંજે કરબલાના શહીદોની યાદમાં બનેલા તાજીયાઓ ઈમામખાનાઓમાંથી બહાર આવી માતમમાં આવી જશે અને આજે રાત્રે તથા કાલે આખો દિવસ જુલુસરૂપે ફરી કાલે રાત્રે વિસર્જીત થશે અને કાલે સૌરાષ્ટ્રભરમાં 'આશૂરા'નો પર્વ મનાવવામાં આવશે.

મહોર્રમ માસ નિમિતે ખાસ કરીને પૈગમ્બર સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુશેન અને તેઓના ૭૧ સાથીદારોની યાદ તાજી કરવામાં આવે છે અને આજથી ૧૩૭૯ વર્ષ પહેલા ઈરાકના રેતાળ પ્રદેશમાં આવેલ કરબલાના મેદાનમાં આપેલી ભવ્ય આહુતિને જીવંત કરવામાં આવે છે.

ગામેગામ મહોર્રમ માસ મનાવાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને ગામેગામ હુસેની મહેફિલો યોજાઈ છે જેની આજે રાત્રે પૂર્ણાહુતિ થઈ જશે. બીજી તરફ સબિલો દ્વારા અને વિવિધ કમિટિઓ અમીર - ગરીબ હરકોઈ દ્વારા નિયાઝના વિતરણના કાર્યક્રમો ભરપૂર ચાલી રહ્યા છે. રોશનીનો પણ ઝળહળાટ કરવામાં આવ્યો છે અને જેના લીધે મુસ્લિમ વિસ્તારો હુસૈની રંગમાં રંગાઈ ગયા છે.

મહોર્રમ નિમિતે કેટલાક મુસ્લિમ ભાઈ-બહેનો ૧૦ દિ'ના રોઝા રાખી રહ્યા છે. તેમાં પણ અનેક ભાઈ-બહેનો આજે અને કાલે બે દિ'ના રોઝા રાખશે અને કાલે ૧૦મી મહોર્રમ ઈસ્લામ ધર્મમાં મહત્વનો દિવસ હોય 'આશૂરા'ના દિવસે મુસ્લિમ બિરાદરો સવારે વિશેષ નમાઝ પઢશે અને કબ્રસ્તાનોમાં ઉમટી પડી શ્રાધ્ધ તર્પણ કરશે.

સૌરાષ્ટ્રભરમાં આજે સાંજે ૬ વાગ્યે તો કયાંક રાત્રે તાજીયા જાહેરમાં આવી જશે રાત્રે ૧૨ વાગ્યે જે તે ગામ કે શહેરમાં તાજીયા જુલુસરૂપે ફરનાર છે. એ સાથે જ આજે આશૂરાની રાત્રી મનાવાશે.

જાણવા મળ્યા મુજબ ભાવનગર-૩૫, જામનગર-૬૦૦, પોરબંદર-૩૬, ધોરાજી-૮૦, ઉના-૪૫, અમરેલી-૮૦, વાંકાનેર-૧૧, મોરબી-૧૧, જૂનાગઢ-૨૫૦ અને રાજકોટમાં ૧૭૫ જેટલા તાજીયા બન્યા છે. આ તમામમાં રાજકોટના જાણીતા વિશાળ મુસ્લિમ બહુમતવાળા જંગલેશ્વર વિસ્તારના રઝાનગરમાં બનેલા ૫૧ તાજીયા જુલુસરૂપે ફરતા નથી અને સતત ૧૮માં વર્ષે પણ તાજીયા પોતપોતાના વિસ્તારના માતમમાં જ રહેશે.

જો કે જાહેર નિયાઝના ભરપૂર વિતરણ ઉપરાંત આજે અને કાલે રોઝા રાખવાના લીધે બે દિ' સવાર-સાંજ ઈફતારી અને સહેરીના પણ જાહેર કાર્યક્રમો યોજાયા છે.

સદર વિસ્તારના તાજીયા જુલુસનો બે દિ'નો રૂટ

રાજકોટ : સદર વિસ્તારમાં  ૧પ જેટલા તાજીયાઓનું નિર્માણ થયું છે. જેમાં નહેરૂનગર, લક્ષ્મીનગર, રૈયા સહીતના વિસ્તારોના તાજીયાઓનો સમાવેશ થાય છે. આ તમામ તાજીયાઓ આજે સાંજે ૬ વાગ્યા આસપાસ ઇમામખાનામાંથી બહાર આવી જાહેર દર્શનાર્થે ખુલ્લા મુકાશે. જે તાજીયાઓ પોતપોતાના વિસ્તારમાંથી નિકળી રાત્રીના ફુલછાબ ચોકમાં એકત્ર થશે.

અહીથી એકત્ર થઇ રાત્રીના ૧ર વાગ્યાથી જુલુસરૂપે આગળ વધશે અને ભીલવાસ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, બેન્ક ચોક, જયુબેલી ચોક,      કબ્રસ્તાન રોડ, હરીહર ચોક, સદર બજાર મેઇન રોડ થઇ  પરત વ્હેલી સવારે પોતપોતાના મુકામે પહોંચશે.

જયારે કાલે રવિવારે બપોરે ફરી એજ રીતે ચાલી  ફુલછાબ ચોકમાં સાંજે એકત્ર થઇ ઉપર મુજબના નિયત રૂટ ઉપર ચાલી રાત્રીના ૧ વાગ્યે પરત ફુલછાબ ચોકમાં પહોંચી સમાપ્તી જાહેર કરશે.

 

શહેર વિસ્તારની લાઇનદોરી

આજે રાત્રીનો રૂટ

રાજકોટ : રાજકોટ શહેર વિસ્તારમાં પણ તાજીયાનું જબરૂ જુલુસ નિકળે છે. આ પૈકીના તમામ તાજીયાઓ આજે રાત્રીના ૧ ર વાગ્યે પોતપોતાના માતમમાંથી ઉઠીને જીલ્લા ગાર્ડન ચોક પાસે  રાત્રીના બે વાગ્યે પહોંચશેે. અને સામા કાંઠા વિસ્તારના તાજીયા રામનાથ પરા જેલના ઝાપાપાસે રાત્રે બે વાગ્યે પહોંચશે અને ત્યાંથી તમામ તાજીયા રામનાથ પરા થઇ કોઠારીયા નાકા ચોક ઉપર જમા થશે.

જયાંથી બે લાઇન દોરીનું વિભાજન થશે. જેમાં એક લાઇન દોરી સોની બજારની છે અને બીજી પેલેસ રોડ ઉપરની છે અને રાત્રે ૪ વાગ્યે આ લાઇન દોરીઓમાં તાજીયા સવારે પરત પોતપોતાના માતમમાં આવી જશે.

કાલે દિવસનો રૂટ

શહેરી વિસ્તારના તાજીયા કાલે બપોરે ર.૩૦ વાગ્યે નમાઝ પછી માતમમાંથી ઉઠી જીલ્લા ગાર્ડન ચોક પાસે સાંજે ૪ વાગ્યે એકત્ર થશે અને રામનાથ પરા જેલના ઝાપા પાસે પ.૩૦ વાગ્યે આવશે.

સાંજે ૬.૩૦ વાગ્યે કોઠારીયા નાકા ગરબી ચોક પાસે આવશે. કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આ તાજીયાની લાઇન દોરી સાંજે ૭ વાગ્યે આવશે.ત્યાંથી બે લાઇન દોરીઓમાં અલગ વિભાજન થશે તેમાં એક લાઇનદોરી સોનીબજારમાં જશે. બીજી લાઇનદોરી પેલેસ રોડ ઉપર જશે. સ્વામીનારાયણ મંદિરના ચોક પાસે આ તાજીયાની લાઇન દોરી રાત્રીના ૮ વાગ્યે પહોંચશે. ૯ વાગ્યે આશાપુરા મંદિર પાસે પહોંચશે. ૧૦ વાગ્યે સંતોષ ડેરી પાસે પહોંચશે. ત્યાંથી આ તાજીયાઓનું વિસર્જન થશે. ત્યાંથી આ લાઇન દોરીમાં અલગ-અલગ વિસ્તારમાં પરત ફરશે અને શુક્રવારે રાત્રીના ૧ર વાગ્યે આ તાજીયાઓ પોતપોતાના વિસ્તારમાં પહોંચી પોતપોતાના ઇમામ ખાનાઓમાં ટાઢા થશે. તાજીયાના દર્શન કરી માનતાઓ પુરી કરી રહ્યા છે.(૨૧.૧૪)

(11:11 am IST)